૫૩૦ - જામનગરમાં બાપાશ્રીને રોકવાનો આગ્રહ
આ વખતે સાધુ રાધામનોહરદાસજી ત્યાંના મંદિરમાં હોવાથી તેમણે હરિભક્તોને આગળથી કહેલ હતું કે, 'બાપાશ્રી આજકાલમાં અહીં આવવાના છે, પણ નક્કી ન થાય કેમ કે તેમનાં દર્શનની તાણ સહુને હોય, તેથી માર્ગમાં કોઈ પ્રાર્થના કરી રોકે, તોય તમે બે દિવસ સ્ટેશને જજો.' આથી થોડા હરિભક્તો સામા ગયા હતા, ત્યાં બાપાશ્રી તથા સંતો ઊતર્યા, તેથી એ બહુ જ રાજી થયા અને ગાડી કરી સૌને મંદિરમાં તેડી લાવ્યા. બાપાશ્રી અને સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિને જોઈ મંદિરમાં સંતો હતા તે સહુ દંડવત્ કરી મળ્યા અને આસન કરવા મંડ્યા. પછી બાપાશ્રી તથા સંતોને ઠાકોરજીનાં દર્શન કરી નાહવા-ધોવાનું કર્યું, ત્યાં પણ સંત-હરિભક્તોનો આગ્રહ એવો હતો જે, 'બાપાશ્રીને બેચાર દિવસ તાણ કરી અહીં રોક્શું, તેથી એવી જ પ્રાર્થના કરી, પણ બાપાશ્રીએ તો જણાવી દીધું જે, 'અમને આ ફેરે આ દેશમાં રોકાણ બહુ થયું છે, તે વધુ નહિ રોકાવાય, આજ ને કાલ બે દિવસ રોકાશું,' -આવાં વચનથી સહુએ જાણ્યું જે, એટલું રોકાશે તોય ક્યાંય વાત! પછી તો હરિભક્તો તુરત રસોઈનો સામાન લાવ્યા, એટલે સંતો ઠાકોરજીના થાળ કરવા મંડ્યા.
આ વખતે ભારાસરવાળા કેશરાજભાઈ તથા રામજીભાઈ બંને ત્યાં રહ્યા થકા ભૂજ મંદિરમાં સુખશય્યા માટે મહારાજની ઉપાડની (ચાંદીની) મૂર્તિ કરાવતા હોવાથી તેમણે બાપાશ્રીને પ્રાર્થના કરી તેમને માટે પોતાને ત્યાં થાળ જમાડવાનું કર્યું ને ઘેર લઈ જઈ એ મૂર્તિ બતાવી, તેથી બાપાશ્રી ઘણા રાજી થયા અને રામજીભાઈ પાસે કેશરાજભાઈની બહુ પ્રશંસા કરી જે, 'મહારાજે રૂપિયા આપ્યા છે, પણ ટાણે ટાણે સત્સંગની સેવાઓ સારી કરે છે. ભક્ત પણ એવાં જ છે,' એમ તેમના પર રાજીપો જણાવતા પોતે મંદિરમાં આવ્યા. ત્યાં તો હરિભક્તોથી મંદિર ભરાઈ ગયું. સૌને બાપાશ્રીની વાતો સાંભળવાની તાણ હોવાથી ત્યાં રહેતા સંતોને કહે જે, 'આજ અમને વાતોનો લાભ અપાવજો.' પણ બાપાશ્રીએ તો સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી કહ્યું જે, 'આ સહુને વાતો કરો.' તેથી સ્વામીશ્રીએ મહારાજના મહિમાની ઘણી વાર વાતો કરી. પછી સંતોએ થાળ થઈ જવાથી ઠાકોરજી જમાડ્યા અને બાપાશ્રી પણ ગામમાં જઈ આવેલા હોવાથી થોડી વાર સહુએ આરમ કર્યો. મોડેથી ઠાકોરજી જાગ્યા ત્યારે પાછા દર્શન કરી સભામાં આવ્યા. એ ટાણે સાધુ રાધામનોહરદાસજીએ બાપાશ્રીના ભાલમાં કુંકુમનો ચાંદલો કરી ફૂલનો હાર પહેરાવ્યો ને પ્રાર્થના કરી જે, 'બાપા! હું ઝાઝું ભણ્યો નથી. પણ આપ તથા આવા મોટા સંતો મારા પર રાજી છે, તેથી હું મારાં મોટાં ભાગ્ય માનું છું; મારા પર આવાં ને આવા સદાય રાજી રહેજો.' ત્યારે બાપાશ્રી કહે, 'આવું ને આવું હેત રાખશો તો વાંધો નહિ આવે, ઠેઠ મહારાજના સુખમાં પહોંચાડશું,' -એમ તેમના પર પ્રસન્નતા જણાવી.
