૩૦૫ - મૂળીમાં સંતોએ રોક્યા
માર્ગમાં મૂળીનું સ્ટેશન આવ્યું ત્યાં સંતોને વહેલી ખબર પડવાથી સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજીએ, સ્વામી ગુણાતીતદાસજી, ભગવત્સ્વરૂપદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી તથા સાધુ દેવજીવનદાસજી વગેરેને સ્ટેશને તેડવા મોકલ્યા હતા. તેમણે આવીને બહુ પ્રાર્થના કરી બાપાશ્રીને કહ્યું જે, ‘કથાને હજુ થોડા દિવસની વાર છે; તેમ મૂળીમાં આપની મરજી હોય તેટલું રહેજો, વધુ રોક્શું નહિ, પણ સ્વામીશ્રી તમને બહુ સંભારે છે, આમ ઘણો આગ્રહ કરવાથી સૌ ત્યાં જ ઊતર્યા ને સ્ટેશનને કૂવે નાહ્યા. તરસ લાગી હતી તેથી સંતોએ કૂવામાંથી પાણી કાઢીને પાયું. પછી મંદિરમાંથી સિગરામ લાવેલા તેમાં સંતોએ પોતાની સાથે બાપાશ્રીને બેસાર્યા ને હરિભક્તો બીજા વાહનમાં બેસી સૌ મંદિરમાં આવ્યા. ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રી સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજીના આસને જતા હતા ત્યાં સ્વામીશ્રીને ઘનશ્યામ મહારાજ પાસે ઊભા રહી દર્શન કરતાં જોયા, એટલે સૌ ત્યાં જ દંડવત્ કરવા મંડ્યા. આ જોઈ સ્વામીશ્રીએ બહુ જ હેત જણાવી બાપાશ્રીને ઝાલી લીધા ને કહ્યું જે, ‘હવે તમારે દંડવત્ ન કરવા ને આમ ને આમ સહુને રાજી રાખવા.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! તમે તો મહારાજના હજૂરી મુક્ત છો, આવા દિવ્ય સંતનાં દર્શન ક્યાંથી થાય! આ તો શ્રીજીમહારાજે દયા કરી છે, તેથી થાય છે.’ એમ કહ્યું; પછી સ્વામી ભેળા ચાલ્યા ને સહુને ઉતારા કરાવ્યા. સ્વામીશ્રીને આ અનાદિ મુક્તરાજને વિષે હેત ને મહિમા બહુ, પણ કચ્છમાં પોતાથી ઓછું જઈ શકાતું, તેથી આ વખતે પોતાની પાસે જ આસન કરાવ્યું ને એકાંતમાં મહારાજના મહિમાની ઘણી વાતો પૂછવા માંડી. બાપાશ્રી પણ તેમને શ્રીજીમહારાજના ખરેખરા કૃપાપાત્ર ને મોટી સ્થિતિવાળા જાણી, અનાદિ મુક્ત મૂર્તિમાંથી કેવી રીતે સુખ લે છે, મહારાજ એ મુક્તોને કેવાં સુખ આપે છે, પરમ એકાંતિકની સભા કેમ છે, એકાંતિક કેવી રીતે મહારાજને રાજી કરે છે, શ્રીજીમહારાજ જીવો ઉપર કેવા અઢળક ઢળ્યા છે, વગેરે વાતો કરતા; તેથી સ્વામીશ્રી અતિ આનંદ પામતા, તેમ નાનામોટા સંતો સૌ હેતવાળા હોવાથી સેવા-સમાગમ કરી રાજી થતા. સવારમાં વહેલા ઊઠી બાપાશ્રી નાહીને પૂજા કરે ત્યારે સંતોને મળે. પછી ઠાકોરજીનાં દર્શન કરવા જાય ત્યારે સંતો સાથે હોય. ઠાકોરજીના સેવક આ મુક્તમંડળને જોઈને ઠાકોરજી પાસેનાં બારણાં ઉઘાડી નાખે ને પ્રસાદીના હાર પહેરાવે. પછી ત્યાંથી સૌ શ્રીજીમહારાજની મૂર્તિ પાસે અનાદિ મુક્તરાજ સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીની મૂર્તિ છે ત્યાં જઈ દર્શન કરે; પછી સભામાં આવે ત્યારે સંતોની સામે ને હરિભક્તોની આગળ આસન હોવાથી ત્યાં તો ઘણી વાર બેઠા જ હોય. ક્યારેક સભામાં સહેજ વાત કરતા હોય પણ એમનાં ચમત્કારી વચનોથી સૌ રાજી રાજી થઈ જાય.
