૫૦૫ - બ્રહ્મચારીની રમૂજ અને વરદાન
આવી રીતે બાપાશ્રી ઘણી વાર ઐશ્વર્ય પ્રતાપ જણાવતા; સંત-હરિભક્તોને દર્શન, સેવા તથા કથાવાર્તા વગેરેથી સુખિયા કરતા હતા. પણ પોતાના શરીરમાં જે ‘વા’નો ભાગ જણાવતા તે હજી મટ્યો નહોતો. પાંચ દિવસ ઠીક જણાય ને વળી પાછું શરીર ઝલાઈ જાય, તેથી અન્નકૂટના સમૈયામાં પણ પોતાથી ભૂજ જવાણું નહિ. બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તો રામપુરથી ગયા પછી રોજ દિવસ ગણતા જે ક્યારે અન્નકૂટનો દિવસ આવે ને બાપાશ્રી પધારે. પણ બાપાશ્રીથી ‘વા’ને લીધે દર્શને જવાણું નહિ, તેથી પોતે અન્નકૂટ પછી બે સાધુને લઈને વૃષપુર આવ્યા ને મહારાજનાં દર્શન કરીને બાપાશ્રીને હેત જણાવી મળ્યા ને કહેવા લાગ્યા જે, ‘આ ફેરે કેમ વચન પાળ્યું નહિ?’ ત્યારે બાપાશ્રી કહે, ‘અમે અન્નકૂટમાં મહારાજના ભેગા જ હતા. તમે છેટે વૃત્તિ રાખો તે ક્યાંથી દેખો! અમે તો મહારાજથી ક્યારેય નોખા ન રહીએ!’ ત્યારે બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ રમૂજ કરતાં કહ્યું કે, ‘બાપા! મને તો તમે આમ વાતે કરીને સમજાવી દીધો પણ મૂળીના સાધુને પાટોત્સવમાં આવશું એમ કહ્યું છે, તે તો આમ સમજાવવાનું નથીને? એ બિચારા ગામોગામ ફરીને ઉઘરાણાં કરે છે ને તમે એ ઘડીએ આવું કરશો તો એ સાધુનો તો પછી કોઈ ધડોયે નહિ કરે.’ એ ટાણે પોતે ફરી વાર બોલ્યા જે, ‘એ વખતે તો અમારે કચ્છનો સંઘ લઈને જવું છે. તમે આવશો તો તમનેય લઈ જશું. પાટોત્સવમાં વિઘ્ન બહુ થશે, પણ વાંધો નહિ આવે. આવાં વચનથી બ્રહ્મચારી નિર્ગુણાનંદજી ઘણા રાજી થયા ને ભૂજ જઈ સોની મોતીભાઈ પાસે સદ્ગુરુઓને કાગળમાં લખી જણાવ્યું જે, ‘હું હમણાં વૃષપુર દર્શન કરવા ગયો હતો ત્યારે બાપાશ્રી રાજી થઈને આમ બોલ્યા છે.’ આથી સંતોને હિંમત આવી કે હવે ફિકર નથી, પણ આચાર્યશ્રી તરફથી આ પાટોત્સવ બંધ કરાવવાના પ્રયત્નો ચાલતા જ હતા. વળી તેમણે એમ વિચાર કર્યો કે, ‘ભલે, પહેલાં જેને દાખડો કરવો હોય તે કરી લે, પણ છેલ્લી ઘડીયે કોઈનો દાખડો કામ ન આવે એવું કરી દેવું.’ સંતોએ તો બાપાશ્રીના વચન ઉપર દૃઢ વિશ્વાસ રાખી ઘી, ગોળ, ખાંડ, ચોખા, દાળ વગેરે હજારો રૂપિયાનો પાટોત્સવમાં જોઈતો સામાન લેવા માંડ્યો. આમ ધમધોકાર કામ ચાલતાં કેટલાક હરિભક્તોને એમ પણ થતું જે, ‘આમાં દેશોદેશથી હજારો સંત-હરિભક્તો આવે, તેમાં ઉઘરાણાં કરી મેળવેલ રકમમાંથી કદાચ પહોંચી ન શકાય તો એ ટાણે શું થાય?’ આ વાત સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીના જાણવામાં આવતાં તે તો એમ જ કહેવા લાગ્યા જે, ‘શ્રીજીમહારાજ કોઈ રીતે વાંધો આવવા નહિ દે, કોઈ ચિંતા રાખશો મા; આ કામ શ્રીજીમહારાજનું પોતાનું છે ને એ ખરે ટાણે સંત-હરિભક્તોની સહાયમાં ઊભા રહેશે. બાપાશ્રીએ પણ રાજીપો જણાવી એવા જ આશીર્વાદ આપ્યા છે, તેથી આપણે શું કરવા ચિંતા રાખીએ?’ આવાં તેમનાં વચન સાંભળી હરિભક્તો ઘણા રાજી થયા.