૪૫૦ - અક્ષરધામના ચાંદલા કર્યા

0:000:00

વળી થોડા દિવસ વીત્યા પછી મુક્તરાજ કેસરાભાઈને મંદવાડ સાંભળી ભૂજથી બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા સ્વામી ભક્તિપ્રિયદાસજી આદિ છ સંતો તેમને જોવા માટે દહીંસરે જવા નીકળ્યા. આ વાત અંતર્યામીપણે જાણી સભામાં બેઠેલા સંતોને બાપાશ્રી કહેવા લાગ્યા જે, ‘તમો! ચાલીને જઈ શકો એટલા સંતો કેસરાભાઈને જોવા દહીંસરે જાઓ. એમની સ્થિતિ બહુ મોટી છે ને દર્શન કર્યા જેવા છે. ભૂજથી સંતો આ ટાણે નીકળ્યા છે ને તમો અહીંથી જઈ આવો તો એ વધુ રાજી થાય –વાર ન કરો.’ એમ કહી ઉતાવળ કરાવી સંતોને તૈયાર કર્યા ને પોતે એ સહુને ભાલે કુંકુમના ચાંદલા કરતાં બોલ્યા જે, ‘તમે મોટા મુક્તને દર્શને જાઓ છો તે સારુ તમને અમે અક્ષરધામના ચાંદલા કરીએ છીએ.’ –એમ ઘણો રાજીપો જણાવ્યો. પછી સંતો ચાલ્યા ત્યારે પણ કહ્યું જે, ‘વહેલા પહોંચજો; માર્ગમાં ખોટી ન થજો.’ આવી ભલામણથી સંતો ઉતાવળા દહીંસરે પહોંચ્યા ને મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી મુક્તરાજ કેસરાભાઈ પાસે ગયા. ત્યાં તો પોતે સંતોને જોઈ હર્ષભર્યા બેઠા થઈ ગયા. પછી સંતોએ બાપાશ્રીની વતી ‘જય સ્વામિનારાયણ’ કહ્યા ને અમને ચાંદલા કરી અહીં મોકલ્યા વગેરે વાતો કરી. એ સાંભળી પોતે ગદગદ થઈ બોલ્યા જે, ‘અહો! બાપાશ્રીની મારા પર આવડી દયા!’ એમ કહી સૌને બાપાશ્રીની વતી ફરી વાર મળ્યા ત્યાં તો ભૂજના સંતો તથા બ્રહ્મચારી વગેરે આવ્યા એટલે એ બહુ જ રાજી થયા. પછી સહુએ મંદિરમાં આવી કથાવાર્તા કરી હરિભક્તોને રાજી રાજી કરી મૂક્યા ને બીજે દિવસે પાછા સંતો વૃષપુર આવ્યા ત્યારે બનેલ વાત કરી, તે સાંભળી બાપાશ્રી પણ સંતો પર ઘણા રાજી થયા.