૩૭૨ - ભૂજમાં સંત-હરિભક્તોને મહિમા
હવે મોરબીથી ગાડીએ બેસી સહુ નવલખીએ જવા નીકળ્યા, ત્યારે ત્યાંના હરિભક્તો ગોવિંદભાઈ, કાળુભા અને લધુભાઈ વગેરે નવલખી સુધી ભેળા ચાલ્યા, તે જ્યારે સંઘના હરિભક્તો વહાણ તથા આગબોટમાં બેસી ગયા ત્યારે આશીર્વાદ લઈ પાછા વળ્યા; પણ સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી તથા સેવક આશાભાઈ તો બાપાશ્રીને ઠેઠ વૃષપુર સુધી મુકવા જવા સાથે જ રહ્યા. પછી ખારીરોડ આવ્યું, એટલે સહુ ઊતરી અંજાર થઈ રેલે બેસી ભૂજ સ્ટેશને પહોંચ્યા, ત્યાં તો મંદિરમાંથી સંતો આવેલા તે બાપાશ્રી તથા સંતોને હેતે સહિત મળ્યા અને ગામોગામના હરિભક્તો હાર લઈ સામા આવેલા તે સહુ આ દિવ્ય સંઘને જોઈ ઊંચે સાદે ‘જય’ બોલતા દંડવત્ કરવા લાગ્યા. બાપાશ્રી તથા સંતોનાં દર્શનથી હરિભક્તોના હર્ષનો પાર રહ્યો નહિ. જે આવે તે દંડવત્ કરી પગે લાગે, ‘જય સ્વામિનારાયણ’ કરે, મળે, હાથ જોડી રાજી થતાં હેત જણાવે, કોઈ હાર પહેરાવે ને કોઈ ફૂલની પાંખડીઓ ઉછાળે, તેથી સ્ટેશનમાં પણ ફૂલ ફૂલ થઈ રહ્યાં. પછી ત્યાંથી સહુએ ઉમંગભર્યા મંદિરમાં આવી ઠાકોરજીનાં દર્શન કર્યા. ત્યાં સંઘના હરિભક્તો એક દિવસ રહી, સંતોને રસોઈ જમાડી બીજે દિવસ પોતપોતાને ગામ ગયા ને ત્યાં હરિભક્તોને છપૈયાપુરના અદભુત ચમત્કાર, પ્રતાપ ને મહિમાની વાતો કરતા આનંદ પામવા લાગ્યા.