૬૦૬ - પાયાનું મુહૂર્ત તથા પ્રસન્નતા

0:000:00

આ વખતે નારાયણપુરમાં ધનજીભાઈ બાપાશ્રીની આજ્ઞા લઈ નવાં ઘર ચણાવતા હતા. તેથી તેના પાયાનું મુહૂર્ત ક્યારે કરવું? – એમ તેમણે પૂછ્યું. ત્યારે બાપાશ્રી કહે કે, ‘કાલે મુહૂર્ત બહુ સારું છે; માટે સવારના સાત વાગ્યે એટલે મુહૂર્ત કરજો.’ ત્યારે ધનજીભાઈએ પ્રાર્થના કરી જે, ‘બાપા! એ મુહૂર્ત તો તમે આવીને કરો તો ઠીક.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે! મને ગાડી તેડવા મૂકજો, હું આવીશ.’ પછી બીજે દિવસ અંધારામાં નારાયણપુરથી ગાડી તેડવા આવી એટલે પોતે વહેલા નાહી, પૂજા કરી છ વાગ્યામાં તો નારાયણપુર પહોંચ્યા, તેથી ઘરમાં નાનામોટા સહુ રાજી થયા; ત્યાં ધનજીભાઈએ પાયો ખોદાવી તૈયારી કરાવી રાખેલ અને બ્રાહ્મણને કહ્યું હતું તેથી તે પણ ટાણે આવી પહોંચતાં એ મુહૂર્ત કરવા સારુ બાપાશ્રી પાયામાં ઊતરવા મંડ્યા, પણ ફાવશે નહિ એમ જાણી ચાર હરિભક્તોએ આગળપાછળ ઝાલી હળવે હળવે ઉતાર્યા; પછી દૂધ, દહીં, ઘી, સોપારી, હળદર, ચોખા તથા આંબાનાં પાન અને લક્ષ્મી આદિથી પોતાના હાથે મુહૂર્ત કર્યું. એ ટાણે બ્રાહ્મણ બાપાશ્રી સામું જોઈ મંત્રો બોલે ને ઘડી ઘડી દર્શન કરે. તેમ કરતાં થોડી વારે એ વિધિ થઈ રહ્યો, એટલે જેવી રીતે પાયામાં ઊતર્યા હતા તેમ ચાર હરિભક્તો પાછા હાથ ઝાલી બહાર લાવ્યા. પછી બ્રાહ્મણને દક્ષિણા આપતાં બાપાશ્રીએ મર્મવચનો કહ્યાં જે, ‘ મહારાજ! તમારે આ જોગ બહુ ભારે આવી ગયો, આવા ઠેકાણે જરા હાથ જોડી ‘જય સ્વામિનારાયણ’ થાય, એટલામાં તો કાંઈનાં કાંઈ કામ થઈ જાય; તમે તો મહારાજને તથા આવા સંત-હરિભક્તોને ઓળખો છો, તેથી તમારાં અહોભાગ્ય છે.’ એમ કહીને પછી જે આવે તેને ગોળની પ્રસાદી આપતાં એ વખતે બે મણ ગોળ વહેંચ્યો. એમ એ મુહૂર્તનું કાર્ય સંપૂર્ણ કર્યું.

