૩૫૪ - પરસ્પર મહિમા તથા દિવ્યભાવ
આ રીતે નવા નવા પ્રકારે વીસ દિવસ સુધી રામપુરમાં દર્શન-સેવા તથા કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ ચાલ્યો. રોજ સંત-હરિભક્તોની પંક્તિઓ થાય, સૌ જમે, રમે ને કથાવાર્તા સાંભળે. હરિભક્તો હજારી ફૂલના હારથી મહારાજ ને બાપાશ્રી તથા સંતોની પૂજાઓ કરે, વાડીઓમાં નાહવા જાય ત્યાં સભાઓ ભરાય. સવારે, બપોરે, રાત્રે જ્યારે જુઓ ત્યારે મંદિરમાં પણ સભા તો બેઠી ને બેઠી જ જણાય. આવા આનંદ-ઉત્સવથી ધનબા બાપાશ્રીને એમ કહેતાં જે, ‘ભાઈ! તમે તો બહુ દયાળુ છો, સંત-હરિભક્તોને ન્યાલ કરવા આવ્યા છો ને કરો છો. હું જ્યારે જ્યારે મનમાં મનોરથ કરું ત્યારે સંતોને લઈને જાણે આવ્યા જ છો, તમારી દયાનો કાંઈ પાર નથી. બીજા બધાય આવ્યા હોય પણ જ્યાં સુધી તમે ન આવ્યા હો ત્યાં સુધી જાણે કેમેય લાગે! મહારાજે તમને આવાં કામ કરવા મૂક્યા છે, તેથી તમે પણ રાતદિવસ ઊંઘ, ઉજાગરો કે થાક કાંઈ ગણતા જ નથી. અમારી સભાને તો જતાંવળતાં કે જમવા આવો ત્યારે તમારાં દર્શન થાય, તોય રાજી રાજી થઈ જાય છે ને હેતભર્યા સહુ કથાવાર્તા કરે છે. સૌ રાત્રે મોડે સુધી બેઠા હોય ને વળી પરોઢ થાય ત્યાં તો નાહી પૂજા કરી દર્શન કરવા આવે ને બોલે જે, ‘સવારે નગારાં સ્વામીજીનાં થાય રે, સાધુ બ્રહ્મચારી ઘેલે નાહવાને જાય રે. ઊઠોને સહજાનંદ સ્વામી વેણલાં શાં વાયાં રે, તમારે મંદિર સાધુ બ્રહ્મચારી આવ્યા રે.’ આવા કીર્તનથી એ ટાણે મને જાણે એવું લાગે કે, આપણે બધા અક્ષરધામમાં જ બેઠા છીએ. આવાં વચનો કહી રાજી થાય. બાપાશ્રી પણ તેમને કહે જે, ‘બાઈ! આ ફેરે મહારાજનો એવો સંકલ્પ છે કે, જે જીવ સત્સંગમાં આવ્યા છે, તેને ગમે તે રીતે પોતાનું મહા અલૌકિક સુખ આપવું છે. અમારી સભામાં સંતો વાતો કરે છે તે પણ એવી જ. કોઈને વર્તમાન ધરાવે તોય મહારાજની મૂર્તિ આપવાનો ઠરાવ.’ કથામાં જે જે વાતો આવે તેનું બીજી સભામાં વર્ણન કરે ને કહે જે, ‘મહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય અટકવું નહિ. આમ આ સમયની વાત બહુ જબરી છે. તમે તો વખતોવખત બ્રહ્મયજ્ઞ કરાવો છો, તેથી તમારા ઉપર મહારાજ બહુ રાજી થાય છે.’
આવી રીતે બાપાશ્રી ધનબાને રાજી કરતા તેમ સંત-હરિભક્તોને પણ મૂર્તિના સુખથી તૃપ્ત કરતા. જ્યારે રામપુરથી જવાનું કર્યું ત્યારે પણ ધનબાએ દેવરાજભાઈ પાસે સંતોને વસ્ત્રો ઓઢાડી રાજી કર્યા ને બાપાશ્રીને પણ ઘણી પ્રાર્થના કરી. તે વખતે બાપાશ્રીએ પોતાને શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા નિમિત્તે સંતોની સાથે છપૈયે સંઘ લઈ જવાનું છે તે વાત કરી. ત્યારે મુક્તરાજ ધનબા કહે, ‘ભાઈ! ભલે સુખેથી જજો, પણ મારો સંકલ્પ હજી અધૂરો રહી જાય છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘એ શું?’ તો કહે, ‘મેં બારશ સુધી સંતોને રાખવાના ધાર્યા છે ને તમે આજ જવાનું કરો છો તે મને તાણ રહે છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે! અમે પણ બારશને દિવસ ભેળા જશું.’ એમ તેમને રાજી કર્યા.
