૧૧૩ - નારાયણપુરમાં મુક્તમંડળ

0:000:00

એક વખત જાદવજીભાઈએ ભૂજથી સંતોને નારાયણપુર તેડાવ્યા હતા. તે વખતે ભાઈશ્રીને પોતે વૃષપુર આવી તેડી ગયા ને દહીંસરાથી મુક્તરાજ કેસરાભાઈ તથા રામપુરથી દેવરાજભાઈ, વિશરામભાઈ આદિને પણ તેડાવ્યા હતાં, તેથી એ સર્વે આવ્યા ને પરસ્પર દંડવત્ કરી મળ્યા. આ મુક્તમંડળને જોઈને હરિભક્તોને આનંદનો પાર રહ્યો નહિ. ખબર પડતાં કેરા તથા વૃષપુરના હરિભક્તો દર્શને આવવા લાગ્યા તેથી સવાર-સાંજ સભામાં હરિભક્તો સમાય નહિ. સંતો, શ્રીજીમહારાજ તથા મોટા મુક્તોના મહિમાની તથા આજ્ઞા-ઉપાસનાની વાતો કરે ને આ મુક્તમંડળ આગળ બેઠા હોય, તે વખતે હરિભક્તો હજારીના હાર લાવી સંતો તથા ભાઈશ્રી આદિ મુક્તોની પૂજા કરતા, તેથી સભા બહુ શોભતી. સમય થાય ત્યારે આ મહામુક્તો જાદવજીભાઈને ત્યાં ઠાકોરજી જમાડવા જતા, તેથી ગામમાં જતાં-વળતાં નાનાંમોટાં બાઈ-ભાઈ સર્વેને એમનાં દર્શન થતાં.

એક દિવસ સાંજની સભામાં સંતો તથા મુક્તરાજ કેસરાભાઈના આગ્રહથી ભાઈશ્રીએ વાત કરી જે, ‘આપણને મહારાજની મૂર્તિરૂપ ચિંતામણિ મળી છે, તેને જતન કરીને સાચવી રાખવી ને એમ જાણવું જે, ‘એમાં બધુંય છે.’ એ મહાપ્રભુનો મહિમા આવા અનાદિ મુક્તના યોગે યથાર્થ સમજાય છે, પણ તે વિના કોટિકલ્પે ને કોટિ સાધને પોતાની મેળે સમજાય નહિ. માટે આખી પૃથ્વીનું રાજ્ય મળ્યું હોય, તોય તેને મૂકી દઈને આવા મુક્તોનો જોગ કરી મહારાજની મૂર્તિમાં ધ્યાને કરી જોડાવું. મહારાજને પ્રથમ કેવા ધારવા, તો કોટિ કોટિ સૂર્ય-ચંદ્રમા જેવી તેજોમય મનોહર મૂર્તિ છે જેમની, અને કમળની પાંખડી સરખાં અણિયાળાં નેત્ર વડે દિવ્ય સભા ઉપર જાણે અમૃત વરસાવતા હોય તેમ દૃષ્ટિ કરતા, અને કંઠને વિષે કૌસ્તુભમણિ આદિક અલંકારો તથા અંગોઅંગમાં દિવ્ય શણગાર શોભી રહ્યા છે એમ ધારવા; અને જ્યારે સર્વત્ર સચ્ચિદાનંદ ચિદઘન તેજરૂપ પોતાનું સ્વરૂપ મનાય ત્યારે તો મહારાજ પણ દિવ્ય તેજોમય જેવા છે તેવા જણાય, એટલે અહો! અહો! થઈ જાય. એ મૂર્તિમાં અદભુત શોભા છે. અનંત મુક્ત એ સુખમાં થીજી રહ્યા છે. એ સભાનું પરિમાણ કોઈથી થાય તેમ નથી; અપાર ને અપાર છે. એ સુખનો અવધિ નથી. આવું સુખ અંતરમાં ઊતરે તો દિવાના-મસ્તાના થઈ જવાય. એ સુખ આ સમયે શ્રીજીમહારાજ અનાદિ મુક્ત દ્વારે સત્સંગમાં પ્રવાર્તાવે છે, પણ જ્યાં સુધી સાધનનો ભાર હોય ત્યાં સુધી એ સુખ મળે નહિ. શ્રીજીમહારાજ ને મુક્તની તો અપાર દયા છે. તેથી એ જીવની કેડે કેડે ફરે છે, પણ જીવને એ વાતની ખબર નહિ, તેથી દુ:ખિયા રહે છે. આ તો જેમ પારસથી પારસ બને તેમ અનાદિને જોગે અનાદિ થવાય. એવું ટાણું આવી ગયું છે. માટે ખબડદાર થઈને શ્રીજીમહારાજનાં મહિમારૂપ જ્ઞાનયજ્ઞ કર્યા કરવો. એ મૂર્તિમાં સુખ સુખ ને શાંતિ, શાંતિ રહી છે. સત્સંગનું ને સર્વ સાધનનું ફળ એ કારણમૂર્તિ છે. મુક્ત ને મહારાજ તો સદાય ભેળા જ છે. જેમ ચમક લોહને ખેંચે, તેમ જીવ ખરેખરો પાત્ર થાય તો મહારાજ ને મુક્ત તેને ખેંચી લે છે. પછી તેને કોઈ વિધ્ન નહિ; પણ જળે જળે કમળ ન હોય ને વને વને અગર ન હોય, તેમ ઘેર ઘેર આવા મુક્ત ન હોય, માટે મહારાજનો જેમ છે તેમ મહિમા જાણી એ મૂર્તિમાં જોડાવું ને અનાદિ મુક્તનો અખંડ જોગ રાખવો. તે વિના અક્ષરકોટિ આદિ કોઈની ગણતરી રાખવી નહિ; આમ વાતો કરી તેથી મુક્તરાજ કેસરાભાઈ તથા સંત-હરિભક્તો અત્યંત રાજી થયા.

