૮૨ - સમાધિનો મહિમા જાણતા હોય તે જાણે
આવી રીતે મોટા યોગીને દુર્લભ એવી જે સમાધિ તે ભાઈશ્રીને સહજ સ્વભાવે થવા માંડી. તેથી કેટલાક શ્રીજીમહારાજ તથા મોટા મુક્તના અલૌકિક ભાવને ન જાણનારા એમને શંકાની નજરે જોવા લાગ્યા. ગામમાં કોઈને છાનું પૂછે કે આ વાત કેમ છે? વળી સમાધિ થવાની વાત જાણતાં જ ત્યાં આવીને પોતે નજરે જુએ, પણ સમજાય નહિ જે, આમ કેમ બની ગયું? કેટલાંક હરિભક્તો બાઈ-ભાઈને પણ આ વાત નવીન લાગે, તેથી કેટલાક દર્શન કરવા આવે ને કેટલાક જોવા પણ આવે. આમ માણસોની આવજા થતાં વધુ સંકલ્પો થતા ગયા. કોઈ એવા ભાવ પરઠવા લાગ્યા જે, આમ કરવાની વિદ્યા તો નહિ શીખ્યા હોય? ત્યારે કોઈ મનમાં આવે તેમ સમજે. આ રીતે જુદા જુદા ભાવ પરઠનારાઓમાંથી જુદી જુદી વાતો થવા લાગી.
નારાયણપુરવાળા જાદવજીભાઈ એ વખતે વ્યવહારમાં ને સત્સંગમાં મોટા ગણાતા તેથી તેમને પણ આવા શંકાશીલ માણસોએ યુક્તિ-પ્રયુક્તિથી, બનાવીને વાત કરી, ઉપરાંત ત્યાગીઓને કાને વાત નાખી હશે, તેથી તેમના તરફથી પણ તેમને છાની ભલામણ થયેલી કે તમે મોટા છો, તેથી આ વાતને જો થતી દાબશો નહિ, તો પછી આગળ લાંબું ચાલશે. સંતોમાં વાત આવી છે. પણ ત્યાગીની આ વાત નથી, તેથી સ્વામીશ્રી તો કાંઈ નહિ કહે. પણ તમે વ્યવહારમાં ડાહ્યા છો તે નાતમાં ઠીક લાગે તેમ તમારી મેળાએ કરજો. આવી રીતે યુક્તિથી થયેલી વાત તે સમજી ન શક્યા ને મનમાં એમ થયું જે, ત્યાગી પાસે આ વાત પહોંચી ગઈ છે, માટે કેમ હશે! આનો કાંઈક વિચાર કરવો પડશે! પોતાને સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી તથા મુક્તરાજ લક્ષ્મીરામભાઈ જેવાનો યોગ-સમાગમ ઘણો હતો. વળી પોતે તીર્થયાત્રામાં ઘણા જ ચમત્કાર, પ્રતાપ નજરે જોયેલા, તેમ જ સ્વામીશ્રીએ એમના વ્યવહારની તેમને ભલામણ કરેલી, છતાં એ બધું પાછળ રહ્યું ને આ સંકલ્પ આગળ થયો. ત્યાર પછી એક વખત કોઈ કામપ્રસંગે માનકૂવામાં નાતપટેલીઆ ભેગા થયા હતા, ત્યાં પણ ભાઈશ્રીને શંકાની નજરે જોનારાઓએ આ વાત ચલાવી. વૃષપુરથી માણસ મોકલી તેમને તેડાવ્યા. ભાઈશ્રી તો માણસ સાથે માનકૂવે તુરત આવી પહોંચ્યા ને સૌ ભેળા થયા હતા તેને ‘જય સ્વામિનારાયણ’ કરી આગળ બેઠા. ભાઈશ્રીની સાધુ જેવી સ્થિતિ જોઈ સૌ વિચારમાં પડી ગયા કે, આને શું કહેવું? આ વખતે પોતે નેત્ર મીંચી મૂર્તિ ધારીને એમ ને એમ બેસી રહ્યા. ઘણી વાર માંહોમાંહી એકબીજાએ વાતો કરી, પણ ભાઈશ્રીને કોઈ કાંઈ બોલી શક્યા નહિ, તેમ ભાઈશ્રીએ કોઈને પૂછ્યું નહિ જે, ‘મને તમે શા કામે તેડાવેલ છે!’ પછી સૌ પોતપોતામાં વાતો કરતા ઊઠી નીકળ્યા ને ભાઈશ્રી પાછા વૃષપુર ગયા. આમ ત્યાં તો કાંઈ થયું નહિ, તેથી જેને આ વાત કહેવરાવવાનું તાન હતું તેણે એમ ગોઠવ્યું જે, ‘અહીં રહેવા દ્યો, આપણે કોઈ પ્રસંગે નારાયણપુર જઈશું ત્યારે વાત, ત્યાં ભેગા થઈ જાદવજીભાઈને પાસે રાખી કહેવરાવશું.’ એમ કહી સૌ જુદા પડ્યા. થોડા દિવસ પછી એ જ પટેલીઆઓ કાંઈ કામ પ્રસંગે નારાયણપુર ભેગા થયા. ત્યારે ત્યાં પણ માણસ મોકલી ભાઈશ્રીને તેડાવ્યા. એ વખતે વૃષપુરના રામજી નારણ સાથે પોતે ત્યાં આવ્યા. રામપુરવાળાં મુક્તરાજ ધનબાને આ વાતની ખબર બે દિવસ આગળથી કોઈએ કરેલ હશે, તેથી તે તો પ્રથમથી જ નારાયણપુર આવી બેઠાં હતાં. અહીં પટેલીઆઓ ભેળા થઈ બેઠા છે ને ભાઈશ્રી એક હરિભક્ત સાથે હમણાં આવીને બેઠા, એમ ખબર મળતાં ધનબા ત્યાં ગયાં ને સૌને વગરપૂછે કહેવા માંડ્યું જે, ‘મને એવા ખબર મળ્યા છે કે, તમે અજ્ઞાની માણસોના બોલ સાંભળીને બધા ભાઈશ્રીને કહેવા ભેગા થયા છો! પણ જો ભાઈને કાંઈ કીધું તો તમારું ઠેકાણું નહિ રહે! આ વાતમાં તમે કોઈ લાભ નહિ કાઢી લ્યો! તમે અહીં બેપાંચ ગામમાં મોટેરા હશો, પણ એ તો અક્ષરધામમાં મોટેરા છે. એમને તો શ્રીજીમહારાજે દયા કરી જીવોના મોક્ષ કરવા મૂક્યા છે. હમણાં સંઘ તીર્થમાં સોંઢ્યો હતો, તેમાં હરિભક્તો ઘણાય હતા, પણ એમને જ બધાય કેમ જોતા હતા? મોટા મોટા સદ્ગુરુ તથા લક્ષ્મીરામભાઈ અને કેસરાભાઈ જેવા મહિમા જાણે ને તમે એમને ઠપકો દેવા બોલાવ્યા છે, તે કાંઈ વિચાર થાતો નથી? એ તો નિર્લેપ છે તે એને કાંઈ નહિ થાય. અગ્નિને ઉધેઈ ન લાગે, પણ કહેનારાનું ઠેકાણું નહિ પડે, માટે ભલા થઈ કોઈ પોતાના જીવનું બગાડશો મા.’ આવાં ઠપકાનાં વચનથી ત્યાં પણ ભાઈશ્રીને કોઈ કહી શક્યા નહિ. કેમ કે નાતમાં ને સત્સંગમાં ધનબાનો સૌને ઘણો ભાર હતો. આવાં વચનથી સાથે આવેલા રામજીભાઈ દિગ્મૂઢ થઈ ગયા. પછી ભાઈશ્રી વૃષપુર જવા તૈયાર થયાં, ત્યારે ધનબા કહે, ‘ભાઈ! રાત ખમોને.’ ત્યારે ના પાડીને કહ્યું જે, ‘આ વાતની ગામમાં જાણ થઈ છે, તેથી ઘરમાં બધા ઉચાટ કરે,’ એમ કહી ચાલ્યા; તે વખતે જાદવજીભાઈએ ભાઈશ્રીને એટલું કહ્યું જે, ‘ભાઈ, તમે મહાસમર્થ છો, અખંડ મહારાજને જોઈ રહ્યા છો, પણ કોઈ તમારા પાસે આવે તેને કહેતા રહેવું જે, ‘બહુ મહિમા ન ગાવો.’ તમે નહિ કહો તો કેટલાક અજ્ઞાની માણસો અવળું સમજશે.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘હું તો મહારાજ વિના કોઈને દેખતો નથી ને બીજા કોઈ સામું જોતો નથી, તમને કોઈ કહેતા હોય તો એ જાણે’ – એમ કહી ભાઈશ્રી તથા રામજી નારણ બન્ને ચાલી નીકળ્યા.