૩૬ - અ. મુ. લક્ષ્મીરામભાઈ

0:000:00

રામપુર સાત દિવસની પારાયણ પૂરી થઈ રહ્યા પછી મુક્તરાજ લક્ષ્મીરામભાઈ માંડવી જવા નીકળ્યા, ત્યારે પોતે વૃષપુર ભાઈશ્રીના દર્શને આવ્યા. ભાઈશ્રી વાડીએ હતા, તેથી મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી ઘેર ખબર કાઢી વાડીએ ગયા. ત્યાં લક્ષ્મીરામભાઈએ ભાઈશ્રીને છેટેથી જોયા ને ભાઈશ્રીએ લક્ષ્મીરામભાઈને જોયા કે તરત પરસ્પર દંડવત્ કરવા માંડ્યા. ભાઈશ્રી તો, ‘રાખો! રાખો! આમ ન હોય. તમે મોટા થઈને આ શું કરો છો?’ –એમ કહે પણ માને નહિ. પછી ભાઈશ્રી એ લક્ષ્મીરામભાઈને ઝાલી લીધા ને બહુ હેત જણાવી મળ્યા, ને ગોદડું પાથરી બેસાર્યા. પછી લક્ષ્મીરામભાઈએ શરીરના સમાચાર પૂછ્યા કે, ‘હવે કેડના દુઃખાવાનું કેમ છે?’ ત્યારે ભાઈશ્રી કહે, આપણે તો મૂર્તિનો આનંદ છે,’ –એમ કહી જરા હસ્યા. પછી એકબીજા સામું જુએ ને રાજી થાય, એમ થોડી વાર બેઠા પછી લક્ષ્મીરામભાઈ કહે, ‘ભાઈ! તમે વાડીનું કામ કરો છો ને કોસ ખેડો છો તે ઠીક થતું નથી.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘કામ કરતાંય પૂરું ક્યાં થાય છે? તમે કામની ના પાડો છો, પણ માથે હજી કરજ પડ્યું છે, તે કોસ ન ખેડીએ તો ઠાકોરજીના થાળ શામાંથી થાય?’ ત્યારે લક્ષ્મીરામભાઈ કહે, ‘ભાઈ! તમારી વતી સાથી હું રાખી દઉં. તેનો પગાર મારે આપવો, તમારે તો મૂર્તિમાંથી સુખ લેવું ને અમારા જેવા કોઈ આવે તો દેવું.’ ભાઈશ્રી કહે, ‘તમારું બ્રાહ્મણનું લેવાય ખરું?’ ત્યારે મુક્તરાજ લક્ષ્મીરામભાઈ કહે, ‘બ્રાહ્મણનું કેમ ન લેવાય? અનંતકોટી બ્રહ્માંડમાં સૌને બ્રાહ્મણ જ આપે છે તો કેમ શ્રીજીમહારાજ સરવરિયા બ્રાહ્મણ કહેવાય છે કે નહિ?’ ત્યારે ભાઈશ્રી કહે, ‘એમની તો વાત જ ન્યારી.’ એમ કહી મહારાજના મહિમાની ઘણી વાતો કરી; ત્યાં ત્રણચાર દિવસ રહ્યા ત્યાં સુધી સભામાં રોજ હરિભક્તોને ભલામણ કરતાં જે, ‘આ ‘ભાઈ’ મહા ચમત્કારી ને મહારાજના લાડીલા મુક્ત છે, તેમને આ લોકની ગણતરી નથી, તેથી તેમના વ્યવહારની સહુ નજર રાખજો.’ એમ મોટાનો મહિમા મોટા જાણે.

