૨૫૯ - મુક્તરાજ ધનબાની પારાયણ ને ધીરજ

0:000:00

આ રીતે ભૂજમાં ચરણપ્રતિષ્ઠા ને સ્વામીશ્રીના અંતર્ધાનનું કાર્ય થયું, પણ રામપુરમાં સંતો ગયા હતા ત્યાં પારાયણનું શું થયું? –તો સ્વામીશ્રીના ધામમાં પધારવાના ખબર પડતાં સૌ ઉદાસ થતા વિચાર કરવા લાગ્યા ને હરિભક્તોને મોકલી મુક્તરાજ ધનબાને પૂછાવ્યું કે, ‘હવે કથાનું શું કરવું?’ ત્યારે ધનબાએ કહેવરાવ્યું જે, ‘સ્વામી તો મહાસમર્થ હતા. તેમણે દેહ મેલ્યો ત્યારે મને એવાં દર્શન થયાં કે, જાણે હજારો સંતોએ સહિત મહારાજ તેમને તેડવા આવ્યા હતા, માટે સ્વામીશ્રી તો અક્ષરધામમાં મહારાજની હજૂરમાં પહોંચ્યા, તેથી તમો સૌ ધીરજ રાખી કથા ચાલતી કરો.’ મેં જ્યારે ભૂજમાં સ્વામીશ્રીને પૂછાવ્યું હતું ત્યારે તે એમ મર્મમાં બોલ્યા હતા જે, ‘ભલે પારાયણ બેસારે, એ મહિનામાં બે યજ્ઞ થશે.’ એ ટાણે મને એમ થયું જે, એક તો ભૂજમાં ચરણારવિંદ પધરાવવાનો ને બીજો અહીં કથા તથા ચરણારવિંદ પધરાવવાનો, -એમ બે યજ્ઞ સ્વામી કહે છે, પણ પોતે બોલતાચાલતા આમ સૌને સમૈયો કરાવી મહારાજ પાસે જતા રહેવાના છે, તેવું આગળથી કેમ સમજાય! હવે જેમ મહારાજની મરજી તેમ થયું, પણ કથા ચાલતી કરો.’ આમ કહેવરાવવાથી સંતોએ તે જ વખતે પારાયણ ચાલુ કરી.