૨૮૦ - સંતોની પૂજા તથા વિનયવચન
પછી બધા સંતો બાપાશ્રીની પૂજા કરી એક એક હાર પહેરાવવા લાગ્યા, ત્યારે પોતે માથેથી પાઘડી ઉતારી નેત્ર મીંચી અંતર્વૃત્તિએ મૂર્તિ ધારી બેસી રહ્યા. એ ટાણે કંઠમાં વીસ-પચીસ હારનો ભરાવો ને કપાળમાં ચંદનનો થથેડો, વચ્ચે કુંકુમનો પહોળો ચાંદલો ને સર્વે ધોળા વસ્ત્રોએ સહિત ઉઘાડે મસ્તકે ધ્યાનસ્થ બેઠેલ, બાપાશ્રીનું સ્વરૂપ અતિશય નવીનતા ભરેલું જણાતું હતું. આમ પૂજાવિધિ થયા પછી પોતે બધા હાર એકસાથે કંઠમાંથી ઉતારી ઢીંચણમાં રાખ્યા ને ચંદનનો વાટકો હાથમાં લઈ બોલ્યા જે, ‘આવો સંતો! હવે અમે તમારી પૂજા કરીએ,’ એમ કહી બધા સંતોને ભાલે ચંદન ચર્ચી એક એક હાર પહેરાવી માથે હાથ મૂકી આત્યંતિક મોક્ષના આશીર્વાદ આપ્યા ને એમ બોલ્યા જે, ‘સંતો! આમ ને આમ સદાય મૂર્તિના સુખમાં રહેજો.’ મહારાજ કહે છે કે, ‘અમારે કથા, કીર્તન, વાર્તા ને ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનને તૃપ્તિ થતી નથી,’ એમ કહીને આપણને આજ્ઞા કરી છે જે, ‘તમારે પણ એવી જ રીતે કરવું, માટે જ્યાં જવું ત્યાં સદાય આવો ને આવો આનંદ રાખવો. આ બધી અક્ષરધામમાં પૂજાઓ થાય છે, આપણા ભેળા મહારાજ ને અનંત મુક્ત છે, તેથી સભા સર્વે દિવ્ય, અલૌકિક છે, એમ જાણી મૂર્તિના સુખથી ભર્યા રહેવું, પણ ક્યારેય ખાલી ન રહેવું. ખાલીના કોઈ ધણી નથી,’ એમ બોલ્યા.
ત્યાર પછી સૌ સંતોની વતી સદ્ગુરુ સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ પ્રાર્થના કરી જે, ‘ આ બધાય સંત-હરિભક્તો આપના રાજીપા માટે અહીં આવ્યા છે, તેને તમે દયા કરી મહારાજના સુખમાં ખેંચી લેજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! મહારાજ કોઈને મૂકે એવા નથી. આ સભા દિવ્ય જણાય એટલે હૈયો. આમ ને આમ સહુ હેત રાખજો; ને મહારાજના વચનમાં ખબડદાર રહેજો.’ એમ કહી પોતે ઊભા થયા, એટલે સૌ ઊઠ્યા ને ફરી વાર મહારાજને દંડવત્ કરી મંદિર બહાર નીકળ્યા; તે વખતે આગળ બાપાશ્રી તથા સદ્ગુરુઓ આદિ સંતો ને વાંસે ગામના હરિભક્તો; સૌની ચંદન-કુંકુમથી પૂજા થયેલી, એવા દિવ્ય સમૂહનાં દર્શનથી ગામનાં નાનાંમોટાં બાઈ-ભાઈ સર્વે આનંદ પામતાં હતાં ને બાપાશ્રી સદ્ગુરુઓ સાથે વાતો કરતા ને પ્રસન્નતા જણાવતા ચાલ્યા આવતા બળધેશ્વર મહાદેવના મંદિર સુધી આવ્યા. ત્યાં સંત-હરિભક્તોને ગોળની પ્રસાદી વહેંચી સંતોને ગાડે બેસી જવાની આજ્ઞા કરી, તેથી સંતો ગાડે બેઠા ને ગાડાં ચાલતાં થયાં, એટલે હરિભક્તો તથા પોતે સંતોને દંડવત્ કરવા મંડ્યા, એ જોઈ સંતોએ ગાડાં ઊભાં રખાવ્યાં ને ગાડેથી ઊતરી બાપાશ્રીને ઝાલી લીધા, એટલે ફરી વાર મળવા માંડ્યું; તે વખતે મૂળીથી આવેલા એક વૃદ્ધ સંત કહે, ‘ભાઈ! આંગડીની કસ છોડીને મળો તો સંપૂર્ણ મળાય’ –ત્યારે પોતે હસીને બોલ્યા જે, ‘સ્વામી! આવું ગૂઢ જ્ઞાન ક્યાંથી કાઢ્યું?’ –એમ કહી કેડિયાની કસ છોડી સૌને ઉઘાડી છાતીએ મળ્યા. પછી સંતોને ગાડે બેસારી કહ્યું જે, ‘આપણે સદા ભેળાને ભેળા જ છીએ, એમ જાણજો ને આચાર્ય મહારાજ ભેળા ગામોગામ ફરી હરિભક્તોને મૂર્તિના સુખે સુખિયા કરજો.’ પછી સંતો ભૂજ ગયા. આમ પોતાની આજ્ઞાથી એક વર્ષ સંતો કચ્છમાં આવ્યા ન્હોતા, તેથી ઘણી પ્રસન્નતા જણાવી રાજી કર્યા.
સંતોએ ભૂજ જઈ ઠાકોરજીનાં દર્શન કર્યા, પછી આચાર્ય મહારાજ પાસે જઈ દંડવત્ કરી બાપાશ્રીની વતી ‘જય સ્વામિનારાયણ’ કર્યા, ત્યારે તેમણે સૌના કુશળસમાચાર પૂછ્યાં, પછી કહ્યું કે, ‘તમે આ દેશમાં આવ્યા તે સારું કર્યું. હવે આપણે કાલથી ગામડે ફરવા જવું છે, કેમકે ગામડાના હરિભક્તોનો આગ્રહ ઘણો છે; તેથી તમે ભેળા ચાલો તો સહુને સારો લાભ થાય, એટલા માટે તમને તેડાવ્યા છે.’ ત્યારે સદ્ગુરુઓ કહે, ‘ભલે! અમે પણ આપના આવવાની વાટ જોઈ રહ્યા હતા.’ આમ તેમને રાજી કરી સંતોને મળી આસન કર્યા.