૧૮૨ - દિવ્યરૂપે માવજી પર હાથ ફેરવ્યા

0:000:00

થોડા દિવસ વીત્યા પછી નારાયણપુરમાં ધનજીભાઈનો બીજો દીકરો માવજી ત્રણ વર્ષનો હતો તે માંદો પડ્યો; તેને શરદી બહુ હોવાથી શેક કરવો કે અજમો ભરવો વગેરે બનતા ઉપચાર ઘરમાં સૌ કર્યા કરતા, પણ કોઈ ઉપાય લાગુ ન થતો, તેથી બાપાશ્રી ને વૃષપુરથી બોલાવી એ છોકરાને દર્શન કરાવ્યાં ને આશીર્વાદ લીધા. ત્યાર પછી ચારપાંચ દિવસ થઈ ગયા, પણ મંદવાડમાં જરાય ફેર ન પડ્યો. ઘરના માણસ વારાફરતી સૌ પાસે ને પાસે રહે, બનતું કર્યા કરે, ને મહારાજને સંભારે; એક દિવસ તો હમણાં દેહ મૂકી દેશે એવું થઈ ગયું, ત્યારે જાદવજીભાઈને એમ થયું જે, ‘આપણે બાપાશ્રી ને હાલ ને હાલ ઘોડી મૂકી તેડાવી લઈએ તો ઠીક. આ બિચારો આપણે ઘેર આવ્યો છે, તેથી બાપાશ્રી પાસે બેઠા હોય ને દેહ પડે તો તેને મોટો લાભ થાય. જો મહારાજને રાખવો હશે, તો છેલ્લે ડચકે બેઠો થશે, એ તો મહારાજ ધણી છે, તે ગમે તેમ કરે પણ આમ ને આમ આપણે ક્યાં સુધી આના સામું જોઈ રહેવું.’ આમ વાત કરી ઘોડી મોકલીને બાપાશ્રીને તેડાવવા માણસ મોકલવાનું કરતા હતા ત્યાં તો ઓરડામાંથી બાપાશ્રી ઓચિંતા આવ્યા ને એ છોકરાને માથે હાથ ફેરવી ત્યાં જ અદૃશ્ય થઈ ગયા. જાદવજીભાઈ, ધનજીભાઈ તથા તેમના ઘરના સૌ પાસે બેઠા હતા તે આશ્ચર્ય પામતા જોઈ રહ્યા ને જાણ્યું, ‘બાપાશ્રીએ આપણો સંકલ્પ સત્ય કર્યો.’ પછી થોડી વાર થઈ કે તરત એ છોકરે દેહત્યાગ કર્યો.