૨૦૨ - યજ્ઞનો ગરબો
રૂડો યજ્ઞ કર્યો બળપુરમાં રે, જ્યાં શ્રીજી બિરાજે સાક્ષાત્ –રૂડો યજ્ઞ કર્યો.
મેલી કંકોત્રી સંત તેડાવિયા રે, ભેગા હજારો હરિજન –રૂડો યજ્ઞo ૦૧
પહેલાં મંડપ રોપવાને આવીઆ રે, ભક્તિવલ્લભ છે ભક્તિનું રૂપ –રૂડો યજ્ઞo ૦૨
રૂડા કેળોના સ્થંભ રોપવીઆ રે, બાંધ્યા ચંદરવા અતિ અનુપ –રૂડો યજ્ઞo ૦૩
ઘણાં ઝાડ દાડમ લીંબુ નિંબના રે, એરડા કાંકડ ને જામફળના ઝાડ –રૂડો યજ્ઞo ૦૪
મધ્યે રત્ન સિંહાસન શોભતું રે, છાજે ગાદીતકિયા સુખરૂપ –રૂડો યજ્ઞo ૦૫
તે ઉપર પ્રભુને પધરાવીઆ રે, થયો સબીજ મંડપ સાર –રૂડો યજ્ઞo ૦૬
કરે ચમર કાનજીભાઈ શોભતા રે, હેતે વીંઝણે ઢોળે વાય –રૂડો યજ્ઞo ૦૭
ચરચ્યાં કેસર ચંદન ભાલમાં રે, કર્યો કુંકુમનો ચાંદલો સાર –રૂડો યજ્ઞo ૦૮
હરિને જમવાનો થાળ લઈ આવીઆ રે, મેસુબ મોતૈયા મોહનથાળ –રૂડો યજ્ઞo ૦૯
સાટા, પેંડા પતાસાં ને સુખડી રે, જોયા જમતા પ્રાણઆધાર –રૂડો યજ્ઞo ૧૦
ચંપા ચમેલી હાર હજારીના રે, પ્રેમે પહેરાવે મનજીભાઈ –રૂડો યજ્ઞo ૧૧
આરતી સમે મોટા દેવ આવીઆ રે, ભેળા ભવ બ્રહ્માને લઈ સાથ –રૂડો યજ્ઞo ૧૨
કંચન થાળે કપૂરની આરતી રે, હેતે ઉતારે અબજીભાઈ –રૂડો યજ્ઞo ૧૩
પછી સભા બેઠી અતિ શોભતી રે, જેનો પામે નહિ કોઈ પાર –રૂડો યજ્ઞo ૧૪
મોટા સંત અક્ષરજીવનદાસજી રે, જેના દિવ્ય અનુપમ ગુણ –રૂડો યજ્ઞo ૧૫
કૃષ્ણચરણ ને નંદકિશોર છે રે, વૃંદાવન ઈશ્વરચરણદાસ –રૂડો યજ્ઞo ૧૬
મોટા શાસ્ત્રી બાલમુકુંદ છે રે, બીજા પુરાણી ધર્મજીવન –રૂડો યજ્ઞo ૧૭
એ આદિ સંતો બહુ શોભતા રે, જેના નામ લખે નાવે પાર –રૂડો યજ્ઞo ૧૮
પૂજા કરી પુરાણીની પ્રીતથી રે, આવ્યા મુક્ત આનાદિ સભામાંય –રૂડો યજ્ઞo ૧૯
બીજા ગૃહસ્થ બેઠા ઘણા શોભતા રે, મુક્ત જાદવજી કેસરા કહેવાય –રૂડો યજ્ઞo ૨૦
જેઠી,ઘેલા,વિશરામ,ગંગારામછેરે, વેલજી કોઠારી ને ચાગપાળ –રૂડો યજ્ઞo ૨૧
ઝવેરીલાલ ને મોનજીભાઈ છે રે, પ્રાણશંકર ને ગિરજાશંકર –રૂડો યજ્ઞo ૨૨
હરિભક્ત ઘણા ગુજરાતના રે, જેના પ્રભુપરાયણ તન-રૂડો યજ્ઞo ૨૩
કાળુભાઈ ને કેશવલાલ છે રે, એવા બીજા હજારો હરિજન-રૂડો યજ્ઞo ૨૪
સહુ નીરખે હેતે ઘનશ્યામને રે, સભા જોઈને પામે આનંદ-રૂડો યજ્ઞo ૨૫
કથા વાંચે પુરાણી અતિ પ્રેમથી રે, સુણે હરિજન સંત અપાર-રૂડો યજ્ઞo ૨૬
વાતો કરે અક્ષરજીવનદાસજી રે, સૌને સમજાવે ઉત્તમ પ્રકાર-રૂડો યજ્ઞo ૨૭
