૩૮૭ - હજૂરી સેવકનાં હેત અને દિવ્ય સેવા

0:000:00

ત્યાર પછી થોડા દિવસ થયા ત્યાં લૂણાવાડાના મહાસુખરામભાઈ તથા કણભાવાળા બાપાશ્રીના અનન્ય સેવક આશાભાઈ, એ બેય બાપાશ્રીનાં દર્શન કરવા વૃષપુર આવ્યા, પણ રાત્રે મોડા પહોંચ્યા હોવાથી ઠાકોરજી પોઢી ગયા હતા ત્યાં દર્શન કરી સભામાં બેઠેલા હરિભક્તોને મળ્યા; પછી બાપાશ્રી ઓરડીમાં પોઢ્યા હતા ત્યાં દર્શન કરવા ગયા. એ વખતે બાપાશ્રીને ગળામાં દુઃખાવો જણાતો હોવાથી, બે હરિભક્તો બહારના ભાગમાં કાંઈક ઔષધ ચોળતા હતા ને બાપાશ્રીના નાના પુત્ર મનજીભાઈ પડખે બેસી વાયરો નાખતા હતા. આવું જોઈ આ બન્નેનું હૃદય ભરાઈ આવ્યું ને દંડવત્ કરી ‘જય સ્વામિનારાયણ’ કર્યા, પણ બાપાશ્રી કાંઈ બોલ્યા નહિ, તેથી આશાભાઈએ તો રોવા જ માંડ્યું. તે જોઈ મનજીભાઈ કહે, ‘ભાઈ! રોશો નહિ. બાપાશ્રીને જરા ગરમીને લીધે ગળામાં દુઃખે છે તેથી બોલતા નથી, માટે દિલગીર ન થાઓ, નહિ તો એમને સારું નહિ લાગે.’ આવાં વચનથી તેમને કંઈક ધીરજ આવી. પછી આશાભાઈ તેમના હાથમાંથી પંખો લઈ બાપાશ્રીને વાયરો નાખવા લાગ્યા. થોડી વારે બાપાશ્રીએ તે બન્ને સામું જોઈ માથે હાથ મૂક્યા ને પ્રસન્નતા જણાવી કહ્યું જે, ‘આશાભાઈ! તમે આવ્યા?’ ત્યારે તે કહે, ‘હા, બાપા!’ પછી તો એ કહેવા લાગ્યા જે, ‘બાપા! આપ બોલતા કેમ નથી?’ તે સાંભળી પોતે તેમને ધીરે ધીરે કહેવા લાગ્યા જે, ‘મને જરા ગરમી જણાય છે, પણ કેટલાક એમ કહે છે કે, તમને ગળામાં કોયલી થઈ હશે.’ પછી આશાભાઈ કહે, ‘બાપા! કાંઈક ઠંડક કરી હોય તો સારું!’ ત્યારે પોતે કહ્યું જે, ‘મને પણ એમ જણાય છે.’ આ રીતે બાપાશ્રીની મરજી લઈ તેમણે બીજે દિવસ વાટકો ભરી સુખડ ઉતારી ગળા ઉપર, છાતીયે, કપાળે, પેટે ને માથે તથા પગને તળીએ સારી રીતે ચોપડી થથેડા કર્યા; પછી પંખેથી વાયરો નાખવા મંડ્યા. હજી આ સુખડ ચોપડ્યાને માંડ એક કલાક થયો હશે ત્યાં તો પોતે પ્રસન્નતા જણાવી કહેવા લાગ્યા જે, ‘આશાભાઈ! મને તો જાણે ગરમી સાવ મટી ગઈ; હવે રાખો.’ એમ કહી પોઢી ગયા. આ રીતે સુખડનું નિમિત્ત કરી ગળાનો દુઃખાવો તરત જ મટાડી દીધો. પછી તો એક મહિના સુધી રોજ બપોરના બાપાશ્રી વાડીએ જઈને સૂતા ને સેવક આશાભાઈ તથા મહાસુખરામભાઈ પાસે સુખડ ચોપડાવતા. પછી તે બન્ને પર પ્રસન્નતા જણાવી તેમને ઘણા દિવસ પોતાની સેવાનો તથા કથાવાર્તાનો લાભ આપી દેશમાં જવાની રજા આપી.