એ પારાયણમાં સુખપુરના લખમણ ભક્ત અને કચરો ભક્ત આવેલા, તેમની સાથે રોહાના કારભારી કુંવરજીભાઈને બાપાશ્રી તથા સંતોએ ‘જય સ્વામિનારાયણ’ કહેરાવ્યા હતા તે તેમણે કહ્યા. તેમને કુંવરજીભાઈએ પૂછ્યું જે, ‘બાપાશ્રી ક્યાં સુધી રહેવાના છે,’ ત્યારે તેઓ કહે, ‘મુક્તરાજ ધનબાએ તાણ કરી બે દિવસ રોક્યા છે, તે હવે બારશને દિવસ નીકળવાના છે.’ આ વાત સાંભળી તુરત પોતે દરબાર પાસેથી રજા લઈ પાછલી રાત્રે ચાલ્યા તે સવારમાં વેકરાના મંદિરમાં સહુ પૂજા કરતા હતા ત્યાં આવ્યા ને દર્શન કરી સભા થઈ ત્યારે ભારે ભારે પ્રશ્નો પૂછવા લાગ્યા, તે સંધ્યાઆરતી સુધી સભા એમ ને એમ ચાલતી રહી. પછી આરતી થઈ રહ્યા પછી પણ રાતના બાર વાગ્યા સુધી બાપાશ્રી તથા સંતોએ વાતો કરી તે સાભળીને પોતે રાજી રાજી થઈ ગયા ને બીજે દિવસ બારશનાં પારણાં કરીને સહુ તૈયાર થવા લાગ્યા ને ગામના હરિભક્તોએ ગાડાં જોડ્યા, તે ટાણે પણ એકબીજા ચંદન ચર્ચે, હાર પહેરાવે, દંડવત્ કરે, મળે એમ ઘણી વાર પૂજાવિધિ ચાલ્યો. પછી કીર્તન બોલતાં બોલતાં ગામબહાર ગાડાં ઊભાં હતાં ત્યાં સુધી હરિભક્તો વળાવવા ચાલ્યા, ત્યાં બાપાશ્રીએ સહુને સુખડીની પ્રસાદી વહેંચી ને ઊભા રહેવાનું કહ્યું, ત્યારે હરિભક્તોએ દંડવત્ કર્યા ને ગાડાં ચાલતાં થયાં.
માર્ગમાં તડકો વધુ પાડવાથી થોડી વારે બાપાશ્રીનું કેડિયું, પાઘડી વગેરે પરસેવાથી ભીનાં થઈ ગયાં જાણી બબ્બે સંતોએ બેય કોર ગાડાની પડખે ચાલી ચાદરોના છેડા ઝાલી છાંયો કરવા માંડ્યો. બાપાશ્રી ઘણીયે ના પાડે કે, ‘સંતો! રહેવા દ્યો; મહારાજ અમને લડશે.’ તોય સંતો છાયો કરતા ચાલ્યા આવતા જોઈ ફેર કહ્યું, ‘સંતો! વિમાનમાં બેસીને દેવતા તમારાં દર્શન કરવા આવે છે તે દર્શન વિના નિરાશ થશે,’ પણ બન્ને સદ્ગુરુઓ પડખે બેઠેલા તે કહેતા આવે જે, ‘સંતોને આટલી સેવા કરવા દ્યો. આવી સેવા એમને ક્યાંથી મળશે? જો દેવતાને તાણ હશે તો પડખે રહીને દર્શન કરી જશે.’ આ રીતે વાતો કરતા થોડી વાર ચાલ્યા, ત્યાં તો ઓચિંતાનાં વાદળાં થયાં, એટલે બાપાશ્રી કહે, ‘જુઓ! ઇન્દ્રે મેઘાડંબર કર્યો; હવે લૂગડાં લઈ લ્યો,’-આમ અલૌકિકભાવ જણાવવાથી સંત-હરિભક્તો આનંદ પામ્યા ને બાપાશ્રી તથા સંતો વાતો કરતા કરતા સાંજના વૃષપુર પહોંચ્યા ત્યારે ગામના હરિભક્તો પણ રાજી થતાં સહુ દંડવત્ કરી મળ્યા.