એક દિવસ સંતોએ સહિત નાગમતી નદીએ નાહવા પધાર્યા, ત્યારે એક ગાડામાં સંતો અને બીજા ગાડામાં મુક્તરાજ ભાઈશ્રી તથા કેસરાભાઈ બેઠા હતા. જાદવજીભાઈ તથા બીજા સૌ હરિભક્તો પડખે ચાલ્યા આવે. ખબર પડી એટલે વૃષપુર ને કેરાના હરિભક્તો પણ આવ્યા, તેથી સમૂહ મોટો થયો, પછી સૌ કીર્તન બોલતા બોલતા નાહ્યા. તે વખતે હરિભક્તોએ સૌને ફૂલે વધાવ્યા ને જળમાં પરસ્પર મળ્યા.પછી વસ્ત્રો બદલી રેતીમાં સભા કરી, ત્યારે હરિભક્તોએ ચંદન, કુંકુમ ને હજારીના હારથી સંતો તથા મુક્તરાજ ભાઈશ્રી અને કેસરાભાઈ વગેરેની પૂજા કરી દંડવત્ કર્યા. પછી પોપૈયાં સુધારીને લાવ્યા હતા તે ઠાકોરજીને જમાડી સૌને પ્રસાદી વહેંચી. તે વખતે સંતોએ કહ્યું જે, ‘આજ કેવો આનંદ થઈ રહ્યો છે.’ ત્યારે ભાઈશ્રી બોલ્યા જે, ‘શ્રીજીમહારાજ જે સ્થાને વિચર્યા હોય કે કાંઈ લીલા કરી હોય, તે ભૂમિ અક્ષરધામ તુલ્ય બની જાય. આ નદીમાં સંતોએ સહિત મહારાજ ઘણી વાર નાહ્યા છે. જેવો કેરાનો ધરો પ્રસાદીનો છે, તેવો જ આ ધરો પ્રસાદીનો છે. જ્યારે જ્યારે ભૂજથી કે માનકૂવાથી મહારાજ સદાબાને કેરા ગામમાં દર્શન દેવા જતા, ત્યારે અથવા નારાયણપુર કે વૃષપુર પધાર્યા હોય ત્યારે આ ઠેકાણે ઘણી વાર જળલીલાઓ કરી છે. મહારાજ નદીમાં નાહતા હોય, ત્યારે સંતો પુષ્પ ઉછાળી કીર્તન બોલે, તાળી વગાડી ધૂન્ય કરે, પરસ્પર મળે, રેતીમાં સભાઓ થાય! હરિભક્તો ચંદન-પુષ્પથી પૂજાઓ કરે, સંતો વાતો કરે, ક્યારેક મહારાજ વાતો કરે. માટે આવા નિર્ગુણસ્થાનમાં તો સહેજે જ શાંતિ વર્તે.’ –એમ કહીને વાત કરવા લાગ્યા જે, ‘શ્રીજીમહારાજનું જ્ઞાન, ધ્યાન ને એમના મુક્તનો જોગ, તેણે કરીને જીવ મુક્ત થઈ જાય. પણ જીવને અનાદિકાળના અવળા ફેર ચડ્યા છે, તેથી એના એ વેગે ચડી ગયો છે, તે માટે એને બીજી જે જે ક્રિયા બતાવો તો તત્કાળ રાજી થઈને કરવા તૈયાર થઈ જાય, ડુંગર ઉથાપવો હોય તોય મંડી પડે, પણ ધ્યાન કરવાનું કહીએ તો અટકે ને કહે જે, ‘એ કઠણ પડે છે!’ પણ કરવાનું તો એ જ છે. મહારાજની મૂર્તિ વિના જપ, તપ, તીર્થ, વ્રત, હોમ, હવન, યજ્ઞાદિ કરે તોપણ જેમ ફળ વિનાનો આંબો હોય તેમાં ફળ ન આવે, તેમ મૂર્તિ વિનાનાં સાધન સર્વે વાંઝિયા ઝાડ જેવાં છે.’ એમ કહી સૌને ધ્યાન કરવાનું કહીને પોતે પણ ધ્યાન કરવા મંડ્યા. પછી ઘણી વારે જાગ્રત થઈને ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’ બોલાવી ઊભા થઈ ફરી મળ્યા ને કેસરાભાઈને કહ્યું, ‘ભાઈ! અક્ષરધામની સભા આ પૃથ્વી પર બિરાજે છે, એમ કોણ જાણે? –તો જે તમારા જેવા ધામમાંથી આવ્યા હોય તે જાણે, કાં આવા સંત જાણે,’ એમ વાત કરતાં ગાડામાં બેસી ગામમાં પધાર્યા.