એક દિવસ રાત્રે પડખે આસન હતું ને પોતે લઘુ કરવા ઊઠ્યા, તે જરા પગ લાગી ગયો, ત્યારે હાથ જોડી બહુ પ્રાર્થના કરી. પછી એક આસનમાં બેસાર્યા ને કહ્યું જે, ‘મહારાજ બધુંય સારું કરશે, ને કોસનું કામ તમારે હવે નહિ કરવું પડે,’ એમ કહી સાથી રાખવા ભલામણ કરી. પછી ત્યાંથી ચાલતી વખતે મુક્તરાજ લક્ષ્મીરામભાઈએ પૂછ્યું જે, ‘ભાઈ! તમારા જેવાં મોટાની કૃપાથી મહારાજ ક્યારેક દર્શન તો દે છે, પણ સંકલ્પ બંધ કેમ નહિ થતા હોય? હવે કોઈ સંકલ્પ ન ઊઠે તેવી દયા કરો.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘તમે તો મહાસમર્થ ને નિર્ગુણ મુક્ત છો, તમને શું હોય? આ તો તમારા અર્થે નથી પૂછતાં. મૂર્તિ દેખાય પછી સંકલ્પ શાના થાય? મૂર્તિમાં તો સુખ, સુખ ને સુખ જ છે, તોપણ તમે પૂછો છો તે બીજાના સમાસને માટે છે. તમને બીજા ઘાટ થતા નથી ને ક્યારેય થશે પણ નહિ.’ તે સાંભળી લક્ષ્મીરામભાઈ કહે, ‘ભાઈ! તથાસ્તુ.’ એમ રમૂજ કરતાં હેત જણાવી મળ્યા ને અતિ પ્રસન્ન થઈ માંડવી પધાર્યા.

આ અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈની સ્થિતિ કેવી હતી અને તે આ ભાઈશ્રીનો મહિમા કેવો જાણતા તે જરા આ સ્થળે વિચારીએ. આ લક્ષ્મીરામભાઈ પણ સમર્થ સિદ્ધમુક્ત હોવાથી શ્રીજીમહારાજની મૂર્તિ અખંડ દેખતા, તોય આજ્ઞા પાળવામાં એવી ખટક હતી કે, એક વખત પોતાના ઘરના પગથિયાં પર એક નાનું પૈડિયું મરેલ પડ્યું હતું. તે જોઈ પોતે તેનું પ્રાયશ્ચિત્ત કર્યું. કોઈએ પૂછ્યું જે, ‘તેનું પ્રાયશ્ચિત્ત તમારા માથે કેમ આવે?’ ત્યારે કહે, ‘ઘરમાં હું મોટો છું, માટે આનું પાપ મારા ઉપર કહેવાય.’ એવા ધર્મચુસ્ત ને આજ્ઞાપાલક હતા. પરોક્ષમાં ભાગવત આદિ શાસ્ત્રની કથા કરતાં તે જાણે આખું ભાગવત એમને મોઢે જ હોય! વળી સવારથી સાંજ સુધીમાં ભાગવતસંહિતાનો સમગ્ર પાઠ પણ કરી શકતા; સંપ્રદાયમાં મોટા મોટા સંતોના આગ્રહથી એ પારાયણ કરતા, તેમ બાઈઓની સભામાં પણ ક્યારેક એ કથા વાંચવા જતા. તેમની ઉંમર ૬૦વર્ષ ઉપર થઈ હતી. છતાં કથા વાંચવા બેસે ત્યારે એક આસને બેસી રહેતા, તેમ આડીઅવળી દૃષ્ટિ કરે નહિ, તેથી બહુ ગંભીર જણાતા. તેમનું વાંચન બહુ જ સ્પષ્ટ તેમ પચીસ પચીસ અધ્યાય જેટલું વાંચન, અર્થસહિત સમજાવતા જતાં, જેથી શ્રોતાઓને કથાના પ્રસંગ સહેજે યાદ રહી જાય. શાસ્ત્ર સંબંધી વાત કરતાં હોય ત્યારે જાણે જ્ઞાનના પારને પામેલા હોય તેમ જણાતું. તેમનામાં સાદાઈ ઘણી હતી. મોટા મોટા સાધુઓ તેમનો મહિમા જાણી જોગ-સમાગમ કરવા જતા. પોતે પણ સંત-હરિભક્તોમાં મોટા મુક્ત હોય તેમનો જોગ કરી પ્રસન્નતા મેળવતા. બહુધા સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામી તથા સદ્‍ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી આદિ સંતો તથા અનાદિ મુક્તરાજ ભાઈશ્રી તથા કેસરાભાઈ વગેરે સાથે શ્રીજીમહારાજના રહસ્ય-અભિપ્રાય તથા આજ્ઞા-ઉપાસનાની ઘણી વાતો કરતા ને સાંભળતા. નારાયણપુરના જાદવજીભાઈ અને તેમના કુટુંબ ઉપર તેમની કૃપાદૃષ્ટિ સારી હતી, તેથી જ્યારે એ માંડવીથી ભૂજ જાય ને વળે ત્યારે એક વાર તો જરૂર તેમના ઘેર જાય. અમદાવાદ, મૂળી આદિ સ્થળે પોતે દર્શન કરવા ગયા હોય ત્યારે તેમનો મહિમા જાણી સંતો તેમની પાસે સભામાં વાતો કરાવતા. જ્યારે એ વાતો કરતા હોય ત્યારે કોઈ ત્યાંથી ઊઠી શકે નહિ, તેવું તેમની વાણીમાં આકર્ષણ હતું; અને મૂર્તિના સંબંધ વિનાની વાતો તો તેમના મુખેથી ક્યારેય થાય જ નહિ. કોઈ સાધારણ વાતનો પ્રશ્ન પૂછે તોપણ મૂર્તિના સંબંધ સહિત તેનો ઉત્તર કરતા. આવી મહાન સ્થિતિ છતાં પોતે સંત-હરિભક્તો પાસે અત્યંત દાસભાવે વર્તતા ને મહિમા ઘણો જાણતા. ગામ મઉમાં ગરાસિયાઓમાં કથા કરવા જતા, તેથી તેમને પણ તેમનો ઘણો જ મહિમા હતો. આમ ઘણે ઠેકાણે કથા કરવા જતા, તેથી કેટલાક તેમને ‘વ્યાસ’ નામે પણ ઓળખાવતા. આવા સમર્થ છતાં અનાદિ મુક્તરાજ ભાઈશ્રીને ભૂજ કે ગામડાંઓની સભામાં મહારાજના મહિમાની ને દિવ્ય સુખની વાતો કરતા દેખે તો પોતે છાનામાના કોઈ ન જાણે તેમ એક કોર બેસી જતા. એવું પોતે ભાઈશ્રીનાં વચન સાંભળવાનું માહાત્મ્ય જણાવતા.

