૧૭૮ - દેવશીના દેહત્યાગની વાત

0:000:00

સંવત ૧૯૫૭ની સાલમાં સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ વૃષપુરમાં બાપાશ્રી પાસે જોગ-સમાગમ માટે આવેલા, તેથી રોજ નવીન નવીન કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ ચાલતો હતો; તેમાં એક દિવસ રાત્રે બાર વાગ્યે બાપાશ્રી આસનમાંથી ઊઠ્યા ને સ્વામી ઈશ્વરચરણદાસજીને જગાડીને વાત કરી જે, ‘કાલે આખો દિવસ અમે તમારી પાસે નહિ આવી શકીએ.’ ત્યારે તેમણે કહ્યું જે, ‘એમ કેમ કહો છો! આપને ક્યાંય જવું છે?’ ત્યારે બાપાશ્રી કહે, ક્યાંય જવું તો નથી, પણ અમારા કુટુંબી નાનજીનો દીકરો દેવશી ઓચિંતાનો કૂવામાં પડી ગયો છે ને ત્યાં જ દેહ મૂકી દીધો છે, તેને અમે ધામમાં મૂકી આવ્યા, પણ એ છોકરો તેના સંબંધીને હજુ મળ્યો નથી, તે સવારે કૂવામાંથી મળશે. પછી ભૂજથી ફોજદાર આવી પંચાતનામું કરી રજા આપશે ત્યારે દેન દેવા લઈ જવાશે, તેથી ત્યાં જ સાંજ પડી જશે, એ સહુની સાથે અમારે પણ રહેવું પડશે.’ પછી સ્વામીશ્રીએ કહ્યું જે, ‘તમે આ વાત જાણો છો તે તમારે સ્નાન ન આવે?’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘મહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિ મુક્ત તો સદાય દિવ્ય હોય; તેને આ લોક, ભોગ કાંઈ નજરમાં જ હોય નહિ, તેથી તેને કોનું સ્નાનસૂતક આવે? આગળ બગદાલવ ઋષિ થઈ ગયા, તે કાંઈ સિદ્ધમુક્ત નહોતા; દેહધારી હતા; તો પણ જ્યારે તેને સ્નાન આવે ત્યારે છાતીમાંથી એક વાળ તાણીને કાઢી નાખતા, એટલે સ્નાન ને સૂતક બેય જતાં રહેતાં, તો મહારાજના અનાદિ મુક્તને સ્નાનસૂતક ન હોય એમાં શું? પણ આ લોકના ભેળા રહ્યા ત્યારે લોકની રીતે જ વિધિ કરવો જોઈએ, નહિ તો કેટલાક આવી વાત જાણ્યા વિના અવગુણ લે. અમે આ તમને વાત કરી, એ પણ લોકની રીતનું નહિ,’ -એમ મર્મ કર્યો. પછી બીજે દિવસ જે પ્રમાણે રાત્રીએ કહ્યું હતું તે જ પ્રમાણે બન્યું.