એક દિવસ બપોરના મુક્તરાજ કેસરાભાઈ કહે, ‘ભાઈ! મને તમે ભેગો ને ભેગો રાખજો.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘આપણે તો એક નાવમાં બેઠા છીએ. એક નાવમાં બેઠા એ તો ભેગા જ હોય. આપણે તો જે આવે તેને ભેગા લેવા. મહારાજની મૂર્તિમાં સુખના ઢગલેઢગલા છે.’ ત્યારે કેસરાભાઈ કહે, ‘ભાઈ! હું જ્યારે સૂરજબા પાસે જતો ત્યારે મને તમારો મહિમા બહુ કહેતાં ને કહે જે, એમની તો આગળ ખબર પડશે. એ તો અનેકને મહારાજ પાસે લઈ જવા આવ્યા છે! હવે તો મને એમ થાય છે કે, તમારા ભેગો ને ભેગો જાણે સદાય રહું, પણ દેહ એવો થઈ ગયો છે તે કાંઈ ખમી શકાય નહિ, તેથી રાજી રહેજો.’ તે વખતે ભાઈશ્રીએ ઘણી પ્રસન્નતા જણાવીને કહ્યું જે, ‘આપણે ક્યાં જુદા હતા? સદાય ભેગા જ છીએ.’

