દ્વિતીય આવૃત્તિનું નિવેદન
એ એક સત્ય ઘટના છે કે આર્ષદૃષ્ટા પુરુષો જગતમાં અધ્યાત્મજ્ઞાન જેટલું પોતાની વાણી દ્વારા પ્રવર્તાવે છે તેથી વિશેષ પોતાના વર્તન દ્વારા પ્રગટ કરે છે. તેથી જ મહાન વિભૂતિઓના જીવન-વૃતાંત માનવ જગતને પોતાના જીવનઘડતર માટે અત્યંત ઉપયોગી અને આવશ્યક બની રહે છે.
જ્ઞાનમાર્ગના પિપાસુઓ માટે આ પ્રકારનું આ એક માર્ગદર્શક દિવાદાંડીસમ જીવનચરિત્ર છે. જે વિલક્ષણ મનુષ્ય-સ્વરૂપ ભગવદ્ ઈચ્છાથી પૃથ્વી પર પ્રગટ થાય છે, તેમાં સંભવ-અસંભવ વાતો તાણાવાણાની જેમ પરસ્પર જોડાઈ, એક અવનવું અલૌકિક ચિત્ર ઉપસી આવે છે. આવા જીવનચરિત્રના સર્જન પાછળ સર્વોપરી પુરુષોત્તમનારાયણની જીવોના મોક્ષ માટેની ઈચ્છા જ કારણરૂપ હોય છે.
આ ચરિત્રના પ્રેરક અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીના જ્ઞાની શિષ્યોમાં અગ્રણી એવા સ.ગુ. સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજી છે, જેમનું વિસ્તૃત જીવનવૃત્તાંત ‘વાત્સલ્યમૂર્તિ સદ્ગુરુ’ ના નામથી આ જ સંસ્થા તરફથી ઈ.સ. ૧૯૮૭માં પ્રસિધ્ધ થયેલ છે. તેઓશ્રીએ પોતાના જીવનભરના સહવાસ દ્વારા અનુભવેલા અવર્ણનીય દિવ્યભાવમાંથી પ્રગટેલા ગુરુભાવને દિવ્યાંજલિ અર્પવા અને સંસારમાં અજવાળાં પાથરે એવા જીવનચરિત્રનો ગ્રંથ તૈયાર કરાવવા, સંતમૂર્તિસમ પ.પૂ. શ્રી સોમચંદભાઈ જીવરાજભાઈને પ્રેરણા કરી. મુક્તરાજ સોમચંદભાઈએ પોતાને સોંપાયેલું આ કાર્ય અતિ હર્ષોલ્લાસ સહ સ્વીકારી શરૂ કર્યું. દિવ્ય સ્વરૂપ અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીના પ્રાગટ્યથી માંડીને અંતર્ધાન સુધીના સમયમાં તેમનાં સંબંધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવેલાં સગા-સંબંધીઓ તથા તેમના અધ્યાત્મજીવનના અંગભૂત વિશાળ શિષ્યવૃંદમાંથી અનેક ત્યાગીગૃહી મુક્તોનો સંપર્ક સાધ્યો. એ સર્વેના સહયોગથી પ્રમાણભૂત સામગ્રી એકત્ર કરી એક એવો સંગ્રહ સંકલિત કર્યો કે જે મનુષ્ય જીવનમાં હરિરસના વાંછુને પરમાત્માનો વેગ હાડોહાડ લગાડી દે. આ કાર્ય આશરે બે વર્ષ ચાલ્યા બાદ ગ્રંથની રચના પ્રકાશન માટે પૂર્ણ થઈ ગઈ.
તેની સાથે સાથે આ ગ્રંથના પ્રેરણામૂર્તિ સ.ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ પોતાના દેહની અવધિ પૂરી થવા આવી હોય એવો ભાવ જણાવવા માંડ્યો. એ ક્ષણ પહેલાં પોતાનો સંકલ્પ મૂર્ત થયો તે જાણી સ્વામીશ્રીએ પોતાના પ્રિય શિષ્ય શેઠ શ્રી હીરજીભાઈ ભીમજીભાઈ ચાવડાને ગ્રંથનું પ્રકાશન તત્કાળ શરૂ કરાવવા આજ્ઞા કરી. સ્વામીશ્રીના આ જ્ઞાની, શૂરવીર ને અનન્ય શિષ્યે વિના વિલંબે ગ્રંથને પ્રકાશિત કરવાનું કાર્ય અવિરત ચલાવ્યું. પરિણામે આ ગ્રંથરૂપી અમૃતકુંભ ઝડપભેર પ્રગટ થયો. સં. ૧૯૯૮ (ઈ.સ. ૧૯૪૨)ની સાલ હતી. આ દિવ્ય ગ્રંથનું શ્રવણ કરી, ભગવાન શ્રી સ્વામિનારાયણના આ અનન્ય, નીડર, સિદ્ધાંતવાદી સંત સ.ગુ. સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજી પોતાની દેહલીલા સમાપ્ત કરી, ચૈતન્યમાત્રના આધાર એવા સર્વોપરી શ્રીહરિના દિવ્ય સ્વરૂપમાં સદાયને માટે જોડાઈ ગયા. સ્વામીશ્રીનો દિવ્ય જીવનદીપ બૂઝાતાં પહેલાં જ્ઞાન-પ્રકાશ પાથરતો આ અલૌકિક જીવનચરિત્રરૂપી જ્ઞાનદીપ પ્રગટ થઈ ગયો... શ્રીહરિની કેટલી પ્રસન્નતા?... કેવો પ્રબળ સંકલ્પ?...