ત્યાગી સંત ગૃહસ્થ બાઈ ભાઈને રે, રહેવું શિક્ષાપત્રી અનુસાર-રૂડો યજ્ઞo ૨૮
પછી એમ બોલ્યા સ્વામી તે સમે રે, તમે સાંભળો સૌ હરિજન-રૂડો યજ્ઞo ૨૯
ધર્મ-નિયમ દૃઢ કરી પાળજો રે, રહેજો આજ્ઞામાં ખબડદાર-રૂડો યજ્ઞo ૩૦
સંતો આવે ગામડીઆમાં ફરવા રે, તીરથ કથા વારતાને કાજ-રૂડો યજ્ઞo ૩૧
ચાલે શેરી બજારમાં જે સમે રે, રહેવું સર્વેને માર્યાદમાંય-રૂડો યજ્ઞo ૩૨
બાઈઓ દર્શન પ્રસિદ્ધપણે ન કરે રે, એવી ઉદ્ધવ સંપ્રદાયની રીત-રૂડો યજ્ઞo ૩૩
દાન દ્રવ્યનું ત્યાગીને ન આપવું રે, જો માગે તો પાડવી ના જ-રૂડો યજ્ઞo ૩૪
એમાં ધર્મ રહે જાણો આપણો રે, રાજી રહે શ્રીજી સદાકાળ-રૂડો યજ્ઞo ૩૫
કોઈને સર્વસ્વ દાન ન કરવું રે, જે કરશે તે થાશે ધર્મભ્રષ્ટ-રૂડો યજ્ઞo ૩૬
સાંખ્યયોગી ત્યાગે જ્યારે દેહને રે, વાંસે વધ્યું હોય કાંઈદ્રવ્ય-રૂડો યજ્ઞo ૩૭
તે ગૃહસ્થને ઘરમાં ન રાખવું રે, વાપરવું સત્સંગ માંય-રૂડો યજ્ઞo ૩૮
ગામોગામના મોટેરા હરિજનને રે, તેની રાખવી ખબર હંમેશ-રૂડો યજ્ઞo ૩૯
એવી વાતો ઘણી સ્વામીએ કરી રે, આ તો લખ્યો સંક્ષેપે થોડો સાર-રૂડો યજ્ઞo ૪૦
દિવસ પંદર વીત્યા કથા કરતા રે, થાય પ્રશ્ન-ઉત્તર જ્યાં નિત્ય-રૂડો યજ્ઞo ૪૧
આવી તિથિ સમાપ્તિની શોભતી રે, કરવો મોટો ઉત્સવ તે દિન-રૂડો યજ્ઞo ૪૨
મેલી ગામોગામ ફરી કંકોત્રી રે, તેડાવ્યા હજારો હરિજન-રૂડો યજ્ઞo ૪૩
રામપર, વેકરાવાડાસરથી આવીઆ રે, સરલી દહીંસરા ગોડપર ગામ-રૂડો યજ્ઞo ૪૪
મેઘપુર, નારણપુર, કેરાગઢના રે, ટપ્પર, સુરજાપરના હરિજન-રૂડો યજ્ઞo ૪૫
ભૂજ,માધાપર ને મીરઝાપરના રે, રતિયું ફકીરવાડી ને સુખપર-રૂડો યજ્ઞo ૪૬
સુખપરમાં મુક્ત ભાઈ દેવજી રે, જ્ઞાની,ધ્યાની ને ગુણ ગંભીર-રૂડો યજ્ઞo ૪૭
ભવાનીપર સામત્રા ને ફોટડી રે, માનકૂવા ભારાસર ગામ-રૂડો યજ્ઞo ૪૮
માંડવી મુદ્રા અંજારથી આવીઆ રે, દ્વિજ ભક્ત જે અવળેશ્વર-રૂડો યજ્ઞo ૪૯
સર્વે ઝાંઝપખાજ લઈ આવીઆ રે, બોલે કીર્તન ને થાય કિલોલ-રૂડો યજ્ઞo ૫૦
પછી પ્રભુજી બિરાજ્યા પાલખી રે, ઘનશ્યામ ફર્યા ઘરોઘરો-રૂડો યજ્ઞo ૫૧
દસ વાગ્યે મંદિરમાં અવીઆ રે, સાથે હજારો હરિજન-રૂડો યજ્ઞo ૫૨
સર્વે ઉત્સવીઆ બેઠા મંડપમાં રે, જેમ ઘટે તેમ કરી વિવેક-રૂડો યજ્ઞo ૫૩
સંતો શોભા જોવાને આવીઆ રે, ઊભા ઓશરીએ અનેક-રૂડો યજ્ઞo ૫૪
બાલમુકુંદે હાર પહેરાવિયા રે, સર્વે ઉત્સવિયાને કરી હેત-રૂડો યજ્ઞo ૫૫
