૩૦ - નિ:સ્વાદીપણું
ટપ્પર જતાં માર્ગમાં ખેતર આવે છે, ત્યાં પોતે થોડા દિવસ મૂલે જતા, ત્યાં બપોર થાય ત્યારે પોતાની દીકરી ભાત લઈને જમાડવા જાય. એક દિવસ તેને ઠેસ લાગવાથી સૂંડલામાં ભાત હતું તે બધું ઊડી પડ્યું, ને ધૂડધૂડ થઈ ગયું. તેથી બીજુ બધું પડ્યું મૂકીને કોરા રોટલા ભાતમાં લઈ ગયા. તે જોઈને પૂછ્યું જે, ‘બાઈ! આમ કેમ?’ ત્યારે એ દીકરીએ ઠેસ વાગી ને ભાત ઢોળાઈ ગયું તે વાત કરી, પણ પોતે કાંઈ બોલ્યા નહિ ને જરા હસ્યા! દીકરી કહે, ‘બાપા! આજ રોટલા કોરા શેમાં ખાશો?’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘બાઈ! આજ મહારાજને લૂખા રોટલાનો થાળ જમાડી દેશું. એમાં શું?’ એમ કહી લૂખા બે રોટલા જમ્યા. આવી રીતે નિ:સ્વાદીપણું પણ જણાવતા.
ટપ્પરમાં એક ગુંદીવાળું ખેતર તેજાભાઈ નાથાભાઈનું હતું, તે આ મુક્તરાજનો વ્યવહાર દુર્બળ જાણીને ખેડવા આપેલું, તેથી ત્યાં પોતે સાંતીડું લઈને જતા. એક દિવસ ખેતર ખેડતાં સાંતીડું ભાંગી પડ્યું, ને એ ગામમાં સુતાર નહિ, તેથી પોતે ખભે લઈને વૃષપુર સમું કરાવવા આવતા હતા. (ટપ્પર વૃષપુરથી ત્રણ ગાઉ દૂર છે). એ જ વખતે દેવુબા ભાત લઈને ટપ્પર જતાં હતાં, બેય માર્ગમાં સામાં મળ્યાં હશે, પણ એકબીજાએ કોઈએ સામું જોયું નહિ. મુક્તરાજ તો સાંતીડું સમું કરાવી ઘેર ગયા, ત્યારે દીકરીએ કહ્યું જે, ‘ભાત તો ટપ્પર મારી મા લઈને વહેલાં ગયાં છે.’ પછી પોતે એમ ને એમ સાંતીડું ઉપાડી ટપ્પર ગયા, તે સાંજના ચાર વાગ્યે ખેતર પહોંચ્યા, ત્યાં દેવુબા વાટ જોઈને બેઠાં હતાં તેને આ વાત કરી. પાછી એ વાત સાંજે તેજાભાઈને કરી ને કહ્યું જે, ‘આપણે આટલા દાખડા કરીએ છીએ તોય મૂર્તિને સુખે સુખિયા છીએ, પણ હવેના છોકરા આમ નહિ કરી શકે; પણ કરવાનું આ છે.’
આ વાત સાંભળી કોઈકે આ મુક્તરાજના સાંભળતાં કહ્યું, ‘ભગત બહુ બળીઆ, ત્રણ ગાઉથી સાંતીડું લઈ ગયા ને પાછા ટપ્પર આવીને જમ્યા.’ આ વાતથી પોતાને એમ થયું જે, ‘બળવાળું શરીર સારું નહિ.’ વાતોમાં ઘણી વાર એમ તો કહેતા કે, ‘જુવાની આવવા જ ન દેવી, પાધરા જ વૃદ્ધ થઈ જવું!’ પણ આ વાતમાં શું મર્મ છે, તે બીજાને ક્યાંથી જણાય!