પછી સાંજ સુધી કથાવાર્તા થઈ ને રાત્રે આરતી-ઘૂન્ય થયા પછી સભા ભરાણી. તે વખતે કથાપ્રસંગે બાપાશ્રીએ વાત કરી જે, 'કોઈને ધ્યાન કરતાં મૂર્તિમાંથી સુખ આવતું હોય, પણ જાગીને એમ જાણે કે, હું કેવું ધ્યાન કરું છું તો તે પાછો વળ્યો અને પોતામાં કાંઈક રૂડા ગુણ આવ્યા હોય તોય તેનો ખખા આવવા દેવો નહિ. જો વિચાર ન હોય તો સર્વે વાતમાં માન આગળ પડે છે, પણ શ્રીજીમહારાજ અને તેમના આશ્રિતનો મહિમા સમજે તેને એ નડી શકે નહિ. જીવને મહિમાની કાચપ છે. એટલે મહારાજને જેવા છે તેવા જાણી ન શકે, નહિ તો એમની પાસે માન કે બીજું કાંઈ કેમ રહે?'
આવા સર્વોપરી ને સર્વેના કારણ શ્રીજીમહારાજ પોતાના મુક્તોને બહુ જ મોટી પદવી આપે છે, તેથી તેમને એ મૂર્તિ વિના બીજું કાંઈ દૃષ્ટિમાં જ રહેતું નથી. એવા મહારાજ ને તેમના મુક્તના તો મોટા મોટા અવતારાદિ પણ દર્શન ઇચ્છે છે. એમના સામર્થ્ય પાસે બીજા કોઈનું સામર્થ્ય શું લેખામાં? કેમ કે આત્યંતિક મોક્ષ કરવામાં મહારાજ અને મુક્ત એ બે જ સમર્થ છે. જેમ કોઈને હીરો ખરીદવો હોય તો ઝવેરી પાસેથી મળે પણ જ્યાંત્યાં ન મળે; કેમ કે તેની કિંમત મોટી છે, તેમ મોક્ષ સહુથી મોંઘો છે, તે મહારાજ અથવા તેમના મુક્ત પાસેથી જ મળે છે.'
આવી રીતે ચમત્કારી વાતો થતાં સંત-હરિભક્તોને બાપાશ્રીની વાતો સાંભળવાની તાણ હતી, તે સહુ આંનદ પામ્યા. પછી કથાની સમાપ્તિ થયા પછી ચેષ્ટા આદિ નિત્યનિયમ કરી સૌ મોડેથી સૂતા. બીજે દિવસ વળી સવારમાં વહેલા ઊઠી નિત્યવિધિ કર્યા પછી ઠાકોરજીનાં દર્શન કરી સભા થઈ ત્યારે બાપાશ્રી ઘણી વાર ધ્યાનસ્થ બેસી રહ્યા ને સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ વાતો કરી સૌને રાજી કર્યા.
ત્યાંના હરિભક્તોને પણ એમ વિચારે થયો જે, 'બાપાશ્રી તથા સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીની આપણને સ્મૃતિ રહેવા ફોટો પડાવી લીધો હોય તો ઠીક.' એ વિચાર તેમણે આશાભાઈ પાસે જણાવ્યો, તેથી તેમણે બાપાશ્રી તથા સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને પ્રાર્થના કરી, ત્યારે બાપાશ્રી કહે, 'મહારાજની મૂર્તિમાં બધુંય છે, એ મૂર્તિ ભેળા અનંત મુક્ત છે તે સામું જોઈએ એટલે કાંઈ બાકી રહે નહિ, પણ તમારે ઇચ્છા હોય તો ભલે!' આમ કહ્યાથી હરિભક્તોએ બાપાશ્રીનો રાજીપો જાણી ત્યાં પણ સંતોએ સહિત છબી પાડી લીધી.