પોતે મહાસમર્થ મુક્ત હતા, તેમ મોટા મોટા સદ્‍ગુરુઓને જોગ-સમાગમે રાજી કરેલા, તોપણ સદાય નિર્માનીપણે રહી મહારાજનો રાજીપો કેમ વધે એવી તાણ તો જણાવ્યા જ કરતા. એક વાર પોતે અનાદિ મુક્તરાજ સદ્‍ગુરુ ગુણાતીતાનંદ સ્વામીનાં દર્શન કરવા ગયા હતા. હજુ જૂનાગઢ થોડું દૂર હતું, પણ આ સ્વામીશ્રી તે જ દિવસે હરિભક્તોના આગ્રહથી ગામડાંમાં જવા નીકળેલા ત્યાં મહારાજ માર્ગમાં સ્વામીશ્રીને દર્શન આપી કહી ગયા કે, ‘તમે પાછા જૂનાગઢ જાઓ, એક મોટા મુક્ત તમારા દર્શન માટે આવે છે.’ સ્વામીશ્રી તો આ વચનથી તુરત પાછા આવ્યા, ત્યાં સંતો મળી પૂછવા મંડ્યા, ત્યારે પોતે બનેલ વાત કરી; ત્યાં તો અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ પણ મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી સભામાં આવ્યા, અને સદ્‍ગુરુ ગુણાતીતાનંદ સ્વામીને જોયા કે ઉતાવળા દંડવત્ કરવા લાગ્યા. તેમને સ્વામીશ્રી ઝાલી લઈ હેતે સહિત મળ્યા ને કુશળ સમાચાર પૂછ્યા. પછી ‘શ્રીજીમહારાજે મને તમારા સારુ પાછો મોકલ્યો’ એ વાત કરી આસન કરાવ્યું. પછી અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ થોડા દિવસ રહ્યા ત્યાં સુધી સંત-હરિભક્તોને જોગ-સમાગમનો ઘણો જ લાભ મળ્યો.