૭૦ - સંતોને સકરિયાંની રસોઈ જમાડી
એક દિવસ કાનબાઈ નામનાં એક બાઈને ભાઈશ્રીએ એમ કહ્યું જે, ‘બાઈ! તમે સવારે આપણી મોરઘરવાડીએ દોઢ મણ ગાજર રંધાય એવડું મોટું હાંડલું લેતાં આવજો.’ ત્યારે તે બાઈએ કહ્યું જે, ‘ભલે!’ તે બાઈ વિશ્વાસુ હતાં ને હેત ઘણું રાખતાં, તેથી તેણે એમ જાણ્યું જે ભાઈશ્રી કહે છે તે કાંઈક હશે ખરું? આગળથી આપણને આ વાતની ખબર ન પડે. પછી તે તો બીજે દિવસ વહેલાં વાડીએ હાંડલું લઈને ગયાં. ત્યાં તો પોતે વાડીમાંથી ગાજર (રતાળુ-સકરિયાં) કાઢી તૈયાર રાખ્યાં હતાં, તે એક એક જોઈને ધોયાં ને લૂઈને કોરાં કર્યાં, પછી એ હાંડલામાં ભરી હાંડલું ઊંધું વાળ્યું ને ઉપર ખૂબ બળતું કરવા મંડ્યા; પછી તે બાઈને કહ્યું જે, ‘તમારે મહારાજની સેવા કરવી હોય તો આમાં ખાંડ ને ઘી નાખવા લઈ આવો ને એક દૂધનું દોણું લેતાં આવજો.’ આ વચનથી તે બાઈ રાજી થયાં ને જાણ્યું જે, આજ ભાઈ રાજી થઈને સેવા બતાવે છે તે કાંઈક છે ખરું. પછી તે ગામમાં જઈ ઘી, ખાંડ ને દૂધ લાવ્યાં. ત્યાં તો અહીં ગાજર પણ રંધાઈને તૈયાર થઈ ગયાં, એટલે બળતું ધીમું પાડ્યું – એ જ વખતે સદ્ગુરુ સ્વામીશ્રી અક્ષરજીવનદાસજી ભૂજ જતા હતા તે વાડીએ ભાઈશ્રી પાસે આવ્યા, તે જોઈને ભાઈશ્રી તો દંડવત્ કરીને મળ્યા ને બોલ્યા જે, ‘સ્વામી! આજ તો ઠાકોરજીના થાળ તૈયાર કરાવી મૂક્યા છે.’ ત્યારે સ્વામી કહે, ‘બહુ સારું! પણ અમારે ઉતાવળ છે,’ એમ કહી બેઠા ને ગાજર રાંધવાની નવી રીત જોઈ સ્વામી ઘણા રાજી થયા ને બોલ્યા જે, ‘ભાઈ! અમને ભેળા થઈ જવાના સમાચાર કહાવ્યા હતા તે ગાજરની રસોઈ જમાડવી હતી કે શું?’ ત્યારે ભાઈશ્રી કહે, ‘આ તો અમારા કાલાવાલા છે.’ પછી પંક્તિ થઈ ત્યારે સંતોની સાથે ભાઈશ્રીને જમવા બેસાર્યા ને સ્વામીએ પોતાને હાથે ભાઈશ્રીને કેળના પાનમાં તે ગાજર પીરસ્યાં ને માથે ખાંડ, ઘી નાખ્યું. પછી પાનના દડિયા કરી સંતોને ખાંડ નાખેલ દૂધ પાયું. ત્યાર પછી આંબા નીચે બેસી થોડી વાર સૌએ ધ્યાન કર્યું. જાગ્રત થયા ત્યારે સ્વામીશ્રી કહે, ‘ભાઈ! આજ ગાજરની રસોઈ જમાડી, તેમ થોડુંક દિવ્ય ભોજન જમાડો એટલે જઈએ.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘સ્વામી! આપણે એક મૂર્તિના સુખનો જ આહાર કરવો, એ વિના બીજું કોઈ વહાલું રાખવું નહિ, કેમ કે શ્રીજીમહારાજ તથા તમ જેવા સંત વિના બીજે ક્યાંય સુખ નથી.’ એટલું બોલ્યા, પછી સ્વામીશ્રી તૈયાર થયા ત્યારે પોતે શેરડીની ભારી બાંધી લાવ્યા ને ગાડામાં મૂકી, પછી વંતાક, ફાંટ બાંધી મગાવ્યાં ને કહ્યું જે, ‘સ્વામી! આ શાક ઠાકોરજીને થાળમાં જમાડજો ને શેરડી ઠાકોરજીને જમાડી સંતોને વહેંચાવી દેજો.’ પછી દંડવત્ કરી મળ્યા ને બોલ્યા જે, ‘સ્વામી! ફેર આમ ને આમ વહેલા પધારજો.’ આવી રીતે સંતોને પણ સેવાએ રાજી કરતા.