૧૪૭ - હરજીભાઈનું હેત ને મહિમા
આવી જ રીતે કુંભારિયાવાળા મિસ્ત્રી હરજીભાઈ મોટા વ્યવહારવાળા હોવા છતાં અનાદિ મુક્તરાજ ભાઈશ્રીના જોગ-સમાગમ ને રાજીપાથી સાવ સાદા, સરળ ને મહિમાવાળા થઈ ગયા હતા. તે કઈ રીતે? તો સંવત ૧૯૫૦ ની સાલમાં ભૂજમાં ‘સત્સંગિજીવન’ ની પારાયણ થઈ હતી, તે વખતે અનાદિ મુક્તરાજ ભાઈશ્રી તથા કુંવરજીભાઈ અને નારાયણપુરના જાદવજીભાઈ, દહીંસરાના મુક્તરાજ કેસરાભાઈ તથા રામપુરવાળા દેવરાજભાઈ વગેરે ઘણા હરિભક્તો ભૂજમાં આવેલા; એ સર્વે દિવસના પારાયણ સાંભળે ને રાત્રે નિત્યનિયમ થઈ રહ્યા પછી ભેગા બેસી મહારાજના મહિમાની વાતો કરે. એ પારાયણમાં આ મિસ્ત્રી હરજીભાઈ પરદેશમાંથી આવેલા. પરદેશમાં એ કારખાનાં રાખતા હોવાથી તેમનો વ્યવહાર બહુ સારો, એટલે એ ઘણો રજોગુણ રાખતા, તે રાત્રે ઢોલિયામાં સૂવે, સવારે પાળા ઉને પાણીએ નવરાવે ને જમતી વખતે તથા કાંઈક કામ હોય તો સંતો હાજર ને હાજર રહે, એમ તેમની બરદાસ થતી હતી. પણ સભામાં સદ્ગુરુ સ્વામીશ્રી અક્ષરજીવનદાસજી ત્યાગવૈરાગ્યની તથા મહારાજની આજ્ઞા પાળવાની ભારે ભારે વાતો કરતા, તેમ આ મુક્તમંડળની વાતો પણ તેમણે થોડે થોડે સાંભળી, તેથી મહિમાની ખબર પડવા માંડી કે, સંત-હરિભક્તોને તો દિવ્ય જ જાણવા જોઈએ. દાસપણું રાખે તેના પર મહારાજ બહુ રાજી થાય. મહારાજને નિર્માનીપણું બહુ ગમે છે. દેહાભિમાનમાં બધાય દોષ રહ્યા છે. આવાં વચનો સાંભળતાં સાંભળતાં વાતો અંતરમાં ઊતરતી ગઈ. પછી તો દરરોજ રાત્રે આ મુક્તો મહારાજના મહિમાની તથા રહસ્ય-અભિપ્રાયની વાતો આસને કરતા હોય તે પાસે બેસી સાંભાળવા લાગ્યા, તેથી પોતાને એમ જ થઈ ગયું કે, આ ઠેઠ શ્રીજીમહારાજના હજૂરી મુક્ત અનેક જીવને એ મૂર્તિ પાસે લઈ જવા આવ્યા છે ને શ્રીજીમહારાજ પણ તેમના ભેળા અખંડ રહે છે. આવા સર્વોપરી મુક્ત ને સર્વોપરી મહારાજ જ્યાં બિરાજે છે, ત્યાં હું આવું દેહાભિમાન રાખી રહ્યો છું, તે મારી મોટી ભૂલ છે. એવો વિચાર કરી માફી માંગી દંડવત્ કર્યા, તેથી સૌ રાજી થયા. અને પોતે તે દિવસથી ઢોલિયો ઉપાડી મૂક્યો ને હેઠે આસન કરવા મંડ્યા; પછી તો ઠાકોરજી પાસે એ ઘડી ઘડી દંડવત્ કરે, સભામાં દંડવત્ કરે, એમ કરતાં એક વાસણમાં બધી વસ્તુ ભેગી કરી પાણી મેળાવી જમવાનું ચાલુ કર્યું, રજોગુણી લૂગડાં ને પહેરવાના બૂટ ભારે કિંમતના હતા, તે કાઢી નાખ્યાં ને ઉપરદળવાળા રામજીભાઈના જેવું તેમનું હેતનું અંગ થઈ ગયું, તેથી એ જ વખતે ભૂજમાં પારાયણ થઈ રહ્યા પછી ભાઈશ્રી સાથે એ નારાયણપુર થઈ વૃષપુર ગયા ને ત્યાં સાવ સાદાઈથી રહેવા લાગ્યા. જમવામાં પણ મઠની ખીચડી ને જાર, બાજરી તથા નાગલીના રોટલા જે હોય તે જમે ને કથાવાર્તા સાંભળે. આવું નિર્માનીપણું જોઈ ભાઈશ્રી તેમના પર ઘણા પ્રસન્ન થઈ એકાંતે મહારાજના મહિમાની વાતો કરવા લાગ્યા. એમ તેમને પણ સત્સંગનો રંગ ચડતો ગયો ને હેત વધતું ગયું, તેથી ઘેર, વાડીએ કે મંદિર જ્યાં ભાઈશ્રી જાય ત્યાં એ ભેળા ને ભેળા જ રહેતા. આજ્ઞા કરે ત્યારે થોડા દિવસ ઘેર જઈ આવે, તે પરાણે મોકલે ત્યારે નછૂટકે જાય. પણ રુચિ નહિ. ઘરમાં સહુને એમ થયું જે, ‘આનું અંગ મોટાને જોગે થોડા વખતમાં તદ્દન ફરી ગયું.’ તેમનાં કુટુંબી, ભાઈ, માતુશ્રી તથા સગાંવહાલાં કાંઈ કહે, તો મહારાજ તથા અનાદિ મુક્તરાજના પ્રતાપની વાતો કરે. પછી તો વખતોવખત એ વૃષપુર આવવા લાગ્યા. કોઈ વખત ‘ભૂજ ઠાકોરજીના દર્શન કરવા જવું છે,’ –એમ કહી ઘેરથી નીકળે, તો કોઈ વખત ફલાણા ગામમાં કથા થાય છે એમ કહે; વળી ‘આ ફેરે મારે દહીંસરામાં મુક્તરાજ કેસરાભાઈ કે રામપુરવાળાં મોટાં મુક્તરાજ ધનબાનાં દર્શને જવું છે,’ તો કોઈ વાર ‘ગંગાજીએ નાહવા’ જવાનું કહે, એમ જુદું જુદું નિમિત્ત બતાવી ત્યાં એકાદબે દિવસ જઈ આવી તરત વૃષપુર આવતા રહે. તે વખતે ભાઈશ્રી કહે, ‘હરજીભાઈ! વ્યવહાર કરતા જઈએ ને મૂર્તિમાં વૃત્તિ રાખીએ.’ ત્યારે તે કહે, ‘ભાઈ! તમારે તો મારા ઉપર સદાય રાજી રહેવું. મને તો હવે અખંડ ભેગો રાખીને તમારો દાસ જાણો ને મૂર્તિને સુખે સુખિયો કરો. વ્યવહાર તો ઘણા જન્મ કર્યો છે. સગાંવહાલાં કે નાતજાત કોઈ ઠેઠ સુધીના નથી. ને તમે તો જીવના સાચા સગા છો, મહાસમર્થ છો, ને અનેક જીવોને મૂર્તિને સુખે સુખિયા કરવા આવ્યા છો,’ -એમ કહે. વળી સવાર-સાંજ ચંદન ઘસીને ચર્ચે, હાર પહેરાવે, દંડવત્ કરે, નાહતા મળે, પૂજા કરતા મળે, સંત-હરિભક્તો આવે ત્યારે મળે; વળી ભાઈશ્રી પાસે મહારાજના પ્રતાપની નવીન નવીન વાતો થયા કરે, તે સાંભળી મનન કરે, એમ તેમને દિવ્યભાવ વધતો ગયો. બે વર્ષ સુધી આમ ને આમ કરતાં આ મુક્તરાજને વિષે ઘણું હેત થઈ ગયું, તેથી જુદા રહેવાની તો વાત જ ન ગમે. એક દિવસ કહે, ‘ભાઈ! તમે ઘેર આંટો દઈ આવવાનું કહો છો, તે વચન માથે ચડાવી જવું પડે છે, પણ ત્યાં ગમતું નથી, કોણ જાણે તમે એવું શું કરી નાખ્યું છે! અહીં આપના સમીપમાં મહારાજની મૂર્તિ સહેજે દેખાય છે, વગર ધ્યાને ધ્યાન થઈ જાય છે. છેટે જઈ ધ્યાન કરું છું, ત્યારે જેવું છે તેવું મહારાજનું સ્વરૂપ ઘણે દાખડે દેખાતું નથી. તમારા પાસે તો અલભ્ય લાભ છે.