૨૫૧ - સાજા થઈ ગયા

0:000:00

સદ્‍ગુરુઓ તથા પ્રાણશંકરભાઈ આદિ સહુ દેશમાં પહોંચ્યા હજી પંદર દિવસ પૂરા થયા નહોતા, ત્યાં પોતે ઘરની મેડી પરથી ઊતરતાં લથડી પડ્યા. પોતાને લાગેલ તો ખરું, પણ કોઈને જણાવવું નહિ, એવો વિચાર કરી બેઠા થઈ ગયા, પણ ચાલતાં જણાઈ આવે જે, કાંઈક લાગ્યું છે. એક દિવસ તો સવારમાં પોતે સગડી કરાવી લૂગડાને ગોટે સાથળના પડખામાં શેકતા હતા, ત્યાં નારાયણપુરવાળા ધનજીભાઈ દર્શને આવ્યા, તેણે જોયું એટલે ખબર પડી, તેથી પૂછવા લાગ્યા જે, ‘બાપા! આ શું થયું?’ ત્યારે પોતે કહેવા લાગ્યા જે, ‘ધનજી! હવે દેહનાં કામ તો એવાં જ ને! પાંચ દિવસ ઠીક રહે ને પાંચ દિવસ અટકી પડે. હમણાં હું જરા પગથિયાથી ઊતરતાં લથડી પડ્યો હતો, મેં જાણ્યું જે, એક બે દિવસ આફૂરું મટી જશે, પણ મટ્યું નહિ. સાથળમાં જરા જરા દુઃખે છે.’ આમ કહ્યું; પણ ધનજીભાઈએ જરા ધોતિયું ખસેડીને જોયું તો સારી રીતે લાગેલ હતું, તેથી ઘરમાં કાનજીભાઈ, મનજીભાઈ આદિ પુત્રોને આંબાહળદર ભરી શેક કરવાની ભલામણ કરી. પોતે નારાયણપુર ગયા ને ત્યાં જઈ સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને કાગળમાં લખી જણાવ્યું, તેથી સંતોને ત્યાં બહુ ઉચાટ થયા ને તારમાં પૂછાવ્યું જે, ‘હવે કેમ છે? ખબર આપો!’ ત્યારે પોતે જવાબ લખ્યો જે, ‘તમો કોઈ આવશો નહિ ને ઉચાટ કરશો નહિ, હવે મને સારું થઈ ગયું છે,’ –એમ જણાવી, ઘણું લાગેલ હતું, પણ તુરત સાજા થઈ ગયા.