૪૦ - દેવરાજભાઈ

0:000:00

એક વખત રામપુરમાં દેવરાજભાઈ એકાદશીને દિવસે મુક્તરાજ ધનબાને ‘જય સ્વામિનારાયણ’ કરવા ગયા, ત્યારે તેમણે પૂછ્યું, ‘ભાઈ! કેમ આવ્યા?’ ત્યારે દેવરાજભાઈ કહે, ‘મા, દર્શન કરવા.’ ત્યારે ધનબા બોલ્યાં જે, ‘ભાઈ, દર્શન તો શ્રીજીમહારાજનાં કરીએ કાં લક્ષ્મીરામભાઈ ને ભાઈ જેવા મોટા હોય તેના કરીએ, તો તેમાં બધાયનાં દર્શન આવી જાય.’ ધનબાનાં આવાં મહિમાવચન સાંભળી તેમને ભાઈશ્રીના દર્શનની તાણ થઈ. પછી ચારપાંચ હરિભક્તો સાથે સાંજના વૃષપુર ગયા. તેથી ભાઈશ્રી બહુ રાજી થઈ મળ્યા. રાત્રે પાસે બેસાડી મોટાનો મહિમા જાણવાની વાત કરીને આજ્ઞા કરી જે, ‘સવારે પારણાં કરી માંડવી જઈને મુક્તરાજ લક્ષ્મીરામભાઈનાં દર્શન કરી ઘેર જજો.’ આ હરિભક્તો તો સવારમાં વહેલા પરવારી ઠાકોરજી જમાડતા જ ચાલી નીકળ્યા, તે સાંજે માંડવી ગયા ને ઠાકોરજીનાં દર્શન કર્યાં. ત્યાં તો મંદિરમાં જ એમને લક્ષ્મીરામભાઈનાં દર્શન થયાં. સૌ દંડવત્ કરી મળ્યા. ત્યારે લક્ષ્મીરામભાઈ કહે, ‘તમે તો કાલે નીકળ્યા હતા ને?’ આ વચન સાંભળી દેવરાજભાઈ આદિ હરિભક્તોને બહુ દિવ્યભાવ આવ્યો ને જાણ્યું જે, ‘આ તો અંતર્યામીપણે જાણતા લાગે છે.’ પછી રાત્રે મહારાજના મહિમાની ને આજ્ઞા પાળવાની પોતે ઘણી વાતો કરી, ત્યારે દેવરાજભાઈએ પૂછ્યું, ‘ભાઈ! આજ્ઞાની હદ ક્યાં સુધી?’ ત્યારે લક્ષ્મીરામભાઈ કહે, ‘શ્રીજીમહારાજની મૂર્તિ વિના બીજો સંકલ્પ કરવાનો નહિ. જો બીજો સંકલ્પ થાય તો આજ્ઞા લોપાણી!’ પછી એમ કહ્યું જે, ‘આ પરભાવની આજ્ઞા છે.’ પછી વાત કરતાં સાખી બોલ્યા કે, ‘જ્યાં સુધી ઊઠે અંતરમાં આગ, ત્યાં સુધી ધિક્ ટોપી ને ધિક્ પાઘ.’ અને ‘ટોપીમાં પાઘડી ને પાઘડીમાં ટોપી તે તો અન્યોન્ય છે,’ ત્યારે દેવરાજભાઈ કહે ‘ભાઈ! એ શું?’ ત્યારે કહ્યું કે, ‘જ્યાં સુધી પંચવિષયના રાગ ન ટળ્યા હોય ત્યાં સુધી ટોપી પહેરી છે. પણ પાછી પાઘડી પહેરવી પડે, એટલે બીજો જન્મ ધરવો પડે, કેમ કે પંચવિષય જન્મમરણના હેતુ છે, એમ મહારાજે કહેલું છે ને પાઘડીમાં ટોપી કેમ? તો હમણાં પાઘડી બાંધેલી છે, પણ જેને પંચવિષયમાં રાગ નથી તે તો ત્યાગી જેવો છે, માટે તેને જન્મ ધરવો ન પડે.’ પછી સવારમાં વહેલાં ઘેર જવાની રજા આપીને કહ્યું જે, ‘ભાઈએ તમને અહીં મોકલ્યા, તે એમના પાસે શું ઓછું હતું?’ એમ કહી તે સર્વેને આ અનાદિ મુક્તરાજનો બહુ મહિમા કહ્યો.