૪૩૬ - હરિભક્તોને ભલામણ કરી

0:000:00

આ વખતે કણબી જ્ઞાતિમાં કોઈ પ્રકારનો વાંધો હતો, તેમાં બન્ને ઢોળ(વિભાગ)ને ત્રણ-ત્રણ હજાર કોરી કોર્ટને ભરવાની છે, એમ એકબીજામાં વાતો થતી હતી, અને એ જ રાત્રે એ નિમિત્તે સૌ ભેળા મળી ઉઘરાણું કરવાના હતા, પણ બાપાશ્રીએ સંતો આવવાથી ગામના મોટા મોટા હરિભક્તોને બોલાવી કહ્યું જે, ‘આપણે આ વ્યાવહારિક ઉઘરાણું આજે બંધ રાખી ઘનશ્યામ મહારાજની સેવા માટે સંતો ખરડો કરવા આવ્યા છે તે પ્રથમ કરીએ તો સારું.’ આવી આજ્ઞા થતાં હરિભક્તો જરા વિચારમાં પડી ગયા, ત્યારે બાપાશ્રી કહે, ‘આવા કામમાં વિચાર શું કરવો? ડડુસરવાળા ગલુજીની મા દેહ મૂકી ગયાં, એ વખતે ગામમાં શ્રીજીમહારાજ પધારે છે તેવા ખબર પડવાથી તેમની માને તેમણે ઘરમાં એક કોર મૂકી રાખ્યાં ને ઘર બંધ કરી સહુ ભેળા પોતે ગામમાં ફરી, ગાજતેવાજતે મહારાજને પધરાવ્યા પછી જ્યારે મહારાજે કહ્યું, ત્યારે માના દેહનો વિધિ કર્યો. આવી રીતે આજ આપણે વ્યવહારનું ઉઘરાણું પડ્યું મૂકીને આપણા ગામમાં તથા આપણા ઢોળનાં બધાંય ગામોમાં ઘનશ્યામ મહારાજની સેવા સૌ પ્રથમ કરે, એમ કરીએ તો સારું.’ આવી બાપાશ્રીની વાત સાંભળી મોટા મોટા હરિભક્તોએ રાજી થઈ હા પાડી; સૌને એ વાત જણાવી ને ભેળા મળી શ્રી ઘનશ્યામ મહારાજની પ્રસન્નતાને અર્થે સારી રીતે ખરડો કર્યો અને એવી જ રીતે સેવા કરવા બીજાં ગામોમાં ખબર મોકલાવ્યા.