૨૦૬ - કાળિંગું જમાડ્યું

0:000:00

એક વખત ધનજીભાઈની વાડીમાં બપોર પછી તેમનાં કુટુંબી એક બાઈ તથા પુત્ર લાલજીભાઈએ મોટું કાળિંગું સુધાર્યું તે બહુ પાકું ને રાતું નીકળ્યું, તે જોઈ રાજી થયા ને ઠાકોરજીને જમાડીને કહેવા લાગ્યા જે, ‘મહારાજ, હેતેથી જમ્યા હશે એવું કાળિંગું પાકું છે. બાપા વૃષપુરમાં છે, પણ જો આ ટાણે આંહી આવ્યા હોય તો કેવું જમાડવા થાય?’ ત્યાં તો વાડીની વંડીએથી પોતે બોલ્યા જે, ‘બચ્ચા! વાડીએ કોણ કોણ છો?’ સાદ સાંભળી લાલજીભાઈએ બહાર આવી જોયું તો આ અનાદિ મુક્તરાજ બાપાશ્રી ને સાથે ગોવિંદ ભક્ત. લાલજીભાઈએ તો હર્ષભર્યા તે કુટુંબી બાઈને કહ્યું જે, ‘આપણે હજી વાત કરતાં હતાં ત્યાં તો બાપા આવ્યા. ‘પછી આસન પાથરી બેસાર્યા ને તે ‘કાળિંગું ઠાકોરજીને જમાડ્યું છે.’ એમ કહી જમવા સારું આપ્યું. તેમાં અર્ધામાંથી પોતે તથા ગોવિંદ ભક્ત જમ્યા ને અર્ધું લાલજીભાઈને આપીને કહ્યું જે,’ ઘરમાં સૌને પ્રસાદી આપજો.’ એમ દિવ્યરૂપે તેમનો મનોરથ પૂરો કર્યો.