૨૯૧ - હરિભક્તો પર કૃપાદૃષ્ટિ

0:000:00

ત્યાર પછી સંવત ૧૯૬૮ના કાર્તિક માસમાં ઝાલાવાડ દેશના ગામ માલણીઆદમાંથી મુક્તરાજ ચતુરભાઈ તથા વેલસીભાઈ, જેઠાલાલભાઈ, લક્ષ્મીચંદભાઈ, ઠક્કર ભૂદરભાઈ આદિ પાંચ હરિભક્તો અનાદિ મુક્તરાજ બાપાશ્રીનાં દર્શન કરવા પગરસ્તે ચાલીને જતા હતા. વચમાં ગામ મોરબીમાં રાત રહ્યા, ત્યાં રાત્રે સ્વપ્નમાં લક્ષ્મીચંદભાઈને બાપાશ્રીનાં અલૌકિક દર્શન થયાં, તેથી સૌ આનંદ પામતા ખારી રોડ થઈ અંજાર ગયા ને ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી, રાતોરાત ચાલ્યા, તે સવારે ભૂજના મંદિરમાં પહોંચ્યા, એ વખતે બાપાશ્રી ત્યાં જ હોવાથી સહુ અત્યંત રાજી થયા ને ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રી પાસે જઈ દંડવત્ કરવા લાગ્યા; ત્યારે બાપાશ્રીએ હેતે સહિત બોલાવ્યા ને ઊભા થઈ સહુને મળ્યા. પછી ચતુરભાઈને કહેવા લાગ્યા જે, ‘તમે ઠીક આવી પહોંચ્યા, અમે તમને સંભાર્યા હતા;’ ત્યારે ચતુરભાઈ કહે, ‘બાપા! આપ અમને ન સંભારો ત્યારે બીજું કોણ સંભારે!’ પછી માર્ગના સમાચાર પૂછતાં ચાલીને આવ્યાનું કહ્યું, તેથી અત્યંત પ્રસન્નતા જણાવી આશીર્વાદ આપ્યા કે, ‘તમે અમારા સારુ આવા દાખડા કરો છો, તે અમે જાણીએ છીએ, અમે પણ અહીં બેઠે તમારું સર્વેનું કામ પૂરું કરી દીધું, હવે તમે અહીં બે દિવસ રહીને આટલામાં પંચતીર્થી કરી, પછી વૃષપુર આવજો,’ –એમ આજ્ઞા કરી પોતે વૃષપુર પધાર્યા.

પછી એ હરિભક્તો ભૂજમાં બે દિવસ રહી સુખપુરમાં ગયા ને ત્યાં મહારાજ તથા મુક્તરાજ દેવજીભાઈનાં દર્શન કર્યાં, ત્યાંથી માનકૂવે દર્શન કરી, પ્રસાદી-જળમાં નાહી રામપુર ઠાકોરજીનાં તથા ધનબાનાં દર્શન કરી ગંગા-યમુનામાં નાહ્યા. ત્યાંથી દહીંસરામાં મુક્તરાજ કેસરાભાઈનાં દર્શન કર્યાં, ત્યારે તેમણે તો બાપાશ્રીનો મહિમા બહુ કહ્યો ને ભલામણ કરી જે, ‘તમે એટલે બધે છેટેથી ચાલીને આવ્યા છો, તો પાંચ દિવસ વધુ ખમીને બાપાશ્રીનો જોગ-સમાગમ ને સેવા કરી તેમને રાજી કરજો; સત્સંગમાં એમના જેવા અત્યારે બીજા કોઈ નથી.’ આવાં મહિમાવચનથી હરિભક્તો ઘણા રાજી થયા.

આ રીતે પંચતીર્થી કરી સૌ વૃષપુર ગયા ને ઠાકોરજીનાં દર્શન કર્યાં. પછી બાપાશ્રી મંદિરની ઓરડીમાં બેઠા હતા, ત્યાં જઈ સૌએ દંડવત્ કર્યાં, ત્યારે પોતે હેત જણાવી મળ્યા ને ઉતારા કરાવી ઠાકોરજીને જમાડવાનું કરાવ્યું. પછી પોતાની આજ્ઞાથી આ હરિભક્તો ગામડામાં થઈને આવેલા હોવાથી તેમને પોતે વારે વારે સમાચાર પૂછે, વાતો કરે, બોલાવે, મળે, એમ બહુ પ્રકારે રાજીપો જણાવતા હોવાથી એ સર્વે ઘણા રાજી થતા. વળી રોજ સવાર-સાંજ ચતુરભાઈ પાસે વચનામૃતની કથા કરાવી, પોતે વાતો કરતા, બપોરે હરિભક્તો વાડીએ જાય, ત્યારે પોતે ખાટલા પર ઉઘાડા શરીરે બેઠા હોય કે વાડીમાં આંટો દેવા જાય ત્યાં પણ આ હરિભક્તોને ભેળા રાખી મહારાજ તથા મોટાના મહિમાની વાતો કરે.