૭૮ - સદ્ગુરુ સ્વામીશ્રી અક્ષરજીવનદાસજીનું ટૂંક વૃત્તાંત
આ વખતે બહારગામથી એક હરિભક્ત ભાઈશ્રીનાં દર્શન કરવા આઠેક દિવસ થયા વૃષપુરમાં આવેલ; તેને સદ્ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામીની સમજણ, સ્થિતિ તથા ત્યાગ-વૈરાગ્યની છટા જોઈ બહુ જ દિવ્યભાવ આવ્યો. સ્વામીશ્રી ભૂજ ગયા પછી એક દિવસ વાડીએ ભાઈશ્રી પાસે તે ગયેલ, ત્યાં બીજા પણ ત્રણચાર હરિભક્ત બેઠા હતા, ત્યારે આ હરિભક્તે પૂછ્યું, ‘ભાઈ! આ સ્વામી અક્ષરજીવનદાસજી પૂર્વાશ્રમમાં ક્યા દેશના અને કઈ નાતે હતા?’ ત્યારે ભાઈશ્રી તેને વિસ્તારીને વાત કરવા લાગ્યા જે, ‘એ કચ્છના રામપુર ગામમાં રહેતા ને તે અમારી જ્ઞાતિના જ હતા, તેમનું નામ શામજી હતું ને તેમની માતાનું નામ અમરબાઈ તથા પિતાનું નામ મેઘજીભાઈ હતું. શામજીભાઈને બીજા ચાર ભાઈ હતા, પણ એમને પ્રથમથી જ વૈરાગ્ય હતો એટલે ઘરમાંથી જતા રહેવાનો વિચાર ઘણોય કરે, પણ કાંઈ સૂજ ન પડે. પછી એક દિવસ તેમની માને કહે, ‘મા, આપણે કમાણીમાં ધર્માદો કાઢીએ છીએ, પણ દીકરાનો ધર્માદો કાઢો ને?’ આ વચનથી તેમની મા સમજી ગયાં કે, આને હવે ઘેર રહેવું ગમતું નથી, તેથી આમ કહે છે. પછી તેમની મા કહે, ‘શામજી! આપણે બીજા ભાઈને મૂકશું.’ પછી તે મનમાં ને મનમાં વિચારી રહ્યા જે, આ વાતમાં કાંઈ વળ્યું નહિ. પછી તો શ્રીજીમહારાજને પ્રાર્થના કરવા લાગ્યા. તેથી તેમના પિતા મેઘજીભાઈને મહારાજે દર્શન આપ્યાં ને કહ્યું જે, ‘તમારા શામજીનું અમારે અક્ષરધામમાં કામ પડ્યું છે, તે દેહ મુકાવીને તેડી જઈએ કે એમ ને એમ તેડી જઈએ?’ માબાપનો જીવ તે દેહ મુકાવીને તેડી જાઓ, એમ ન કહી શક્યાં ને કહ્યું, ‘મહારાજ! એમ ને એમ ભલે તેડી જાઓ.’ પછી એવાં જ દર્શન મહારાજે આ શામજીભાઈને આપ્યાં ને કહ્યું જે, તમારા બાપની રજા લઈ લીધી છે, માટે તમે હવે સત્સંગમાં આવતા રહેજો.’ આવાં વચનથી પોતાને હર્ષનો પાર રહ્યો નહિ. બીજા દિવસે તેમના પિતા ભાત લઈને ખેતર ગયા, ત્યારે શામજીભાઈ કહે, ‘તમને મહારાજ શું કહી ગયા છે?’ તુરત મેઘજીભાઈ સમજી ગયા ને પોતાને દર્શન થયેલાં તે હકીકત કહી; પછી પોતે ઘેર આવી પૂજા લઈ એક હરિભક્ત સાથે ભૂજ આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરી ત્યાં મોટાં મુક્ત સૂરજબા રહેતાં હતાં તેમની પાસે દર્શન કરવા ને આશીર્વાદ લેવા ગયા, કારણ કે તેમને સૂરજબાનો દિવ્યભાવ ઘણો હતો, અને તે એટલું જાણતા જે, આ સૂરજબા શ્રીજીમહારાજ સાથે સાક્ષાત્ વાતોચીતો કરે