૩૧૫ - ટાઢા દેવરાવ્યા
આ રીતે મંદવાડ જણાવ્યાની વાત ધીરે ધીરે અમદાવાદ સુધી પહોંચી ગઈ. તેથી સૌ હેતવાળા સંતો સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી નારાયણસેવકદાસજી આદિ સંત-મંડળ વૃષપુરમાં આવી પહોંચ્યાં ને હેતે સહિત મળી પ્રાર્થનાઓ કરવા માંડી, પણ બાપાશ્રીએ તો ઊલટો વધુ મંદવાડ જણાવ્યો. શરીરે અશક્તિ ને તાવ જાય નહિ, તેથી ઊઠતાં-બેસતાં લથડિયાં આવી જતાં જોઈ, સંતોની આંખોમાં હેતનાં આંસુ આવી જતાં. તે વખતે પોતે કહે કે, ‘સંતો! આ શું કરો છો! આપણને દેહ શું? દેહનાં દુઃખ શું? આ તો આ લોકના ભાવ છે. મહારાજ ને મુક્ત તો દિવ્ય તેજોમય છે. શ્રીજીમહારાજ આ લોકમાં જેને જેમ રાખવા ઘટે તેમ રાખે, તેમાં આપણે શોક કરીએ તે કેવડી ભૂલ કહેવાય? મહારાજ વિના બીજા સંકલ્પ થાય એ જ મોટું દુઃખ. અમે તો ખાટલામાં સૂતાં સૂતાં મહાપ્રભુની આંનદઘન મૂર્તિને સંભારીએ છીએ,’ એમ બોલતા, ‘મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ.’ એમ કહી સૂઈ જાય. આવું જોઈ સંતો ઘણું મૂંઝાણા, પણ કાંઈ સમજાય નહિ જે, ‘મંદવાડ ક્યારે મટશે?’ ત્યાં તો પાછી જમણે પડખે પેટમાં પીડા ઊપડી ને બહુ દુઃખવા માંડ્યું, તે જાણે રહેવાય નહિ એવું લાગે. પોતે આમતેમ થાય, પડખાં ફરે, બેઠા થઈ જાય, પડખામાં લૂગડાં ભરાવી રાખે. આવું જોઈ સંતો જુદું જુદું બતાવે. કોઈ કહે-શેક કરો. કોઈ કહે-રાઈનો લેપ કરો, કોઈ ફાકી, ઉકાળો બતાવે, તો કોઈ પોતાને સમજાતું હોય તેમ કહે. આવાં વચન સાંભળી કચ્છી હરિભક્તો વળી એમ કહે કે, ‘તમે તમારા દેશમાં આવાં દુઃખ ઉપર ગમે તે ઔષઘ કરતા હશો, પણ અહીં તો આવા દુઃખાવા ઉપર ટાઢા દેવાય એટલે તુરત દુઃખ બંધ થઈ જાય. ટાઢી ગાંઠ કે પેટનો દુઃખાવો જે હોય તે ટાઢાથી મટી જાય છે.’ આમ વાતો થાય તેથી સહુ વિચાર કરે, પણ બાપાશ્રીને ટાઢા દેવરાવવા એ વાત સંતોને મુદ્દલ ગમે નહિ ને પડખાંની પીડા ઊપડેલી, તેમાં જરાય ફેર પડે નહિ; પછી તો સહુ મૂંઝાણા, એટલે સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજીને એમ થયું જે, ‘આ દેશનું એ ઔષઘ છે ખરું!’ એમ જાણી બાપાશ્રી પાસે આવી કહેવા લાગ્યા જે, ‘અહીંના હરિભક્તોનું કહેવું એમ થાય છે જે, થોડા ટાઢા દીધા હોય તો મટી જાય.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! ટાઢાથી પીડા મટી જાય એવું તમને મહારાજ કહેતા હોય તો ભલે! મારી કાંઈ ના નથી. મને તો એમ છે જે, મહારાજ મટાડશે ત્યારે મટશે. ટાઢાથી કે કોઈ બીજાથી શું થાય?’ ત્યારે સ્વામી કહે, ‘મહારાજની મરજી પ્રમાણે જ મટે, પણ આ તો આપણે કાંઈક કર્યું કહેવાય.’ આ વચન સાંભળી બાપાશ્રીએ તો પાઘરો જ સ્વામીશ્રીનો હાથ ઝાલી કહ્યું, ‘ભલે મહારાજ, જેમ ફાવે તેમ કરો, ટાઢા દ્યો કે ઊના દ્યો, જેમ સૌને ફાવે તેમ કરો.’ આ રીતે સહજ મરજી જાણી સ્વામીશ્રીએ ટાઢા દેનાર હરિભક્ત શામજીભાઈને કહ્યું જે, ‘શામજીભાઈ! જુઓને કેટલે ઠેકાણે ટાઢા દેવા જેવું લાગે છે?’ આ તો કહેવાની વાટ જ જોઈને રહ્યા હતા, આ કામમાં પોતાને વૈદ્ય જેવા માનતા, એટલે એમણે તો તુરત ટાઢા દેવાની સામગ્રી તૈયાર કરી સગડી સળગાવી તતરડા માંહી મૂકી દીધા ને રાખની ચપટી ભરી બાપાશ્રી પાસે આવ્યા, ને ‘જય સ્વામિનારાયણ’ કરી કહ્યું, ‘બાપા! જરા પાસું (પડખું) ફેરવો.’ એમ કહી તપાસવા લાગ્યા ને જે ઠેકાણે પેટના જમણા પડખામાં દુઃખાવો હતો, ત્યાં રાખના ચાંદલા કરવા માંડ્યા, તે પચાસ જેટલા કર્યા. સંતો કહે, ‘શામજીભાઈ, ટાઢા પાંચદશ હોય, આટલા ટાઢા કાંઈ દેવાય!’ એમ વાત કરતાં વળી પડખામાં બીજા બે રાખના ચાંદલા કર્યા. એટલે એક સંતે તેમના હાથમાંથી રાખ લઈ લીધી ને કહ્યું, ‘હવે રાખો! અમારાથી જોયું જતું નથી!’ ત્યારે તે કહેવા મંડ્યા જે, ‘સ્વામી! અમારા દેશમાં તો આ જ દવા, આમાં તમે શું મૂંઝાઓ છો? આમાં કાંઈ નહિ, અમારામાં આવાં દરદ ઉપર ટાઢા તો સો, દોઢસો ને બસો સુધી દેવાય છે.’ સંતોને એમની વાત જરાય ગમતી નહોતી, પણ બાપાશ્રીએ એવી પીડા જણાવી, તેમ બીજો કોઈ ઉપાય ન સૂજ્યો, તેથી શું કરે! હજુ એકબીજામાં સંતો વાતો કરતા હતા જે, ‘આટલા ટાઢા કેમ ખમાશે?’ ત્યાં તો સગડીમાં મૂકેલ તતરડા તૈયાર થઈ ગયા. એટલે બધાયને એક કોર ઊભા રહેવાનું કહી શામજીભાઈ બાપાશ્રીને કહેવા લાગ્યા, ‘બાપા! મારા પર રાજી રહેજો ને ટાઢા દેવાય છે તે જરા સરત રાખજો.’ ત્યારે બાપાશ્રીએ તે વખતે રમૂજ કરી કહ્યું કે, ‘શામજી! ટાઢા દેવા ટાણે એની મેળાએ સરત રહી જાય, તેમાં ભલામણ કરવી ન પડે.’ એમ કહી પોતે ધ્યાને યુક્ત વૃત્તિ કરી ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ કરવા લાગ્યા ને શામજીભાઈએ તો થોડી વારમાં પેટના જમણા પડખામાં બાવન ટાઢાનું સદાયનું સંભારણું કરી દીધું. સૌને હવે એમ થયું જે, ‘બાપાને ટાઢા ખમાણા. તેથી પેટની પીડા મટી જશે. પણ એ દુઃખ તો જરાય મટ્યું નહિ. થોડી વાર થાય ને સંતો આસન પાસે ઘીરે ઘીરે જાય ને જુએ ત્યાં બાપાશ્રી તો ‘મહારાજ! સ્વામિનારાયણ.’ એમ બોલતા જણાય, તેથી સૌને એમ લાગે જે, ‘હજી દુઃખાવો હશે ખરો.’ ટાઢા દેવરાવવામાં સૌની સાથે સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજીએ પણ કહેલ હોવાથી તેમને એમ જે, હવે કાંઈ ઠીક થયું કે કેમ? તેથી એ પડખે બેસી પૂછવા લાગ્યા જે, ‘હવે કાંઈ પીડામાં ફેર જણાય છે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! પીડા પ્રથમના કરતાં જરાય ઓછી નથી થઈ, પણ સહેજ વધી જણાય છે.’ આવાં વચનથી સ્વામીશ્રી તો તદ્દન ઢીલા થઈ ગયા ને ઘણું દુઃખ થયું. પોતે અંતર્વૃત્તિવાળા, એટલે મૂર્તિ ધારી મહારાજને પ્રાર્થના કરવા મંડ્યા પણ બાપાશ્રીને ટાઢા દીધેલા એ વાત વીસરે નહિ ને બધું નજરે તરે. પછી ઘણી વાર પ્રાર્થના કરી ત્યારે શાંતિ આવી. આ વાત બાપાશ્રીએ સૂતાં સૂતાં અંતર્યામીપણે જાણી, તેથી બોલ્યા જે, ‘સ્વામી! મહારાજને આપણે કાંઈ ન કહીએ તોય જાણે. એ તો બહુ દયાળુ છે. હમણાં સારું થઈ જશે, તમે કાંઈ મનમાં લાવશો નહિ. આ તો એક જાતનું સંભારણું થયું. શ્રીજીમહારાજ જેમ કરતા હશે તેમ ઠીક જ કરતા હશે,’ -આમ કહી સ્વામીશ્રીને ધીરજ આપી.