પછી બાપાશ્રી આસને આવીને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહેવા લાગ્યા જે, 'હવે આપણે સવારમાં વહેલા જવાનું કરીએ. તમે હરિભક્તોને કહી દેજો એટલે વધુ આગ્રહ ન કરે.' એમ કહી થોડી વાર માથે ઓઢી સૂઈ રહ્યા.
ત્યાં વળી થોડી વારે બાપાશ્રીએ એક નવીન ચરિત્ર કર્યું કે, પોતે ઉઘાડે શરીરે સૂતા હતા તે એમને એમ ઊભા થઈ એક કોર ઊભા રહ્યા ને સેવક આશાભાઈને કહે, 'મારું ધોતિયું લઈને કૂવા પર ચાલો.' ત્યારે આશાભાઈને એમ થયું જે, આજ બાપાશ્રીએ આમ કેમ કર્યું હશે! એમ વિચારતાં એ ધોતિયું તો લાવ્યા પણ પૂછ્યું જે, 'બાપા! આજ આમ કેમ?' ત્યારે બાપાશ્રી કહે, 'આજ કરછમાં અમારા મનજીનો જમાઈ દેહ મેલી ગયો, તેથી મારે નાહવું જોશે.' આ વાતથી તેમને આશ્ચર્ય થયું. પછી પાણી કાઢી નવરાવતાં ખરખરો કર્યો જે, 'બાપા! મનજીભાઈની દીકરી નાનાં છે, તેને આજથી ઘણું દુઃખ પડ્યું.' ત્યારે બાપાશ્રી કહે, 'આ લોકમાં ત્યારે બીજું શું સુખ હતું? હવે એ બાઈ ભગવાન ભજશે. આ લોકમાં કોઈ બેસી રહે છે!' એમ બોલ્યા. પછી બીજે દિવસે પોતે વહેલા તૈયાર થયા ને સંત-હરિભક્તો ઘણા વળાવવા આવ્યા તે સૌને રાજી કરી પોતે આગબોટમાં બેસી તુણે ઊતર્યા, ત્યાં ધનજીભાઈ આદિ ઘણા હરિભક્તો સામા આવેલા, તે સૌ હાર પહેરાવી દંડવત્ કરી મળ્યા. પછી સંતો તથા બાપાશ્રી આદિ સહુએ નાહીને કોરાં લૂગડાં પહેર્યા ત્યારે ધનજીભાઈને યાદ આવ્યું, તેથી બાપાશ્રીને એક કોર બોલાવીને કહ્યું કે, 'બાપા! તમે નાહ્યા ત્યારે હું ભૂલી ગયો, પણ આપને જરા નાહવા જેવું છે, જો અહીં નહિ નાહો ને આગળ જતાં ખબર પડશે તો બધાંય લૂગડાં બગડશે.' ત્યારે બાપાશ્રી કહે, 'હું તો જામનગરમાં એક વાર નાહ્યો છું ને બીજી વાર નવરાવવો હોય તો રેડો પાણી, મારી ના નથી. અમારા મનજીની દીકરી દુઃખાણી છે, એ વાત છે કે બીજી! જો તમને નાહ્યાનું ન મનાતું હોય તો આ આશાભાઈ ધોતિયું કૂવે લઈને આવ્યા હતા તેમને પૂછી જુઓ!' આ વાતથી ધનજીભાઈ પણ વિસ્મય પામ્યા. પછી બાપાશ્રી તથા સંતોએ પૂજા કરી લીધી, ત્યાં રેલ આવી એટલે સૌ ગાડીમાં બેઠા. આગળ જતાં અંજાર આવ્યું ત્યાં ઘણા હરિભક્તો દર્શન કરવા ઊભા હતા તે સહુને બાપાશ્રીએ ખોબે ખોબે મેવાની પ્રસાદી વહેંચી. ત્યાંથી માધાપર સ્ટેશને પણ એમ જ કર્યું.