એક દિવસ રાત્રે સભામાં જાદવજીભાઈએ સંતોને પૂછ્યું જે, ‘મૂર્તિ, મુક્ત ને ધામ એ ત્રણ ભેગા ને ભેગા જ છે, એમ કહેવાય છે, તેમાં સૌનું જુદું જુદું સુખ કેમ હશે?’ ત્યારે સંતો કહે, ‘ભાઈ! આ જાદવજીભાઈ આવું પ્રશ્ન પૂછે છે તે કઈ રીતે સમજવું?’ પછી ભાઈશ્રી ઘણી વારે એમ બોલ્યા જે, ‘આ વાતની તો જ્યારે મૂર્તિના સુખભોક્તા થવાય ત્યારે ખરી ખબર પડે. વચને કરીને તો દિશ બતાવાય, શાસ્ત્રમાત્રમાં સમજાવવાની રીત પણ એવી જ છે. અપાર સુખનું વચને કરીને શું વર્ણન થાય! મહારાજ ને મુક્ત તો સદાય સાથે ને સાથે જ છે. તેમાં દાતાભોક્તાપણાનો ને સ્વામીસેવકપણાનો સંબંધ છે, એટલે એનું જુદું સુખ શું હોય? સુખમાત્ર શ્રીજીમહારાજની મૂર્તિમાં છે. એને લઈને પછી જેનું સુખ કહેવું હોય તેનું કહેવાય.’ એમ વાત કરી તેથી હરિભક્તો ઘણા રાજી થયા.

બીજે દિવસ ઠાકોરજીને જમાડીને સંતો ભૂજ જવા તૈયાર થયા. ત્યારે ભાઈશ્રીએ ચંદન ચર્ચી, હાર પહેરાવ્યા. સંતોએ પણ અનાદિ મુક્તરાજ ભાઈશ્રી તથા કેસરાભાઈ, દેવરાજભાઈ, વિશરામભાઈ વગેરેને હાર પહેરાવ્યા. એ વખતે બધાય સંતોએ પૂજા કરી હોવાથી ભાઈશ્રી ઉઘાડા માથે ને ઉઘાડા શરીરે ઊભેલા ને કંઠમાં હારનો ભરાવો થઈ ગયેલ ને કપાળ પણ ચંદન-કુંકુમથી ભરેલું, એવા સૌને મળ્યા ને કહ્યું જે, ‘આપણે તો સદાય આમ ને આમ દિવ્ય સભા ભેળી ને ભેળી રાખવી ને ક્યારેક મહારાજ તથા આવા મુક્તનો વિયોગ થવા દેવો નહિ, એટલે સદાય આનંદ!’ એમ કહેતાં કંઠમાંથી ફૂલના હાર ઉતારી હરિભક્તોને આપ્યા ને કેડિયું પહેરી માથે પાઘડી મૂકી તથા ખેસ ખંભે રાખી હરિભક્તો સાથે વળાવવા ચાલ્યા. પછી સૌની સાથે સંતોને દંડવત્ કરી મળતાં ભાઈશ્રીને સંતોએ ઝાલી લીધા ને પ્રસન્નતા માગી, રાજી કરી સંતો ભૂજ પધાર્યા. સાંજના મુક્તરાજ કેસરાભાઈ, વિશરામભાઈ, તથા દેવરાજભાઈ આદિ દહીંસરે જવા તૈયાર થયા, ત્યારે ભાઈશ્રી હરિભક્તોએ સહિત તેમને વળાવવા ચાલ્યા, તે જ્યાંથી દહીંસરાનો માર્ગ નીકળે છે ત્યાં જાદવજીભાઈ, ધનજીભાઈ તથા ગામના હરિભક્તોએ મુક્તરાજ ભાઈશ્રી તથા કેસરાભાઈ વગેરેને ચંદન ચર્ચી, હાર પહેરાવી, દંડવત્ કર્યા ને પરસ્પર મળી તે સર્વે દહીંસરે ગયા. પછી ભાઈશ્રીને જાદવજીભાઈ તથા ધનજીભાઈ વૃષપુર સુધી મૂકવા સાથે ગયા.