૪૯૩ - પ્રસાદી-સ્થાનનો અપૂર્વ મહિમા
હવે સદ્ગુરુઓ તથા કેટલાક સંતો વૃષપુરમાં હતા ને એકાદશીનો દિવસ આવ્યો એટલે હંમેશના નિયમ પ્રમાણે બાપાશ્રી તથા સંતમંડળ અને હરિભક્તો સવારમાં વહેલા નાહી, પૂજા કરી છત્રીએ ગયા, ત્યાં ચરણારવિંદ તથા હનુમાનજીનાં દર્શન કરી ધર્મશાળામાં સભા કરી બેઠા. એ વખતે નારાયણપુરના હરિભક્તો હજારીફૂલના ઘણા હાર લાવ્યા હતા, તે લઈ બાપાશ્રીને તથા સંતોને પહેરાવવા લાગ્યા. તે જોઈ ધનજીભાઈના દીકરા તથા ત્યાંના પ્રેમી હરિભક્ત ખીમજીભાઈ, એ બન્નેને બાપાશ્રી કહે, ‘વગર બોલ્યા શું પૂજા કરો છો, કીર્તન બોલોને?’ આવી આજ્ઞા થતાં જ એ તો હર્ષભર્યા ઊંચે સાદે ને લાંબે ઢાળે ‘ધર્મકુંવર હરિકૃષ્ણની રે,’ મૂર્તિ મારે મનમાની જીવન જોવા લાગ્ય છે રે. એ કીર્તન બોલવા મંડ્યા. એ ટાણે બાપાશ્રી સંત-મંડળની વચ્ચે ધોળાં વસ્ત્રો પહેરી બેઠેલા ને ફૂલહારથી શોભતા નેત્ર મીંચી ધ્યાને યુક્ત ડોલતા હતા. ધર્મશાળામાં ભીડ ઘણી હોવાથી જેમ છેટેથી પડછંદા પડે તેમ કીર્તન સંભળાતાં સૌને આનંદ આનંદ થઈ રહ્યો.
થોડી વારે બાપાશ્રીએ મહિમાની વાત કરવા માંડી કે, ‘જ્યાં શ્રીજીમહારાજ આવીને બેસતા એ ઠેકાણે આપણે છત્રી કરાવીને ચરણારવિંદ પધરાવ્યાં છે, તેમ જ આ સ્થાને હનુમાનજી આવીને બેઠા તે પણ બહુ ચમત્કારી છે. કાળીતલાવડીનો મહિમા તો કેટલો કહેવો! જ્યાં મહારાજ ઘણીયે વાર નાહ્યા છે. માટે આ સ્થાને આવી જે નાહશે કે દર્શન કરશે તેનાં બ્રહ્મહત્યાદિક પાપ નાશ પામી જશે ને કોઈ અસદ્ગતિને પામેલા જીવની વાંસે આ સ્થાને શ્રાદ્ધાદિક કર્મ કરાવશે તેનો પણ મોક્ષ થશે. આ સ્થાન તો ભારે ચમત્કારી છે. દિવ્ય દૃષ્ટિવાળાને આ વાતની ખબર પડે. જે સ્થાનમાં શ્રીજીમહારાજે ઘણી લીલાઓ કરી હોય તેનો મહિમા કહેવાને તો કોઈ સમર્થ જ નથી, પણ જીવને ઝાઝો મહિમા કહીએ તો મનાય નહિ. આ ગામમાં મોટા મોટા યજ્ઞો થાય છે તેમાં શ્રીજીમહારાજ પ્રત્યક્ષ દર્શન દે છે, માણકીએ ચડીને ફરે છે, પંક્તિટાણે દિવ્યરૂપે સંત-હરિભક્તો પર અમૃતનજર કરી સુખિયા કરે છે, એ વાતની બહાર દૃષ્ટિવાળાને ખબર ન પડે.’ એમ કહીને વળી ‘ઓરા આવો, મારા લે’રખડા લે’રી,’ એ કીર્તન બોલાવીને સૌને ઊભા થઈને મળ્યા; પછી ત્યાંથી ધીરે ધીરે ચાલતાં સહુ મંદિરમાં આવ્યાં.
વૃષપુરમાં સંતો હોય ત્યારે બાપાશ્રીને તો બીજું કાંઈ કામ જ નહિ. સભાટાણે સભામાં બેઠા હોય ને સભા ઊઠે ત્યારે ઓશરીમાં કે ચોકમાં સંત-હરિભક્તો સાથે વાતો કરતા હોય કાં રમૂજ કરતા હોય, સૂવું હોય ત્યારે જ્યાં બેઠા હોય ત્યાં પાધરાક પગ લાંબા કરતા, પાસે રાખવાનો ખેસ માથે ઓઢી સૂઈ જાય. વાડીએ કે છત્રીએ તો જેટલી વાર જાય તેટલી વાર કાંઈ ને કાંઈ નવીનતા જ દેખાય. રોજ ચંદન-પુષ્પથી પૂજાઓ ચાલે. સવારમાં પૂજા કરતા હોય ત્યારે સંતો દર્શન કરતા પાસે બેઠા હોય, એ ટાણે પણ નવું નવું હેત જણાવીને મળે. આમ ઘણા દિવસ સદ્ગુરુઓ તથા સંતમંડળને રાખી સુખિયા કર્યાં.