૬૭૮ - ધનજીભાઈનું ઉત્તરકાર્ય પાસે રહી કરાવ્યું
બીજે દિવસ સવારમાં બાપાશ્રી નિત્યવિધિ કરી સંતોને મળીને નારાયણપુર જવા તૈયાર થયા ત્યારે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, ‘આજ ધનજીભાઈનું ઉત્તરકાર્ય છે, તેથી મારે ત્યાં જવું જોશે, કેમ કે ગામોગામના હરિભક્તો આવ્યા હોય તે બધા ટાણે સંભારે.’ એમ કહી થોડા હરિભક્તોને સાથે લઈ પોતે નારાયણપુર પધાર્યા ત્યાં તો ધનજીભાઈનું કુટુંબ તથા ગામ-પરગામના હરિભક્તો રાજી રાજી થઈ ગયા. સહુને એમ હતું જે, ‘બાપાશ્રીને ઘેર મોટો યજ્ઞ છે, પણ ધનજીભાઈના ટાણામાં પંક્તિ વખતે પણ પોતે આવ્યા વિના રહેશે નહિ.’ ત્યાં તો વહેલા આવી જવાથી સહુ વધુ રાજી થયા. બાપાશ્રી તો આવ્યા એટલે પાધરા જ હરિભક્તોને સમાચાર પૂછવા લાગ્યા. એકબે વાર પાકશાળામાં પણ જઈ આવ્યા ને ધનજીભાઈના દીકરાઓને કહ્યું જે, ‘તમે કોઈ વાતની ચિંતા ન રાખજો.’ પછી થોડી વાર મંદિરમાં ગયા ત્યાં પણ મોટી સભા ભરાઈ ગઈ, ત્યાં પોતે મહારાજના મહિમાની વાતો કરતા કરતા ધનજીભાઈની પ્રશંસા કરવા લાગ્યા. તે વખતે ધનજીભાઈના વચેટ દીકરા દર્શન કરવા આવ્યા, તેને બાપાશ્રી કહે, ‘લાલજી બચ્ચા! ઉતાવળ રાખો એટલે સૌને જમવાનું મોડું ન થાય.’ એમ કહી ઉતાવળ કરાવતા જ્યારે જમવાનો સાદ પડ્યો ને વાડીમાં પંક્તિઓ થઈ ત્યારે પોતે પાલખીમાં બેસીને સહુને દર્શન દેવા લાગ્યા, પછી સૌ જમી રહેવા આવ્યા ત્યારે પોતે ઉગમણી કોરે આંબાના વૃક્ષ નીચે પાથરેલ આસન પર આવીને બેઠા, તે જોઈ બીજા પણ નાતના મોટા મોટા પટેલિયાઓ અને કેટલાક વેપારી તથા ગામધણી અને જાગીરદારો પાસે આવી આવીને બેઠા. તે વખતે ધનજીભાઈના દીકરાઓએ બાપાશ્રીની ચંદન-પુષ્પથી પૂજા કરી પાઘડી બંધાવી તથા આંગડી પહેરાવી. ત્યારે બાપાશ્રીએ તથા કેટલાક હરિભક્તોએ પણ ધનજીભાઈના ત્રણેય દીકરાઓ તથા પૌત્ર દેવરાજ, માવજી, કરસન અને કેસરા વગેરેને નાતના રિવાજ પ્રમાણે પાઘડીઓ બંધાવી તથા તેમના ભાઈઆત સર્વેને પણ પાઘડીઓ બંધાવી. પછી એ સર્વે બાપાશ્રીને પગે લાગી, પંક્તિમાં ફરી સહુને ‘જય સ્વામિનારાયણ’ કરી આવ્યા. આ રીતે બાપાશ્રીએ ધનજીભાઈનું ઉત્તરકાર્ય પાસે રહીને કરાવ્યું. પછી ત્યાંથી પોતે તેમને ઘેર આવ્યા, ત્યાં અમરબાઈએ થાળ કરી રાખ્યો હતો તે ઠાકોરજીને જમાડી ધનજીભાઈના કુટુંબ પર બહુ જ પ્રસન્નતા જણાવી હરિભક્તોએ સહિત પાછા વૃષપુર પધાર્યા. ત્યાં આરતી-ધૂન્ય કરી સભામાં બેઠા, ત્યારે બાપાશ્રીનાં દર્શનથી સહુ આનંદ પામ્યા. મોડેથી કથાની સમાપ્તિ પછી બાપાશ્રી આસને આવ્યા, ત્યાં સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી સાથે વાતો કરતા કરતા મોડું થઈ જવાથી પોતે પોઢી ગયા.