૨૧૪ - મોટાના સંકલ્પે દિવ્ય દર્શન થાય

0:000:00

એક દિવસ દહીંસરાથી મુક્તરાજ કેસરાભાઈ તેમને ઘેર આવેલા (ધનજીભાઈનાં પત્ની કેશરબાઈ તે એમની દીકરી થાય.) ઘરમાં સૌ કેસરાભાઈનો મહિમા બહુ જાણતા હોવાથી રાત્રે નાનાંમોટાં દીકરા-દીકરીઓ વગેરે તેમના પાસે બેસી મહારાજના મહિમાની વાતો સાંભળતાં હતાં. આ પ્રસંગે બાપાશ્રીની વાત નીકળી. ત્યારે કેસરાભાઈ કહે, ‘એમની તો વાત બહુ ભારે છે. મહારાજની મૂર્તિ વિના એમને બીજું કાંઈ છે જ નહિ. એ રાજી થાય, દયા કરે, મળે, બોલાવે કે ક્યારેક વઢે, વખાણે તોય જાણવું જે એમને બીજું કાંઈ નથી, એ તો મહારાજ વિના બીજું જોતા જ નથી’ એ પ્રકારે મહિમાની વાત કરતાં ટાણું થયું ત્યારે સૌ સૂઈ રહ્યા. ત્યાં તો કેસરાભાઈ પાસે જાણે બાપાશ્રી પ્રત્યક્ષ આવ્યા; તે જોઈને પોતે હર્ષભર્યા એકદમ બેઠા થઈ મળવા ગયા એટલામાં તો બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા; એટલે કેસરાભાઈ આશ્ચર્ય પામતા જોઈ રહ્યા, પછી ઘણી વાર વાટ જોઈ, આમતેમ જોયું, અનેક વિચારો કર્યા. પણ જેમ આવ્યા હતા તેમ ચાલ્યા ગયા; ખબર ન પડી. છેવટે એ નિરાશ થઈ સૂતા, પણ ઊંઘ ન આવી ને કોઈને વાતેય ન કરી, પછી એના એ વિચારમાં વહેલા ઊઠી, નાહી, પૂજા કરી વૃષપુર જવા તૈયાર થયા. ત્યારે ઘરમાં સૌએ પૂછતાં કહ્યું જે, ‘આપણે મોડા સૂતા પછી ભાઈ આપણા ઘરમાં આવ્યા હતા. હું મળવા ઊઠ્યો પણ પાછા દેખાણા જ નહિ. માટે તેમને ભેળા થયા પછી બીજી બધી વાત.’ એમ કહી વૃષપુર ગયા. ત્યાં બાપાશ્રીને મંદિરની ઓશરીમાં બેઠેલા જોઈ અતિ હેતે સહિત મળ્યા ત્યારે બાપાશ્રીએ કહ્યું, ‘તમે આ ટાણે વહેલા આવીને દર્શન દેવા આવ્યા તે દાખડો બહુ કર્યો. પણ રાત્રે કેમ ન મળ્યા?’ ત્યારે કેસરાભાઈ ગદગદ કંઠે બોલ્યા, ‘બાપ! હું તો તમને મળવા ઘણોય ઊઠ્યો પણ તમે તો સંતાઈ ગયા તે ગોત્યા જડ્યા જ નહિ, પછી હું કોને મળું?’ એમ કહીને પૂછ્યું જે, ભાઈ! તમે ત્યાં મેડા પર શી રીતે આવ્યા ને ગયા?’ ત્યારે બાપાશ્રી કહે, ‘હેતવાળા હરિભક્ત અતિ હેતે સંભારે ત્યારે મોટા સંકલ્પ કરે, તે સંકલ્પ મૂર્તિમાન થઈને દર્શન આપે.’ આ વચન સાંભળી કેસરાભાઈ બહુ જ રાજી થયા; પછી બાપાશ્રીએ તેમને ઘેર લઈ જઈ પાસે બેસી જમાડ્યા ને ઘણી વાતો કરી, ત્યાં ધનજીભાઈના નાના દીકરા એમને તેડવા આવ્યા તેથી તેમનાં ભેળા એ નારાયણપુર જઈ રાત ખમ્યા ને ત્યાંથી બીજે દિવસ દહીંસરે ગયા.