૭૦૯ - મહિમા તથા ભલામણ-વચનો

0:000:00

થોડી વારે સ્વામી ભક્તિપ્રિયદાસજીએ આવીને 'જય સ્વામિનારાયણ’ કર્યા ત્યારે બાપાશ્રી તેમને કહેવા લાગ્યા જે, 'સ્વામી! આ બધાય સત્સંગીને સાચવજો તથા ધર્મ પળાવવાનો ને ભગવાન ભજાવવાનો ખટકો રખાવજો. અમે તો હવે મે'માન છીએ.' એમ મર્મમાં કહ્યું. પછી ઠાકોરજી જમાડીને બાપાશ્રી વાડીએ ગયા. ત્યાં લાલશંકરભાઈ, ભોગીલાલભાઈ, ધનજીભાઈ, સોની મોતીભાઈ, વિઠ્ઠલજીભાઈ આદિ હરિભક્તો દર્શન કરવા આવ્યા. તેમની પાસે પોતે મહારાજના મહિમાની વાતો કરતા બોલ્યા જે, 'આપણે તો મહારાજની મૂર્તિરૂપ મહારસના સુખભોક્તા થવું. જો પ્રકૃતિના કાર્યમાં રસ મનાય તો જીવને ક્યાંય લઈ જાય, પત્તોય ન લાગે, માટે ધર્મમાં સાવધાન રહેવું. ધર્મનિયમે યુક્ત હોય તે જ મુક્ત કહેવાય. આજ્ઞા વિનાના મોટી મોટી વાતો કરે, પણ મોક્ષ ન થાય; માટે મહારાજનાં વચનમાં ક્યારેય ફેર પડવા ન દેવો.' આ રીતે વાત કરતા હતા ત્યાં એક ભણનારા સાધુ દર્શન કરવા આવ્યા, તેનો હાથ ઝાલીને બાપાશ્રીએ કહ્યું જે, 'મહારાજ તથા આવા મોટાને ભૂલશો મા ને ખરેખરા સાધુ થાજો.' ત્યારે તે કહે, 'બાપા! આપની દયા છે તેથી હરકત નહિ આવે, પણ આમ ને આમ રાજી રહેજો.' એ વખતે સાધુ હરિચરણદાસજીએ આવી બાપાશ્રીને ફૂલનો હાર પહેરાવ્યો ને 'જય સ્વામિનારાયણ' કરી તુરત ચાલ્યા ગયા, ત્યારે બાપાશ્રીએ હરિભક્તોને કહ્યું જે, 'આ અમારા સાધુ છે, પણ દૈહિક સંબંધ થાય છે, તેથી અમારાથી છેટા ભાગે છે, પણ અંતરમાં હેત ને મહિમા બહુ છે, તેથી અમે તેમને ઠેઠ મહારાજની મૂર્તિમાં રાખશું.' એમ કહીને પોતે છત્રી પર આવીને બેઠા. થોડી વારે બાપાશ્રી પાસે એક સંત મહારાજની મૂર્તિ લાવ્યા તે જોઈને પોતે બહુ જ પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, 'આ મૂર્તિ સૌનું કારણ છે, કારણ વિના મોક્ષ ન થાય. આ મૂર્તિનો ચૈતન્યમાં સાક્ષાત્કાર કરવો, એ સત્સંગ કર્યાનું ફળ છે, માટે હાલતાંચાલતાં મૂર્તિનો આલોચ રાખવો. પ્રતિલોમવૃત્તિએ મૂર્તિમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ રાખે તો તત્કાળ મૂર્તિ સિદ્ધ થઈ જાય.' એમ કહી સહુને દર્શન થાય તેમ પોતે એ મૂર્તિ રાખી. આવાં દર્શનથી હરિભક્તો અત્યંત રાજી થયા.

એક દિવસ સવારમાં કથા ઊઠ્યા પછી પુરાણી કેશવપ્રિયદાસજી દહીંનો વાટકો લાવ્યા ને કહ્યું જે, 'બાપા! આપને ગરમી જણાય છે તે આ જરા પીઓ, દહીં ઠીક પડશે.' ત્યારે બાપાશ્રીએ હેતે સહિત પીધું ને બોલ્યા જે, 'પુરાણી! તમે અમને દહીં, દૂધ જમાડો છો તેને બદલે અમે તમને મૂર્તિનું દિવ્ય અલૌકિક સુખ જમાડશું.' એમ કહી તેમના પર પ્રસન્નતા જણાવી માથે હાથ મૂક્યા.

એ રીતે સૌને દર્શન-સેવાનું સુખ આપતા બાપાશ્રીએ પારાયણની સમાપ્તિ વખતે પુસ્તક, પુરાણીની પૂજા કરી સંતોને વસ્ત્રો ઓઢાડ્યાં. પછી વાડીમાં સહુને જમાડવાનું કર્યું હતું ત્યાં જઈ હરિભક્તોની પંક્તિમાં સૌને દર્શન દેતા પોતે ત્યાં જ સૂઈ રહ્યા. પછી બપોરે ત્રણ વાગ્યે જાગ્યા ત્યારે મિસ્ત્રીઓના નાના નાના દીકરાઓને વર્તમાન ધરાવ્યા ને જીવણભાઈ, ગોવાભાઈ તથા હરજીભાઈની વાત કરતાં સૌને ધ્યાન-ભજનનો ખટકો રાખવાની ભલામણ કરી પોતે ત્યાંથી વૃષપુર આવ્યા.