છે. માટે તે જો રાજી થઈને કહે તો પોતાને ત્યાગમાર્ગમાં કોઈ વિધ્ન ન આવે. એમ જાણી પાસે ગયા ને સાથે એક હરિભક્ત હતો તે બહાર ઊભો રહ્યો. પોતે જઈને ‘જય સ્વામિનારાયણ’ કર્યા કે તુરત સૂરજબા કહે, ‘શામજી! તારા ભેગો હરિભક્ત આવ્યો છે એ કેમ બહાર ઊભો રહ્યો? એ મનમાં ત્યાગી થવાના મનસૂબા કરે છે, પણ તારા ભેગો અહીં ન આવ્યો, તેથી એ ત્યાગી નહિ થઈ શકે. અને તારા પર મહારાજનો રાજીપો છે, તે તું ત્યાગી થઈશ ને મારો તને આશીર્વાદ છે જે, તારો બેય દેશમાં જયજયકાર થશે, પણ હમણાં તો આમ ને આમ રહેજે ને મુક્તરાજ ભાઈશ્રી તથા કેસરાભાઈ અને લક્ષ્મીરામભાઈનો મહિમા જાણી જોગ કરજે. જ્યારે હું કાં તારો બાપ એ બેમાંથી એક ધામમાં જઈએ ત્યારે તારે ત્યાગી થવું,’ એમ કહી રજા આપી. આવી આજ્ઞાથી પોતે એમ જાણ્યું જે, હમણાં હવે ત્યાગી નહિ થવાય, માટે આ દેશમાં રહેતાં વૈરાગ્ય મોળો પડી જાય ને આ લોકમાં ચોટી જવાય તો શું થાય! પછી એ ને એ બીકે ગુજરાત તરફ જતા રહ્યા. ઘણે વખતે ખબર પડી, તેથી લોકલાજે મેઘજીભાઈ તેડવા ગયા ને તેડીને આવતાં મૂળીના એક ગામમાં રાત રહ્યા. ત્યાંથી રાતમાં ઊઠી પોતે પૂજા લઈ પાછા ભાગ્યા. આગળ ગયા ત્યાં નદી બે કાંઠે વહેતી હતી ને પાછળ મેઘજીભાઈ આવ્યાની બીક, તેથી નદીમાં પડતું મૂક્યું. પોતાને તરતાં આવડતું હતું પણ તાણ ઘણું તેથી ત્રણ ગાઉ ઉપર નીકળ્યા. મેઘજીભાઈ તો નદી સુધી જઈ પાછા વળ્યા. આગળ ક્યાંથી જવાય? પછી શામજીભાઈ ત્યાંથી ચાલીને ધીરે ધીરે ગઢડે ગયા. ત્યાં સિદ્ધાનંદ સ્વામીના શિષ્ય રામચરણદાસજી ભેગા રહી તેમને રાજી કર્યા. વળી ખબર પડી એટલે લોકલાજે મેઘજીભાઈ ત્યાં તેડવા ગયા ને સમજાવીને કહ્યું જે, ‘ભલે, તમારે ઘેર ન આવવું હોય તો ભૂજ રહેજો, પણ ત્યાં ચાલો.’ એમ કહ્યું, તેથી રામચરણદાસજી સ્વામીએ આશીર્વાદ આપી રજા આપી. પછી ત્યાંથી આવીને એક વર્ષ ભૂજ રહ્યા. ત્યાં પણ તેમનો ત્યાગવૈરાગ્ય એવો ને એવો જોઈ મેઘજીભાઈએ જાણ્યું જે, હવે આ કાંઈ વ્યવહારમાં જોડાય તેમ નથી, માટે ત્યાગી થવાની રજા આપી આવું. પછી જે દિવસ એ રજા આપવા ભૂજ ગયા તે જ દિવસ મુક્તરાજ સૂરજબા ધામમાં પધાર્યા. તેથી શામજીભાઈએ જાણ્યું જે ‘મોટાનું વચન સત્ય થયું.’ પછી પોતે સદ્ગુરુ અચ્યુતદાસજી સ્વામી પાસે સાધુ થઈને રહ્યા ને અક્ષરજીવનદાસજી નામ પાડ્યું. આ રીતે સ્વામી પ્રથમથી જ વૈરાગ્યવાન હતા. આવી વાત સાંભળી તે હરિભક્તને ઘણો દિવ્યભાવ આવ્યો ને ત્યાંથી ભૂજ જઈ સ્વામી પાસે આઠ દિવસ રહી જોગ કર્યો.