૨૪ - ગરીબ સ્વભાવ
આ અનાદિ મુક્તરાજનાં આવાં વચનો વિચારે તેને એમ લાગે જે, ‘આ કોઈ ચમત્કારી પુરુષ છે.’ પણ દેખાવે તો પોતે તદ્દન ગરીબ સ્વભાવ જણાવતા. કોઈના લગ્નમાં કે નાત ટાણે જવું હોય કે દિવાળી જેવા મોટા ઉત્સવના દિવસ હોય તોય લૂગડાં તો એનાં એ જ પહેરે, બહુ બહુ તો ધોયેલાં હોય! થાળમાં જમવાની પણ એ જ રીત! રોટલો મૂકે ને દાળ આપતાં ભૂલી જાય તો એકલો રોટલો જમી લે. કહે નહિ જે, દાળ કેમ ન આપી! માંહી ઘી હોય તોય ભલે ને ન હોય તોય ભલે, ખીચડી પીરસે તે બધી જમી લે ત્યાં સુધી છાશ ન માગે. ચળુ કરી પાણી પીતા હોય ત્યારે ખબર પડે, એ વખતે છાશનું કહે તો પાણી ઢોળી છાશ લઈને પીએ. ખારુંમોળું કહેવાનું તો હોય જ શાનું? કોઈ બે વચન કહી લે તોય કાંઈ નહિ. તેમ પોતાને પણ કોઈને વઢીને કહેવાની ટેવ જ નહિ. ક્યારેક તાવ આવ્યો હોય તો માથે ઓઢીને સૂઈ રહે, ઘરમાંથી કોઈ પૂછે કે, ‘આજ કેમ સૂતા છો?’ ત્યારે કહે, ‘ઓમે.’ જ્યારે શરીર જુએ તો તાવથી ધખતું હોય, કોઈ ઔષધનું કહે તો કહે જે, ‘મહારાજ પોતાની મેળાએ સારું કરી દેશે. એ કરે તે ખરું. એના કામના આપણે શું કરવા ઉચાટ કરીએ?’ આવા સરળ સ્વભાવથી ઘરમાં બહેનોને એમ જે, અમારા ભાઈ તો મોટા સાધુ જેવા છે; પાંચાભાઈને પણ એમ જ. દેવબાઈ તો મહારાજનાં વચન સંભારીને સદાય દિવ્યભાવે જોતાં, પણ તેમને વ્યવહારની દુર્બળતા ડંખ્યા કરતી. આ મુક્તરાજ તો મૂર્તિને સુખે સુખિયા હોવાથી તેમને આ લોકનાં તો શું, પણ અક્ષરધામ સુધીનાં કોઈ સુખની ગણતરી ક્યાંથી હોય?