૬૧૪ - નારાયણપુરમાં પારાયણ

0:000:00

બાપાશ્રી તથા સંતોનાં દર્શનથી ગામના હરિભક્તો બહુ રાજી થયા અને મંદિરમાં દર્શન કરી થોડી વાર બેઠા. એ વખતે ધનજીભાઈએ પૂછ્યું જે, ‘બાપા! આપણી જગ્યાનું વાસ્તુ કરવાનું છે, તે આપ સંતોએ સહિત મહારાજને જમાડી વાસ્તુ ક્યારે કરશો?’ એ વખતે ધનજીભાઈના બનેવી માનકૂવાવાળા લાલજી પટેલ પાસે બેઠા હતા, તે સામું જોઈને બાપાશ્રીએ રમૂજ કરી કે, ‘જગ્યાના વાસ્તુમાં આ લાલજી પટેલ પારાયણ કરાવે.’ ત્યારે તે કહે, ‘ભલે બાપા! હું રાજી છું, મારાં મોટાં ભાગ્ય!’ આથી બાપાશ્રીએ તેમના પર બહુ રાજીપો જણાવ્યો. પછી બાપાશ્રી સંતોએ સહિત ત્યાંથી વૃષપુર ગયા અને ધનજીભાઈ તથા લાલજી પટેલ તો તુરત જ ભૂજ જઈ સંતો પાસે કારતક વદ ત્રીજથી વદ નોમ સુધીની ‘શિક્ષાપત્રીભાષ્ય’ની કથા કરવાનું નક્કી કરી આવ્યા. પછી વૃષપુરમાં આવી બાપાશ્રી તથા સંતોને પણ પ્રાર્થના કરી નારાયણપુર તેડી ગયા; તે સહુ પ્રથમ પહોંચ્યા. પછી ભૂજના સંતો આવતાં કથામંડપ તૈયાર કર્યો, એ વખતે બાપાશ્રીનો ઉતારો મંદિર આગળની વચલી ઓરડીમાં રાખ્યો હતો. પછી જ્યારે પારાયણનો આરંભ થયો, ત્યારે બાપાશ્રી આસનમાં સૂતા હતા, ત્યાં ધનજીભાઈ તથા તેમના પુત્રો અને લાલજીભાઈએ આવી કહ્યું, ‘બાપા! સંતો વાટ જુએ છે, કથાની પૂજા કરવા ચાલો,’ –એમ કહી તેમણે બાપાશ્રી પાસે પુસ્તક તથા પુરાણીની પૂજા કરાવી આરતી ઉતરાવી. પછી તો રોજ નિયમસર સવાર-સાંજ પારાયણ વંચાય અને પંક્તિ વખતે સંત-હરિભક્તો ઠાકોરજી જમાડે. રાત્રે પણ કથાવાર્તા થતાં સૌને આંનદ વર્તે. એ રીતે સાતમ સુધી સહુ હેતે સહિત કથા સાંભળતાં હતાં. ત્યાં વળી આઠમને દિવસે ગામોગામથી મંડળીઓ આવી તેમને જમાડવા સારુ જે રસોડે શીરો, સુખડી, શાક, ખીચડી વગેરે તૈયાર કરાવેલ હતાં, ત્યાં ધનજીભાઈએ સંતોએ સહિત બાપાશ્રીને તેડી જઈને ઠાકોરજીને થાળ જમાડ્યો તે વખતે બાપાશ્રી એમ બોલ્યા જે, ‘આ પ્રસાદી જે જમશે તેને અમે અક્ષરધામમાં તેડી જશું’. પછી રાત્રે ઠાકોરજીની પાલખી ગામમાં ફરવા નીકળી ત્યારે પણ હરિભક્તોએ બહુ જ ધામધૂમ કરી.

બીજે દિવસ પારાયણની સમાપ્તિ વખતે ધનજીભાઈ તથા તેમના પુત્રો અને માનકૂવાવાળા લાલજી પટેલે મળી છાબો ભરાવી ઠાકોરજીને ભેટ કરી; પછી પુસ્તક, પુરાણી અને સંતોની ચંદન-પુષ્પથી પૂજા કરી, સંતોને વસ્ત્રો ઓઢાડ્યાં અને બાપાશ્રીને પાઘડી બંધાવી પ્રસન્નતા માગી. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘તમે અમારા વચને જેમ કહીએ તેમ કરો છો, તેથી અમે તમારા ઉપર સદાય રાજી છીએ.’ એમ કહી બહુ રાજીપો જણાવ્યો. પછી હરિભક્તોની પંક્તિ થઈ ત્યારે પોતે દર્શન દેવા પધાર્યા ને સૌને કહે જે, ‘સારી પેઠે મહારાજને જમાડજો.’ પછી હરિભક્તો જ્યારે પોતપોતાને ગામ જવા લાગ્યા ત્યારે પણ બહુ જ પ્રસન્નતા જણાવી આશીર્વાદ આપ્યા. આ રીતે સાત દિવસ સુધી ધનજીભાઈ તથા લાલજીભાઈએ બ્રહ્મયજ્ઞ કરાવી બાપાશ્રી તથા સંતોને રાજી કર્યા.

ત્યાર પછી ધનજીભાઈએ બહુ જ આગ્રહ કરી સૌને પોતાને ઘેર બોલાવી ચંદન, કુંકુમ તથા પુષ્પહારથી પૂજા કરી વસ્ત્રો ઓઢાડ્યાં ને દંડવત્ કરી પ્રાર્થના કરી, તે વખતે પણ બાપાશ્રીએ લાલજી પટેલ પર ઘણો રાજીપો જણાવતાં એમ કહ્યું જે, ‘આ સમે મહારાજ ને મોટા કૃપાસાધ્ય છે, તેથી જે કોઈ જોગમાં આવે તેનું તુરત કામ થઈ જાય છે. આ બધું સંભારી રાખજો.’ એટલું કહી મંદિરમાં પધાર્યા. ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી સંતો પર પ્રસન્નતા જણાવી મળ્યા ને સભા થઈ ત્યારે ધનજીભાઈ આદિ હરિભક્તો સામું જોઈને કહ્યું જે, ‘આ સ્વામી શ્વેતવૈકુંઠદાસજી અમારા પુરાણી છે, તે જ્યાં જઈએ ત્યાં પુસ્તક ગોતવું ન પડે.’ પછી સ્વામી ઈશ્વરચરણદાસજીનો હાથ ઝાલીને કહ્યું જે, ‘આ તો અમારા તાબેદાર છે, તે જેમ કહીએ તેમ હા. સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજીએ કોણ જાણે એમને શુંયે મંત્ર ભણાવ્યા છે!’ પછી સ્વામી વૃંદાવનદાસજી સામી દૃષ્ટિ કરીને બોલ્યા જે, ‘આ તો અમારા ગુરુ છે.’ એમ કહી સ્વામી ઘનશ્યામજીવનદાસજીને કહ્યું જે, ‘તમારા ગુરુ કોણ?’ ત્યારે તે કહે, ‘યજ્ઞપુરુષદાસજી.’ ત્યારે બાપાશ્રી કહે, ‘એ નહિ. તમારા ગુરુ તો મહાનુભાવાનંદ સ્વામી. તમે એમના આશીર્વાદથી ગાદીતકિયે બેસનારા સદ્‍ગુરુ થયા, તે તમે છેડો સુધાર્યો.’ એમ પ્રસન્નતા બતાવી સાંજના સંતોએ સહિત વૃષપુર પધાર્યા.