૧૮૩ - સમુદ્રમાં સહાય ને ઘેલાભાઈને આશીર્વાદ
સંવત ૧૯૫૮ની સાલમાં સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ કચ્છમાં જવા નીકળ્યા તે મોરબીથી નવલખીએ જઈ આગબોટમાં બેઠા; પછી આગબોટ ચાલી જતી હતી ત્યાં નહેરમાં સામેથી વહાણ આવ્યું તેવામાં ઓચિંતો વાયરો ઊપડ્યો તેથી ખારવા સઢ બાંધવા મંડ્યા પણ સઢ બાંધતાં બાંધતાં અતિ વાયુથી એ વહાણ આગબોટ સાથે ભટકાણું ને વચલો થાંભલો નમ્યો, તે આગબોટમાં ભરાણો, તેથી આગબોટ આડી થઈ ગઈ! આવું જોઈ સૌ અકળાવા મંડ્યા જે, ‘હમણાં બૂડી મરશું.’ આ વખતે સ્વામીશ્રી આદિ સંતોએ મહારાજ તથા બાપાશ્રીને સંભારવા માંડ્યા, ત્યાં તો એ થાંભલો ભાંગ્યો ને આગબોટ સરખી થઈ ચાલવા માંડી, તેથી માહીં બેઠેલા માણસોએ જાણ્યું જે, ‘આવા સાધુ આપણા ભેળા બેઠા છે તેના પ્રતાપે આપણે સહુ ઊગર્યા છીએ.’ પછી આગબોટ ખારીરોળ પહોંચી ત્યાં સૌ ઊતર્યા. ત્યારે એક ઘેલાભાઈ નામનો અંજારનો ભાટિઓ હતો તેણે માહાત્મ્ય જાણી સ્વામીશ્રી આદિ સંતોને પોતાને માટે સિગરામ આવેલ તેમાં બેસાર્યા ને તેનાં બૈરાં-છોકરાં બીજા વાહનમાં બેઠાં. માર્ગમાં સ્વામીશ્રીએ તેને મહારાજના મહિમાની વાતો કરી, તેથી એ ઘણો રાજી થયો ને એમ બોલ્યો જે, ‘સ્વામી! આ ફેરે હું બાલબચ્ચાંએ સહિત જે કાંઈ ભગવાને મને આપ્યું છે તે બધુંય સાથે લઈને આવતો હતો, પણ જ્યારે વચમાં આગબોટ નમી પડી ત્યારે તો જીવ ઊડી ગયા જેવું વસમું લાગ્યું. મને તો એમ જ થઈ ગયું કે અમે ઘરના બધાય એકસાથે દરિયામાં રહેશું કે શું? પણ જ્યારે આગબોટ સરખી થઈને ચાલી ત્યારે ખોળીયામાં જીવ આવ્યો. પણ હું તો એમ જ જાણું છું જે, અમે તો તમારા જેવા મોટા સંતના પ્રતાપે જ ઊગર્યા છીએ.’ આમ વાતો કરતાં સ્વામીશ્રી આદિ સંતોને મંદિરમાં પહોંચાડ્યા ને ત્યાં પણ સંત-હરિભક્તોને આ વાત કરી સંતોને પોતાના વતી રસોઈ કરી જમાડવા આગ્રહ કર્યો. સ્વામીશ્રી કહે, ‘આજ તો અમારે આગબોટમાં બેઠા તેનો ઉપવાસ કરવો પડે,’ ત્યારે તે કાંઈ બોલી શક્યો નહિ, પણ મનમાં જાણ્યું જે, ‘કાલે સારી રીતે જમાડશું.’ પછી તે ઘેર ગયો ને સંતો નાહ્યા અને ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરી કથાવાર્તા કરી રાત રહ્યા. તેણે તો બીજે દિવસે સવારમાં ઘી, ગોળ, લોટ, દાળ વગેરે સીધું તૈયાર કરાવી મંદિરમાં મોકલાવ્યું, પણ સંતો તો વાહનની સગવડતા મળવાથી પાછલી રાત્રે ભૂજ ચાલ્યા ગયા હતા. આ વાત જાણતાં તે નિરાશ થઈ પોતાની ગાડી જોડાવી ભૂજના મંદિરમાં આવ્યો ને ત્યાં રસોઈ આપી ઠાકોરજી તથા સંતોને જમાડ્યા ને ધોતિયાં ઓઢાડ્યાં તથા આગબોટમાં બનેલ વાત કરી. પછી સ્વામીશ્રીએ તેને શ્રીજીમહારાજ તથા બાપાશ્રીનાં પ્રતાપની વાતો કરીને કહ્યું જે, ‘આ બાપાશ્રી વૃષપુરમાં રહે છે ને અલૌકિક પુરુષ છે, તેમની કૃપાથી આપણે ઊગર્યા છીએ. તેનાં દર્શન કરવા અમો અહીંથી જઈએ છીએ.’ આ વાત સાંભળી તે પણ વૃષપુર જવા સાથે ચાલ્યો. સૌ મંદિરમાં પહોંચ્યા ત્યાં તો બાપાશ્રી મંદિરના પગથિયા પાસે ઊભેલા તે સામા આવ્યા. એ જોઈ સ્વામીશ્રીએ ઘેલાભાઈને કહ્યું જે, ‘મેં તમને જે વાત કરી હતી તે આ પુરુષ,’ પછી સંતોએ ઠાકોરજીનાં દર્શન કર્યાં ને બાપાશ્રીને હેતે સહિત મળતાં ઘેલાભાઈની ઓળખાણ કરાવી. તે વખતે પોતે એમ બોલ્યા જે, ‘સ્વામી! તમે આગબોટમાં થાંભલો ભરાણો ત્યારે કેવા મહારાજ તથા અમને સંભારતા હતા! એ બધું અમે આંહી બેઠા જોયું તેથી સંકલ્પ કર્યો, ત્યાં તો થાંભલો ભાંગી પડ્યો ને આગબોટ ચાલતી થઈ, પણ એ થાંભલો ભાંગ્યો ન હોત તો તમે આ ટાણે ક્યાં હોત?’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘શ્રીજીમહારાજની મૂર્તિમાં તમારા ભેળા,’ –એ વચન સાંભળી બાપાશ્રીએ વધુ પ્રસન્નતા જણાવી. આથી તે ઘેલાભાઈને ઘણું આશ્ચર્ય થયું ને પોતાનાં ધન્યભાગ્ય માની મોક્ષનો આશીર્વાદ માગ્યો ને બીજે દિવસે સંતોને તથા બાપાશ્રીને જમાડી રાજી કર્યા; પછી અંજાર જતી વખતે પણ ઘણી જ પ્રાર્થના કરી.