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘હરજીભાઈ! તમને હેત થઈ ગયું છે, તેથી એમ લાગે છે.’ ત્યારે તે કહે, ‘ના! ના! મને એ વાત કેમ મનાય? આ કાંઈ કોઈની કહેલ વાત નથી. આ તો મારા અનુભવની વાત છે.’ વળી એક દિવસ કહે, ‘ભાઈ! હું આ ગામમાં ઘર કરીને અહીં જ રહેવાનું કરું તો?’ ત્યારે આ મુક્તરાજ કહે, ‘તમે કહો છો તે ઠીક, પણ સૌ જેમ થોડા દિવસ રહી જોગ-સમાગમ કરી જાય છે, તેમ કરવું, એ વધારે સારું; કેમ કે આ રીતે તમારા કુટુંબમાં સગાંવહાલાં, ગોવામલભાઈ તથા તમારાં માતુશ્રી વગેરે સૌ રાજી રહે.’ ત્યારે પોતે એમ કહે કે, ‘મહારાજની મૂર્તિ રાખતાં ને મોટાની સેવા તથા સમાગમ કરતાં એ શું કરવા કુરાજી થાય?’ આમ બોલે, વળી આજ્ઞા થતાં ઘેર જાય-આવે, પણ હેત તો વધતું ને વધતું ગયું, તેથી ભાઈશ્રી પાસે કે સંતો પાસે વાતો થાય તે ગદગદ ભાવે સાંભળે, માળા ફેરવે; દંડવત્ પ્રદક્ષિણા કરે; એમ કરતાં ઘ્યાનમાં પણ બહુ બેસવા લાગ્યા. એક વખત પોતે ધ્યાન કરતાં ઘણી વાર મૂર્તિના સુખમાં ઊંડા ઊતરી ગયા, તે વખતે એમના માથામાંથી તેજની કિરણો નીકળી; એમ થોડી વાર રહ્યું, એવું એમના નોકરના જોવામાં આવ્યું. પછી હરજીભાઈ જાગ્યા ત્યારે તે વાત કરી, ત્યારે પોતાને એમ થયું જે, ‘આ બધો ભાઈશ્રીના રાજીપાનો પ્રતાપ છે.’ આમ લગભગ ત્રણ વર્ષ જોગ-સમાગમ કર્યો.
હવે તેમની આયુષ્ય પૂરી થઈ રહેવા આવી છે તેમ આ મુક્તરાજના જાણવામાં આવવાથી એક દિવસ પોતે પાસે બેસારી વાત કરી જે, ‘હરજીભાઈ! હવે તમે થોડો વખત કુંભારીએ જાઓ.’ ત્યારે તેમને હાથ જોડી વિનય કરી કહ્યું કે, ‘ભાઈ! મને અહીં જ રહેવા દ્યો ને! હું તમારો દાસ છું. દાસ તો સેવામાં જ શોભે.’ પછી ભાઈશ્રીએ તેમને સમજાવ્યા ને કહ્યું જે, ‘હમણાં તમે વધુ નહિ તો એક મહિનો પણ જઈ આવો; પછી આવજો. એટલે આપણે સદાય ભેળા રહીશું.’ આ વચનથી પોતે કુંભારીએ ગયા ને થોડા દિવસ રહી એક કાગળ લખ્યો જે, ‘ભાઈ! મારા સારુ વૃષપુરમાં એક ઘર ભાડે રાખો તો ત્યાં રહેવાય ને ત્યાં હું કાંઈક ઉદ્યમ કરું. તેથી કોઈને એમ ન થાય જે આ ત્યાં ને ત્યાં રહે છે.’ ભાઈશ્રીએ આ પત્રનો ઉત્તર લખ્યો જે, ‘ભલે, તમને જેમ ઠીક થશે તેમ કરશું.’ એમ કરતાં ત્યાં જ તેમના શરીરે મંદવાડ થઈ ગયો. ઘરમાં સૌ બનતા ઉપાય કરવા લાગ્યા, પણ કોઈ રીતે મંદવાડ હઠ્યો નહિ. એક દિવસ તો તેમને એમ જ સૂજી આવ્યું કે, ‘મારો દેહ હવે કાલે જરૂર પડી જશે.’ પછી તેની માતુશ્રીને કહ્યું જે, ‘મા! ગમે તેટલી કોરીઓ બેસે, પણ હાલ ને હાલ અનાદિ મુક્તરાજ ભાઈશ્રીને વૃષપુરથી તેડાવો. મારો દેહ હવે રહેશે નહિ.’ આ વચનથી ઘરમાં બધાય ઉદાસ થઈ ગયા ને તુરત ઊંટ ભાડે કર્યો. ત્યાં તો ભાઈશ્રીએ દિવ્યરૂપે દર્શન આપ્યાં, ત્યારે હરજીભાઈ બેઠા થઈ પ્રાર્થના કરવા લાગ્યા ને કહ્યું જે, ‘મારા સાચા સગા ને જીવના વાલેસરી મુક્તરાજ ભાઈશ્રી દયા કરીને એમની મેળાએ પધાર્યા, હવે ઊંટ મૂકશો નહિ.’ પછી તો એમ ને એમ દિવ્ય તેજોમય દર્શન થયા કરે, તેથી હરજીભાઈ હાથ જોડે ને રાજી થાય, એમ આખી રાત દર્શન દીધાં; સવારે દેહ મુકાવવા ટાણે ભાઈશ્રીએ હરજીભાઈને કહ્યું કે, ‘તમારે કાંઈ ચમત્કાર જણાવવા ઇચ્છા રહેતી હોય તો અત્યારે તમારી સાથે જે આવે તેને દેહ મેલાવી શ્રીજીમહારાજ પાસે લઈ જઈએ.’ આવાં વચનથી તેમણે ઘરમાં સહુને કહેવા માંડ્યું જે, ‘મારી સાથે જેને ધામમાં આવવું હોય તે ચાલો.’ ભાઈશ્રી કહે છે. તે વખતે બીજા કોઈ તો બોલ્યા નહિ, પણ એમના ભાઈ ગોવામલભાઈની દીકરીએ કહ્યું કે, ‘મને તેડી જાઓ.’ તે જ વખતે હરજીભાઈ કહે, ‘ભલે બાઈ, દર્શન કર, આ દિવ્ય સ્વરૂપ ભાઈશ્રી ઊભા,’ -એમ કહે છે એટલામાં તો તેને પણ આ મુક્તરાજ ભાઈશ્રીનાં દર્શન થયાં ને હાથ જોડ્યા કે તુરત દેહ પડી ગયો.
આ બનાવથી ઘરમાં તથા ગામમાં સૌ આશ્ચર્ય પામી ગયા. આ વખતે ભાઈશ્રી તો ગામ નારાયણપુરમાં જાદવજીભાઈની વાડીએ નાહીને ધ્યાન કરવા બેસી ગયા હતા, તે ઘણી વારે જાગ્રત થયા પછી જાદવજીભાઈને કહ્યું કે, ‘ભાઈ! આજ સવારમાં કુંભારીયાવાળા મિસ્ત્રી હરજીભાઈ મહારાજના ધામમાં ગયા ને ત્યાંથી માણસ આવશે, એટલે આપણે ખરખરે જવું જોશે.’ ત્યારે જાદવજીભાઈ કહે, ‘ભાઈ! તમને કોણે વાત કરી?’ ત્યારે આ મુક્તરાજ બોલ્યા જે, ‘અમને તેડવા કાલે એ મનુષ્ય મોકલતા હતા, તેથી અમે તેને મહારાજ ભેળા દર્શન દઈ અક્ષરધામમાં મૂકવા ગયા હતા. તેમની સાથે ગોવામલભાઈની દીકરીને પણ ધામમાં મૂકી દીધી.’ ત્યારે જાદવજીભાઈએ કહ્યું કે, ‘ભાઈ! એમને હમણાં હમણાં બહુ હેત થઈ ગયું હતું. આપની દયાથી તે તો થોડા જ વખતમાં મૂર્તિને સુખે સુખિયા થઈ ગયા, પણ સત્સંગમાં એવાની ખામી આવી.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘જેવી મહારાજની મરજી.’ એમ બોલ્યા, પછી સાંજે પોતે વૃષપુરમાં આવ્યા ને સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને આ વાત કરી.