આવો દિવ્યભાવસભર મહાન ગ્રંથ છપાતાં જ આતુરતાથી રાહ જોઈ રહેલાં મુમુક્ષુઓએ તે તક ઝડપી લીધી. શરૂઆતમાં ૧૦૦૦ પ્રત છપાઈ હતી. ધીરે ધીરે માંગ વધતાં ધાર્યા કરતાં ઓછા સમયમાં પ્રત ખલાસ થઈ ગઈ. સ્વાભાવિક રીતે જ આર્થિક અનુકૂળતા પર આધારિત, આવા સચિત્ર દળદાર ગ્રંથનું પુનઃ પ્રકાશન થતાં સમય લાગે; એટલે થોડા સમય સુધી આ ગ્રંથ અલભ્ય રહ્યો.
શ્રીજીમહારાજ તથા બાપાશ્રીની દિવ્ય પ્રેરણાથી આ ગ્રંથના મૂળ પ્રસિદ્ધકર્તા અ.નિ. અનાદિ મુક્તરાજ પ.પૂ. શેઠશ્રી હીરજીભાઈ ભીમજીભાઈ ચાવડાના, સમાજમાં અને સત્સંગમાં અનન્ય પ્રતિષ્ઠા ધરાવતા સુપુત્રો શ્રી જયંતિભાઈ ચાવડા, શ્રી મનુભાઈ ચાવડા તથા શ્રી ધીરુભાઈ ચાવડા તરફથી પ્રસ્તુત ગ્રંથ-પ્રકાશનના કાયદેસર સર્વે હક્કો સહર્ષ પ્રાપ્ત થતાં જ, સુસ્થાપિત સંસ્થા શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશને સંસ્થાના પ્રમુખ અ.મુ. શ્રી નારાયણભાઈના માર્ગદર્શન હેઠળ આ ગ્રંથની દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન કાર્ય સત્વરે હાથ ધર્યું ને ટૂંક સમયમાં જ સર્વેને સુલભ થાય એ રીતે જહેમત ઉઠાવી, જીવમાં ટાઢું થાય એવો જ્ઞાનરસ રેલાવતો આ ગ્રંથ બે ભાગમાં પ્રગટ કરેલ છે. સમસ્ત વિશ્વના મુમુક્ષુઓને મોક્ષોપયોગી આવું ઉત્તમ સાધન પૂરૂં પાડવાની તક મળવા બદલ સંસ્થા અત્યંત આનંદ, ગૌરવ ને ધન્યતા અનુભવે છે અને પ.પૂ. અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રી સાર્ધ શતાબ્દીના ઉપલક્ષ્યે સત્સંગ તેમજ સમગ્ર માનવ સમાજની સેવામાં અર્પણ કરી શ્રી હરિની પ્રસન્નતા વાંછે છે.
આ ગ્રંથ પ્રકાશિત કરવામાં સંસ્થા કોનું નામ માંડી આભાર માને અને કોનું છોડે? સંસ્થાના સર્વજીવહિતાવહ ઉચ્ચતમ પ્રકાશનકાર્યમાં આજદિન સુધી સહાયરૂપ થયેલ સર્વે દાતાઓ પર, તેમજ સુંદર મુદ્રણ કાર્ય, બાઈન્ડીંગ આદિ છપાઈ કામને લગતી બાબતો પ્રત્યે પૂરતી કાળજી રાખી, આ ગ્રંથ પ્રકાશિત કરવામાં સંસ્થાના નિષ્ઠાવાન સેવકોએ ખૂબ જ પરિશ્રમ લઈ, નિઃસ્વાર્થ ભાવે જે સેવા બજાવી છે તે બદલ એ સર્વે પર શ્રીજીમહારાજ તથા તેમના મહામુક્તોની પ્રસન્નતા સદાકાળ વરસતી રહે એ જ અભ્યર્થના.
પ્રકાશન સમિતિ
શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશન