૪૬૬ - રામપુરમાં વચનામૃતની પારાયણ

0:000:00

ત્યાર પછી સંવત ૧૯૭૭ના મહા મહિનામાં મુક્તરાજ ધનબાએ ફરી વાર વચનામૃતની પારાયણ બેસારવાનો સંકલ્પ કરી ભૂજથી સાધુઓને તેડાવ્યા. તેમને શરીરે વૃદ્ધાવસ્થાને લીધે ઠીક રહેતું નહિ, તેથી પોતાને વારે વારે એવા સંકલ્પ થયા કરે જે, ‘આવાં કાંઈ નિમિત્ત હોય તો ભાઈશ્રી તથા સંત-હરિભક્તો આવી, કથાવાર્તા કરે ને ઠાકોરજીને જમાડે.’ પોતે પ્રથમ દેવરાજભાઈ ભેળું બાપાશ્રીને કહેવરાવ્યું હતું જે, ‘તમારે પારાયણમાં પધારવું જોશે.’ પણ બાપાશ્રીને તે વખતે ઢીંચણમાં વા જણાતો હતો, એટલે બહુ ઊઠવા-બેસવાનું કે જવા-આવવાનું ફાવતું નહિ, તેથી એ વખતે તેમને એમ કહ્યું હતું જે, ‘ભલે તમે કથા કરો. મને ઠીક હશે તો આવીશ, પણ આવું ને આવું હશે તો નહિ અવાય.’ આથી મુક્તરાજ ધનબાએ કથાને થોડા દિવસ રહ્યા ત્યારે કહાવી મોકલ્યું જે, ‘તમે કથામાં જરૂર પધારજો. ભૂજથી સંતો પણ આવી ગયા છે.’ ધનબાએ ત્રણચાર દિવસ વાટ જોઈ, પણ બાપાશ્રી ન પધારતાં પોતાને એમ થયું જે, ‘દેવરાજભાઈને તેડવા મોકલ્યા હોય તો આવે.’ એમ જાણી ગાડું લઈ તેમને વૃષપુર મોકલ્યા. જ્યારે એમણે વૃષપુરમાં આવી દર્શન કર્યાં કે બાપાશ્રીએ પૂછ્યું, ‘દેવરાજભાઈ! કથા ચાલતી થઈ?’ ત્યારે તે કહે, ‘બાપા! હું તમને તેડવા આવ્યો છું ને સહુ તમારી વાટ જોઈને બેઠા છે, માટે તમે ત્યાં પધારો એટલે કથા ચાલતી થાય, હજી બે દિવસની વાર છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘દેવરાજભાઈ! મારું શરીર ખમે તેવું નથી. જો ઠીક થઈ રહેશે તો વચમાં આવી જઈશ; હમણાં તમે જાઓ.’ આમ કહી દેવરાજભાઈને પાછા રામપુર મોકલ્યા.

મુક્તરાજ ધનબાએ આ સમાચાર સાંભળ્યા કે, તુરત શરીરમાં મંદવાડ આવી ગયો ને સાવ ઉદાસ થઈ ગયાં. આ વાતની બાપાશ્રીને વૃષપુરમાં ખબર પડી, તેથી પોતે જવાનો વિચાર કર્યો, પણ અસલાલીવાળાં સાંખ્યયોગી બાઈ કંકુબા જેમની સ્થિતિ બહુ મોટી હતી તે એ વખતે વૃષપુરમાં હતાં ને તેમને પણ થોડા દિવસ થયા મંદવાડ રહ્યા કરતો, તેથી બાપાશ્રીએ તેમને બોલાવીને કહ્યું કે, ‘રામપુરમાં કથા થાય છે ત્યાં તેડી જવા મને બે તેડાં આવ્યાં, તેથી મારે ત્યાં જવું પડશે. તમારે કેમ કરવું છે?’ ત્યારે તે કહે, ‘બાપા! મને પણ ધનબાએ કહેવરાવ્યું છે કે, ગમે તેમ કરીને તમે બે રાત આવી જજો, તેથી મારે પણ રામપુર જવું છે. મંદવાડને લઈને શરીરમાં કાંઈ રહ્યું નથી તોય મનમાં એમ થાય છે જે એવા મોટા મુક્તનાં દર્શન થઈ જાય તો ઠીક!’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમને ઠીક હોય તો આવજો, નહિ તો અહીં બેઠા મહારાજને સંભાર્યા કરજો. આવા શરીરે તો હવે દેશમાં જવાનું કરો તો સારું,’ -એમ કહી બાપાશ્રી ગાડી જોડાવી રામપુર આવ્યા.

પોતાની સાથે બે સેવક હતા તેમની ડોકે હાથ રાખી ચાલતા, બાપાશ્રીએ હળવા-હળવા મંદિરમાં આવીને ઠાકોરજીના દર્શન કર્યા ત્યાં તો દેવરાજભાઈને ખબર પડી, એટલે એ ઉતાવળા મુક્તરાજ ધનબા પાસે ગયા ને કહ્યું જે, ‘મા! મંદિરમાં બાપાશ્રી આવ્યા છે. તેમને તેડીને હમણાં હું તમારી પાસે લાવું છું.’ તે દિવસ ધનબાને શરીરે હજી તાવ જેવું હતું. પણ બાપાશ્રી આવ્યાના સમાચારથી બેઠાં થઈ ઓશરીમાં આવ્યાં ને તેમનાં સેવક કાનબા પાસે ઠાકોરજીના પ્રસાદીહાર મગાવી પોતાની પાસે રાખ્યા. થોડી વાર થઈ ત્યાં તો સંતોનાં દર્શન કરી બાપાશ્રી તથા દેવરાજભાઈ ધીરે ધીરે તેમની પાસે આવ્યા. એ જોઈ પોતે બેઠા બેઠા ‘જય સ્વામિનારાયણ ભાઈ! જય સ્વામિનારાયણ’ એમ કહેતા પગે લાગવા મંડ્યા, ને આંખોમાં પ્રેમનાં આંસુ આવ્યાં. બાપાશ્રી પણ તેમને ‘જય સ્વામિનારાયણ’ કરી પાસે બેઠા એટલે ધનબાએ દેવરાજભાઈને હાર આપી પહેરાવવા કહ્યું ને બોલ્યાં જે, ‘આમ ચાલતાં ચાલતાં તમને આટલો વા નડતો હશે એવી તો મને ખબર જ નહિ. આ ફેરે મને એમ તો થતું હતું જે, બીજી વાર દેવરાજભાઈને તેડવા મોકલ્યા છે, પણ જો ભાઈ કચવાશે તો મહારાજ રાજી નહિ થાય. શરીરમાં સાવ આમ હશે એવી મને શું ખબર!’

આવાં વચન સાંભળી બાપાશ્રી કહે, ‘મને હમણાં વા નડે છે તે ક્યાંય જવા-આવવાનું મન જ થતું નથી.’ વળી ગુજરાતમાંથી અસલાલીવાળાં કંકુબા આ દેશમાં આવ્યાં છે, તે વૃષપુરમાં માંદા થઈ ગયા છે, હજુ એ તો પાછળથી આવશે. ગામમાં એવાં મોટાં માંદાં હોય ને મૂકીને કેમ અવાય! એ બાઈ મહિમાવાળાં બહુ છે. ગુજરાતમાં એમણે સત્સંગ સારો વધાર્યો છે. હમણાં છપૈયે મૂર્તિપ્રતિષ્ઠા વખતે અહીંથી કચ્છનો સંઘ ગયો હતો, ત્યારે વળતાં એમણે જેતલપુરમાં છત્રી કરાવેલ, તેમાં ચરણારવિંદ પધરાવ્યા તથા પારાયણ કરાવી હતી. તેમનાં સેવક મોંઘીબાઈ છે તે પણ ખરેખરાં મુક્ત છે. મહારાજે બાઈઓમાં એવાં મોટાં રાખ્યાં છે, તેથી સહુ ભગવાન ભજે છે. તમારી આવડી અવસ્થા છે તોય તમો બેઠાં કચ્છમાં કેવી સૌને સુખશાંતિ છે?’

ત્યારે ધનબા કહે, ‘ભાઈ! તમે ઊઠીને અમારાં એવડાં વખાણ કરો તે કાંઈ શોભે! તમે સૌને મહારાજના સુખમાં લઈ જવા આવ્યા છો, તેથી મોટા મોટા સાધુ તમ કેડે ફરે છે ને મહારાજનાં સુખ ભોગવે છે, તેમ મને પણ તમારી નજરમાં રાખજો. શ્રીજીમહારાજે એટલા સારું તમને મૂક્યા છે’ એમ વાત કરતા હતા ત્યાં બાપાશ્રી ઊઠવા માંડ્યા. ત્યારે ધનબા કહે, ‘ભાઈ! જરા વાર બેસો, મારે તમને થોડુંક કહેવું છે કે, ઠાકોરજીના થાળ અહીં સાંખ્યયોગી બાઈઓ કરશે તે બે ટાણાં તમે ઠાકોરજીને જમાડી જજો.’ એટલા સારું ઉતારો પડખે જ રાખ્યો છે, અને તમથી ઝાઝી વાર સભામાં બેઠું ન રહેવાય તો આસને સૂતા રહેજો. તમારાં તો સવાર-સાંજ સૌને દર્શન થાય તોય ઘણું છે. બે હરિભક્ત પડખે હોય ત્યારે ચલાય છે એવી મને શું ખબર પડે! નહિ તો હું દેવરાજભાઈને બીજી વાર તેડવા મૂકત નહિ. હશે! આવ્યા તેમાં કેટલાયનાં મોક્ષ થશે એમ એ કહેતાં હતાં ને બાપાશ્રી તો ‘જય સ્વામિનારાયણ’ કરી ધીરે ધીરે પાછા મંદિરમાં આવી સભામાં બેઠા. મહા વદ સાતમથી સાત દિવસની કથા બેસવાની હતી, તેથી સંત-હરિભક્તોએ બધી તૈયારી કરી રાખી હતી. બાપાશ્રી તો થોડી વાર સભામાં બેઠા પછી આસને આવીને સૂતા. પોતે ગાડામાં બેસી આવેલા, તેથી શરીરમાં થાક જણાતો હોવાથી હરિભક્તો સેવા કરવા લાગ્યા ને પોતે જે કોઈ દર્શન કરવા આવે તેને ‘જય સ્વામિનારાયણ’ કરતા ને સમાચાર પૂછતા. તે દિવસ તો સાંજે કાંઈ જમ્યા પણ નહિ.

બીજે દિવસ પારાયણ બેસવાની હતી, તેથી સવારમાં દેવરાજભાઈએ ચંદન-કુંકુમ ને પુષ્પહારથી પૂજાવિધિ કરી આરતી ઉતારી, એટલે કથા ચાલતી થઈ. થોડી વારે બાપાશ્રી નિત્યવિધિ કરી સભામાં આવ્યા, ત્યારે પુસ્તક તથા પુરાણીની પૂજા કરી આસને બેઠા તે જોઈ સંત-હરિભક્તો રાજી રાજી થઈ ગયા. ને જાણ્યું જે, વાને લીધે ઊઠવા-બેસવામાં ઘણી તાણ પડે છે તોય બાપાશ્રી દયા કરીને પધાર્યા છે તેથી સહુને ઘણો લાભ થશે. પછી સવારની કથા વંચાઈ રહી ત્યારે સંતો કીર્તન બોલ્યા ને પ્રસાદી વહેંચાણી એટલે તુરત હરિભક્તોને જમવાનો સાદ થયો. સંતોએ પણ રસોઈ તૈયાર કરી રાખેલ તે ઠાકોરજીને જમાડી પંક્તિ કરી. વળી બપોરના સંતો નાહી આવ્યા કે કથા ચાલતી થઈ ત્યારે પણ સમાપ્તિ પછી હરિભક્તોને જમવાનું થયું. રાત્રે સંતો કથાવાર્તા કરતા હોવાથી હરિભક્તોને તો બ્રહ્મયજ્ઞ સાથે સેવા-સમાગમનો લાભ મળતાં આનંદ આનંદ થઈ રહ્યો.

બીજે દિવસ વૃષપુરથી મુક્તરાજ કંકુબા, તેમનાં સેવક બાઈઓ સાથે આવ્યાં, તેમને શરીરે મંદવાડ હોવાથી સેવા-સરભરા કે કાંઈ કામકાજ માટે બાપાશ્રીએ સેવક આશાભાઈને ભલામણ કરી, તેથી એ તેમને કાંઈ જોઈતું હોય તે લાવી આપતા ને વારે વારે ખબર પૂછતા. બાપાશ્રીને આ વખતે ‘વા’ જણાતાં પોતે તો આસને જ ઘણી વાર સૂતા હોય, સભામાં વહેલામોડા આવે, કોઈ વાર બેસતાં ન ફાવે તો ઊઠીને મંદિરમાં ઠાકોરજી પાસે ઓઠીંગણ રાખી આડે પડખે થાય ને ક્યારેક ઓશરીમાં ગોદડું પથરાવી સૂવે. સભામાં રોજ સવાર-સાંજ પારાયણ વંચાઈ રહે ત્યાર પછી હરિભક્તોને જમાડવાનું થાય. બપોરે સંતો વાડીઓમાં નાહવા જાય ત્યારે જતાં-વળતાં ગામના નાનામોટા હરિભક્તો દર્શન કરે. આ રીતે કથાયજ્ઞ ચાલતો હતો.