પછી ધનજીભાઈ સાથે ઘેર આવી ઠાકોરજીને જમાડી, તેમના ઘરની મેડી માથે સૂતા. તે થોડી વારે જાગ્યા ત્યારે નાહવાનો વિચાર કરી તેમની વાડીએ હરિભક્તોએ સહિત ગયા, ત્યાં આંબાના વૃક્ષની નીચે હવા ઠીક આવતી હોવાથી થોડી વાર ખાટલા પર બેસી હરિભક્તોને મહારાજના પ્રતાપની વાતો કરી; પછી ત્યાંથી જ્યાં સીલોર વાવ છે ત્યાં ગયા ને વસ્ત્રો ઉતારી પોતે માંહી નાહવા ઊતર્યા, ત્યારે ઘણા હરિભક્તોએ સાથે નાહવાની ઇચ્છા કરી તે પણ વાવમાં ઊતર્યા. તે વખતે પોતે વાવમાં નાહતા ને કીર્તન બોલાવતા સૌ પર જળ ઉછાળી હરિભક્તોને જળમાં મળ્યા ને વાત કરી જે, ‘આપણે નાહીએ ત્યારે મહારાજ તથા અનંત મુક્ત ભેળા નહાય છે એવો ભાવ રાખી નાહવું, તો બહુ કામ થાય ને મળવું ત્યારે પણ એવો જ ભાવ રાખવો.’ એમ કહી સૌને રાજી કરી બહાર આવ્યા ને વસ્ત્રો બદલી વૃક્ષના છાંયે બેસી માનસીપૂજા કરી, ત્યારે ધનજીભાઈના પુત્રોએ બાપાશ્રીને હાર પહેરાવ્યા ને પોપૈયાં સુધારી મહારાજને જમાડી બાપાશ્રીના હાથે સહુને પ્રસાદી વહેંચાવી. એમ ધનજીભાઈ તથા તેમના કુટુંબને રાજી કરી બાપાશ્રી વૃષપુર પધાર્યા.

ત્યાર પછી ધનજીભાઈની જગ્યાનું કામ ચાલતું થયું ત્યારે પોતે પાંચઆઠ દિવસે પોતાની મેળાએ જઈને દર્શન આપતા ને કહેતા જે, ‘આ અમારું ઘર ચણાય છે તે અમે નજર રાખીએ છીએ.’ આવાં વચનોથી ધનજીભાઈ તથા તેમના પુત્ર-પરિવાર સહુ રાજી થતા. એ રીતે જગ્યાનું બારસાખ મૂક્યું, ત્યારે પણ પોતે નારાયણપુર જઈ તે બારસાખને હાથ અડાડી ગોળ-સાકરની પ્રસાદી પોતાને હાથે સૌને વહેંચી હતી. આમ જ્યારે જ્યારે બાપાશ્રી નારાયણપુર પધારે ત્યારે ત્યારે તેમના ઘેર થાળ જમાડે અને હરિભક્તો દર્શન કરવા આવે તેને વાડીમાંથી પોપૈયાં, શેરડી, કેરીઓ કે તરબૂચ આદિ હોય તે મગાવી પ્રસાદીઓ વહેંચે, છોકરાંઓને હેતે સહિત બોલાવે, માથે હાથ મૂકે; વળી ધનજીભાઈનાં પત્ની કેસરબાઈને પૂછે જે, ‘આ લાલજી તથા હરજીની વહુઓ તમારા કહ્યામાં છે કે નહિ? તેમને સત્સંગ બરાબર રખાવજો.’ ત્યારે તે જેમ હોય તેમ કહે. આમ ઘરમાં નાનામોટા સર્વે દિવ્યભાવે મહિમા જાણતા હોવાથી બાપાશ્રી રાજી થઈ ઘણી વાર એમ બોલતા જે, ‘આ ઘર અમે અમારું માન્યું છે. જેવા જાદવજીભાઈ હતા તેવા જ આ ધનજી ને ત્રણેય છોકરા મહિમાવાળા છે. સત્સંગની સેવામાં પણ એવા ને એવા. મારી સેવા તો એમણે બહુ જ કરી છે.’ આ રીતે પોતે નારાયણપુર જતા-આવતા અને ધનજીભાઈના સહકુટુંબ પર પ્રસન્નતા જણાવતા. થોડા દિવસ મંદવાડની વાત જાણે વિસારી મૂકી હોય તેમ શરીરે ઠીક જણાવા માંડ્યું તેથી પુરાણી કેશવપ્રિયદાસજી આદિ બાપાશ્રીની રજા લઈ ભૂજ ગયા.