એક દિવસ સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજીના આગ્રહથી સભામાં બાપાશ્રીએ વાત કરી જે, ‘શ્રીજીમહારાજ સત્સંગમાં અખંડ બિરાજે છે, ભગવાનના ભક્તને એ મૂર્તિનો આનંદ ને ખુમારી જોઈએ. અક્ષરધામની મૂર્તિ ને અહીં મહારાજે દર્શન આપ્યાં એ મૂર્તિમાં એક રોમનોય ફેર નથી, કેમ કે મહારાજમાં ત્યાગ ભાગ નથી, તેમ એ મૂર્તિનો કે મૂર્તિના સુખનો કોઈથી પાર પમાય તેવું નથી.’
એક દિવસ સવારે પોતાની પાસે થોડા સંતો બેઠા હતા, ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘આજ શ્રીજીમહારાજ ને તેમના મુક્ત અનંત જીવોનાં આત્યંતિક કલ્યાણ કરે છે ને સૌને અભયદાન આપી ન્યાલ કરે છે. જુઓને, સભામાં વચનામૃત વંચાય છે તેમાં એ મહાપ્રભુ તથા તેમના લાડીલા મુક્તનાં વચનરૂપી અમૃત વરસે છે, તે જો અધ્ધરથી ઝીલે તો બહુ ભારે કામ થઈ જાય.’
આવી રીતે વાતો કરી સંતોને રાજી કરતા. વળી ક્યારેક વાડીમાં પ્રસાદીસ્થાને હરિભક્તોએ સહિત દર્શને જાય, ત્યાં વાતો કરે, પંક્તિ વખતે સંતોને દંડવત્ કરે. પછી ઠાકોરજી જમાડી જરા વિરામ કરે, બપોરે નદીએ નાહવા જાય. સાંજે ને રાત્રે તો સભામાં બેઠા જ હોય, તેથી સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજી બહુ હેત જણાવી ઘણા રાજી થતા; પછી વિદાય થતી વખતે સ્વામીશ્રી કહે, ‘તમે અહીં ઊતર્યા તે અમને ઘણો લાભ મળ્યો. પાછા વળતાં દર્શન દેજો ને પાંચ દિવસ રોકાજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘જેવી મહારાજની મરજી,’ પછી ચાલ્યા ત્યારે ઘણા સંતો સ્ટેશન સુધી વળાવવા ગયા.
ત્યાંથી ફાગણ વદ અમાસને દિવસ સહુ અમદાવાદ પહોંચ્યા, ત્યાં પણ કેટલાક સંતો અને પ્રાણશંકરભાઈ આદિ હરિભક્તો સામા આવેલા, કેમ કે મૂળીના સંતોએ આગળથી લખી જણાવ્યું હતું. બાપાશ્રી આદિ મુક્તમંડળે મંદિરમાં જઈ શ્રી નરનારાયણદેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિ મૂર્તિઓનાં દર્શન કર્યા, ત્યાં તો સદ્ગુરુઓ તથા સંત-હરિભક્તોને ખબર પડી એટલે સહુ ઉતાવળા આવીને મળ્યા ને સમાચાર પૂછ્યા. પછી ત્યાંથી સહુએ સાથે આવી શ્રી ઘનશ્યામ મહારાજનાં દર્શન કર્યાં ને ઈસ્પિતાલ સામે મેડા ઉપર ઉતારો કરાવ્યો. હજી પારાયણને બે દિવસ વાર હતી, એટલે સંત-હરિભક્તો ઘણા રાજી થયા ને દર્શન, સેવા ને જોગ-સમાગમનો લાભ લેવા લાગ્યા. ગુજરાતના પ્રેમી હરિભક્તોના પ્રેમમાં શું કહેવાનું હોય!