૬૫૧ - સંતોને વૃષપુરમાં છ દિવસ રાખ્યા

0:000:00

ત્યાં બાપાશ્રીએ સંતોને બહુ હેત જણાવી મહારાજના મહિમાની તથા અલૌકિક પ્રતાપની વાતો કરી રાજી કરવા માંડ્યા. સંતો પણ નવાં નવાં હેતે ચંદન-પુષ્પથી પૂજાઓ કરે, મળે, સભામાં પ્રશ્નો પૂછે, વાડીએ નાહવા જાય ત્યાં વાતો કરાવે, વળી રાત્રે કથાપ્રસંગે મહિમાની વાતો થાય તેથી સૌ આનંદ પામતા હતા.

એક દિવસ સવારમાં બાપાશ્રી નાહી, પૂજા કરીને બેઠા હતા ત્યાં સંતો ચંદન ચર્ચવા આવ્યા, તે જોઈ પોતે એમ બોલ્યા જે, 'સંતો! ભલે ચંદન ચર્ચો, પણ ચાંદલો બગાડશો નહિ, આ ચાંદલો કારણમૂર્તિનો છે.' પછી પોતે સંતોને ચંદન ચર્ચી, હરિભક્તો પાસે સંતોની પૂજા કરાવી, પ્રસન્નતા જણાવતાં બોલ્યા જે, 'આ અક્ષરધામમાં દિવ્ય ચંદન ચર્ચાય છે એમ જાણજો. આ ચર્ચનારા મૂર્તિમાં રહેનારા અનાદિ મુક્ત છે, આ ટાણું ને આ જોગ બહુ ભારે આવી ગયો.'