દિવ્ય ઉપમા યોગ્ય ભાઈ અબજી રે, ભરી લાવ્યા ત્યાં રૂપિઆનો થાળ-રૂડો યજ્ઞo ૫૬
બીજી છાબું ભરી ભાતભાતની રે, જેમાં શ્રીહરિના શણગાર-રૂડો યજ્ઞo ૫૭
પછી હેતે ઉતારી પોતે આરતી રે, આવ્યા દર્શને દેવ અપાર-રૂડો યજ્ઞo ૫૮
સૌને જમવાનો સાદ પડાવિયો રે, સર્વે પંક્તિ કરો તત્કાળ-રૂડો યજ્ઞo ૫૯
હેતભર્યા હરિજન આવીઆ રે, બેઠા શોભે ત્યાં હારોહાર-રૂડો યજ્ઞo ૬૦
શાક શીરો ને સુખડી પીરસ્યાં રે, થયા બંદૂકના ત્યાં તો અવાજ-રૂડો યજ્ઞo ૬૧
જાય બોલીને જમવા લાગિયા રે, કરે શ્રીજીનું નામ ઉચ્ચાર-રૂડો યજ્ઞo ૬૨
તે સમે દર્શન દેવા આવીયા રે, સંત સાથે છે અબજીભાઈ-રૂડો યજ્ઞo ૬૩
હાર પહેરાવે હરિજન હેતમાં રે, ચર્ચે ચંદન ને ચાંદલા થાય-રૂડો યજ્ઞo ૬૪
સર્વે જમી મંદિર માં આવીઆ રે, એમ થયો છે જયજયકાર-રૂડો યજ્ઞo ૬૫
પછી શીખ દીધી સભા સર્વેને રે, જમી ચાલજો સંત સવાર- રૂડો યજ્ઞo ૬૬
ભૂજ રાજ ખેંગારજીના રાજ્યમાં રે, થયો યજ્ઞ મોટો અદભુત-રૂડો યજ્ઞo૬૭
નથી ભણ્યો હું વેદ-પુરાણને રે, નથી શીખ્યો હું કાવ્ય-કીર્તન-રૂડો યજ્ઞo ૬૮
અલ્પ બુદ્ધિ ને મોટી આ વાર્તા રે, કહી કિંચિત્ પ્રભુકૃપાય-રૂડો યજ્ઞo ૬૯
દાસ ભક્ત કહે નથી વખાણતો રે, જેવી દીઠી તેવી કહી વાત-રૂડો યજ્ઞo ૭૦
મુખે મહિમા ભક્ત તેજે ગાવીઓ રે, છે સાંભળ્યા જેવો સુખરૂપ-રૂડો યજ્ઞo ૭૧
ઓગણીસેં ઓગણસાઠની સાલમાં રે, થયો મોટો આ યજ્ઞ અદભુત-રૂડો યજ્ઞo ૭૨
આવી રીતે આ યજ્ઞમાં નાનામોટા સંતો તથા હજારો હરિભક્તો બાઈ-ભાઈ આવી શ્રીજીમહારાજના સુખમાં પહોંચવાના આશીર્વાદ લઈ ગયા. તેમ અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ પણ સૌને જમાડીરમાડી, કથા-વાર્તા પ્રસંગે મહાપ્રભુનો અલૌકિક પ્રતાપ, મહિમા વર્ણન કરી તેમ જ નવા નવા ચમત્કાર દેખાડી અદભુત પ્રતાપ જણાવ્યો. ઉપરાંત પ્રથમ પોતાનો જે દુર્બળ વ્યવહાર દેખાડતા ને સમર્થ્યને જાણી ગયા. કચ્છમાં તો નાનપણથી જ એમને મોટા મોટા જાણતા જે, આ કોઈ અલૌકિક પુરુષ છે. વળી અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ, કેસરાભાઈ, દેવજીભાઈ જેવા તથા સૂરજબા, સદાબા, ધનબા જેવાં શ્રીજીમહારાજના સક્ષાત્કારવાળાં પણ તેમનો મહિમા વર્ણન કરતાં, પછી એમાં શું કહેવાનું હોય ? આટલું છતાં પોતે બહુ નિર્માનીપણે વર્તતા, તેથી સંત-હરિભક્તો તેમનું માહાત્મ્ય વધુ ને વધુ જાણવા લાગ્યા.