૫૦૪ - જીવનો બદલો ને નવો જન્મ
ત્યાર પછી બાપાશ્રી પોતાની સાથે આવેલ હરિભક્તને લઈ ઘોડીએ બેસીને ચાલ્યા તે વાટમાં આવતાં જે ઠેકાણે ખજૂરી હેઠેથી ધૂડની મુઠ્ઠી ભરીને ટપ્પરવાળા હરિભક્તને આપી હતી તે ખજૂરી સાવ સૂકાઈ ગયેલી જોઈ તેણે પૂછ્યું જે. ‘બાપા! આપણે રામપુર ગયા ત્યારે આ ખજૂરી લીલી હતી ને ચારપાંચ દિવસમાં આમ કેમ સૂકાઈ ગઈ?’ ત્યારે બાપાશ્રી કહે કે, ‘ટપ્પરવાળો નારાયણ એના છોકરા સારુ પ્રસાદી લઈ ગયો તેને આવરદા મુદ્દલ નહોતી, પણ એ બિચારો દોડીને આવ્યો હતો એટલે આ ખજૂરીનો જીવ એ છોકરાના દેહમાં મૂક્યો ને એ છોકરાના જીવને ધામમાં મૂકી દીધો.’ આ વાત સાંભળી તે હરિભક્તને ઘણું આશ્ચર્ય થયું.
હવે ટપ્પરમાં પણ એ છોકરાને બાપાશ્રીને આપેલ પ્રસાદીથી તુરત સુવlણ થઈ જતાં તેનાં માબાપાને એમ થયું જે, ‘આ છોકરો જીવે તેવું નહોતું ને જીવ્યો છે તે એને સામે પગલે લઈ જઈને બાપાશ્રીનાં દર્શન કરાવીએ તો ઠીક, એમ જાણી બાપાશ્રી રામપુરથી આવ્યાના ખબર પડતાં એ વૃષપુર બાપાશ્રીને ઘેર આવ્યા ને ‘જય સ્વામિનારાયણ’ કહી છોકરાના હાથમાં સાકરનો પડો દઈને તેણે બાપાશ્રીના ખોળામાં મૂક્યો ત્યારે બાપાશ્રીએ તેના માથે ઘણી વાર હાથ ફેરવ્યા ને રાજીપો જણાવીને તેની માને કહ્યું જે, ‘આ છોકરાને લઈ જાઓ ને ઘેર જઈને પાંચ વાર ગૌમુતરથી નવરાવજો.’ આ વચન સાંભળી નારાયણભાઈ કહે, ‘બાપા! ગૌમુતરથી નવરાવ્યાનું શું કારણ?’ ત્યારે કહે, ‘આ છોકરો નવે અવતાર આવ્યો છે, તે એટલી શુદ્ધિ કરાવવી પડે તેવું છે.’