વચમાં એકાદશીનો દિવસ આવ્યો ત્યારે હરિભક્તો ગંગાજીએ નાહવા જવાના હતા, તેથી સંતોએ બાપાશ્રીને પૂછ્યું જે, ‘આપ ગાડામાં બેસીને ગંગાજીએ આવી શકશો?’ ત્યારે બાપાશ્રી કહે, ‘આ ફેરે હું તમારા ભેગો દિવ્ય દેહે ગંગામાં નાહીશ, પણ આ દેહે તાણ કર્યા જેવું નથી. ગંગાજીએ જતાં ચડવા-ઊતરવાનું ઘણું છે તે મારાથી નહિ પહોંચાય. હું તો અહીં આસને સૂતો સૂતો મૂર્તિના સુખરૂપ ગંગામાં નાહી લઈશ.’ એમ બોલ્યા તેથી સંતોએ તાણ ન કરી ને મૂર્તિ સંભારી સહુ નાહી આવ્યા.

બાપાશ્રીને ઠાકોરજી જમાડવાનું સાંજ-સવાર સાંખ્યયોગી બાઈઓના ઉતારે હતું, પણ ત્યાં જવા-આવવાની તાણ પડતી હોવાથી કેટલીક વાર બાઈઓ ઉતારે આવી થાળ મૂકી જાય ત્યારે પોતે ત્યાં જ જમાડી લેતા. બાપાશ્રીનો ઉતારો બહારના ભાગમાં હતો એટલે સંત-હરિભક્તો જતાં-વળતાં જઈ શકે એવું હોવાથી ત્યાં પણ સભા ભરી ને ભરી જ રહેતી. ગામના હરિભક્તો સવાર-સાંજ ચંદન ચર્ચી હાર પહેરાવી જાય, કોઈ નાના બાળકને વર્તમાન ધરાવવા લાવે તો કોઈ માંદા-સાજા હોય તે માટે પ્રસાદીનું પાણી લઈ જાય. એમ જે રીતે સૌને સુખ થાય તે રીતે બાપાશ્રી કરતા, પણ આ વખતે પોતાથી બહુ હરવા-ફરવાનું બની શકતું નહિ.

એમ કરતાં સમાપ્તિનો દિવસ આવ્યો તેની આગલી રાત્રે બહુ જ ધામધૂમથી ગાજતેવાજતે ગામમાં ઠાકોરજીનું ફુલેકુ ફર્યું. એ વખતે આગળપાછળ ચાલનારા હરિભક્તો ગુલાલથી ગરકાવ થયેલા ને મંડળીઓમાં કીર્તનની ઝીક વાગે. એ રીતે ગામમાં ફરતા ફરતા જ્યાં બાપાશ્રીનો ઉતારો હતો ત્યાં સહુ આવ્યા ત્યારે બાપાશ્રી ઊઠીને મહારાજનાં દર્શન કરવા બહાર આવ્યા, ત્યાં એક હરિભક્તે પ્રેમમાં ને પ્રેમમાં તેમના પર બે-ત્રણ મુઠ્ઠી ગુલાલની નાખી, તેથી પાઘડી, કેડિયું ને મુખ સર્વે ગુલાલમય થઈ જતાં હરિભક્તો સહુ આનંદ પામ્યા. બાપાશ્રી પણ હસતા હસતા બોલ્યા જે, ‘તમે આ ઠીક સંભારણું કર્યું.’ પછી ગાજતેવાજતે હરિભક્તો આગળ ગયા ને બાપાશ્રી આસનમાં આવીને સૂતા, પણ મુખ ને વસ્ત્રો એમ ને એમ લાલ જણાતાં હોવાથી નાનામોટા સહુ દર્શન કરે ને રાજી થાય. પછી ઘણી વારે હરિભક્તોએ મુખ પરનો ગુલાલ લૂઈ લીધો.

બીજે દિવસ સવારમાં વહેલી સમાપ્તિ થઈ ત્યારે મુક્તરાજ ધનબાએ દેવરાજભાઈ પાસે પારાયણની પૂજા કરાવી આરતી ઉતરાવી. સંતોને વસ્ત્રો ઓઢાડવાની ભલામણ કરી. પછી જ્યારે હરિભક્તોની પંક્તિઓ થઈ ત્યારે બાપાશ્રી પંક્તિઓમાં સહુને દર્શન દેવા ફર્યા. તે ટાણે પોતે સૌને એમ કહેતા આવે જે, ’ખૂબ જમજો. તમારા ગામમાં આવા મોટા બેઠા છે, તે તમને વારે વારે આમ જમાડી-રમાડી સુખિયા કરે છે; આ બધુંય સંભાર્યા જેવું છે.’