૪૭૧ - ભૂજમાં લાલશંકરભાઈની રસોઈ
એક દિવસ ભૂજથી લાલશંકરભાઈ બાપાશ્રીને તેડવા આવ્યા ને કહ્યું જે, ‘બાપા! અમારે સંતો ને જમાડવા છે અને ઘેર પધરામણી કરવી છે, તેથી એક દિવસ દયા કરી પધારો, હું ગાડી લઈને આવ્યો છું. એ ટાણે પોતાને ભૂજ જવા ઇચ્છા નહોતી, પણ લાલશંકરભાઈએ ઘણો આગ્રહ કર્યો, તેથી તેમની સાથે જ ભૂજ પધાર્યા. બાપાશ્રીના દર્શન થતાં સંત હરિભક્તો ઘણા રાજી થયા. બીજે દિવસ લાલશંકરભાઈએ રસોઈમાં મોતૈયા લાડુ કરાવેલ તે થાળ તૈયાર થયા પછી સંતોની પંક્તિ થઈ, એ ટાણે બાપાશ્રી પંક્તિનાં દર્શન કરતા દંડવત્ કરવા લાગ્યા. સંતો ના પાડે જે, ‘તમે રહેવા દ્યો’. પણ બાપાશ્રી તો દંડવત્ કર્યા જ કરે. એ જોઈ બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ હાથ ઝાલી ઉપાડી લીધા. પછી પોતાને ભંડારે લઈ જઈને અતિ હેતે મોતૈયા લાડુ તથા ખીચડી, શાક વગેરે તાણ કરી કરીને પીરસ્યાં. તેમાં લાડુ થોડો જમ્યા અને ખીચડી, શાક ને છાસ સારી પેઠે જમ્યા. પછી સંતો જમી રહ્યા ને વચનામૃતની કથા થઈ રહી તે ટાણે બાપાશ્રી એમ બોલ્યા જે, ‘આ સમય એવો છે કે જેમ લોહ ચમક ને ખેંચે તેમ અનાદિ મુક્ત જીવને મહારાજની મૂર્તિમાં ખેંચી લે છે. એ મૂર્તિમાં નકરું સુખ જ છે, પણ જીવને બહિદૃષ્ટિ ઘણી થઈ ગઈ છે, તેથી એ સુખ લઈ શકતો નથી’ – એમ કહી આસને પધાર્યા. ત્યાં થોડી વાર વિશ્રાંતિ કર્યા પછી સૌને ભોગીલાલભાઈને ઘેર જવાનું હતું, તેથી સંતોએ સહિત પોતે તેમને ઘેર પધાર્યા. આગળથી તેમણે ચંદન, કુંકુમ અને ફૂલના હાર તથા પ્રસાદી તૈયાર રાખી હતી, એટલે સંતો કીર્તન બોલવા લાગ્યા ને મોરારજીભાઈ તથા લાલશંકરભાઈ અને તેમના પુત્રોએ બાપાશ્રીની તથા સંતોની પૂજા કરી વસ્ત્રો ઓઢાડ્યાં ને બાપાશ્રીને મોટી પાઘડી બંધાવી. પછી સંતોએ સહિત બાપાશ્રી તેમના બધાય ઘરમાં ફરી મંદિરમાં આવ્યા. એવી રીતે લાલશંકરભાઈના આગ્રહથી બાપાશ્રી એક દિવસ ભૂજમાં રહી પાછા વૃષપુર પધાર્યા.
બાપાશ્રી ભૂજ જઈ આવ્યાને હજુ પંદર દિવસ પૂરા થયા નહોતા ત્યાં વળી નારાયણપુરમાં ધનજીભાઈ બહુ માંદા થઈ ગયા, તેથી બાપાશ્રી તેમને બબ્બે ત્રણ ત્રણ દિવસે દર્શન દેવા જતા, પણ મંદવાડ દિવસે દિવસે વધુ જણાતો. ઘરમાં આ મંદવાડ હતો ત્યાં વળી તેમના દીકરા લાલજીના આઠ વર્ષના છોકરા જેઠાને માતા નીકળ્યાં, તેથી એક કોર એની પણ ચિંતા થઈ. બાપાશ્રી જ્યારે જ્યારે નારાયણપુર આવે ત્યારે ધનજીભાઈ ધામમાં લઈ જવાની માગણી કરે ને કહે જે, ‘બાપા! હવે તો મને મહારાજના સુખમાં મૂકી દ્યો’. બાપાશ્રી તેમને એમ કહે જે, ‘ધનજી! ટાણે બધુંય ઠીક થઈ રહેશે. મહારાજથી શું અજાણ્યું છે!’ એમ કહેતાં એક દિવસ પોતાને એમ થયું જે, ‘હજી મને રાખવો હશે કે શું?’ એમ જાણી ધનજીભાઈ હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘બાપા! હવે મારી ફેરબદલી કરશો મા.’ ત્યારે બાપાશ્રી કહે, ‘બચ્ચા ધનજી! તું આમ ઉદાસ કેમ થઈ જાય છે? અમને ઠીક લાગે તેમ કરશું. તું તો સુખે મહારાજ ને સંભાર્યા કર.’ એમ કહી તેમનાં પત્ની કેસરબાઈ વગરે પાસે બેઠાં હતાં તેમને કહ્યું જે, ‘તમે કાંઈક જમવાનું કરી લાવો તો ધનજીને જમાડીએ.’ ત્યારે એ થોડી વારમાં ખીચડી તૈયાર કરીને લાવ્યાં. પછી બાપાશ્રીએ તેમના દીકરાઓને કહ્યું કે, ‘તમારા બાપના હાથ ઝાલો, રસોડામાં તેડી જવા છે.’ એમ કહી રસોડામાં લઈ ગયા ને ધનજીભાઈને ખીચડી પીરસી ત્યારે તે કહે, ‘બાપા! તમે જમો તો હું જમું. એમ કહ્યું તેથી બાપાશ્રી પણ પડખે બેસી થોડી ખીચડી જમ્યા ને થોડી પ્રસાદી જે છોકરાને માતા નીકળ્યાં હતાં તેને આપીને બોલ્યા જે, ‘બચ્ચા! તને પરમ દિવસે મહારાજના ધામમાં તેડી જશું.’ એમ કહી ઠાકોરજીવાળા ઓરડામાં ગયા, ત્યાં થોડી વાર મહારાજના મહિમાની વાતો કરી વૃષપુર પધાર્યા. પછી કહ્યા પ્રમાણે ત્રીજે દિવસે આગિયાર વાગ્યા ત્યારે જેઠાને મહારાજ તથા બાપાશ્રીનાં દર્શન થયાં ને દેહ મૂકી દીધો.