૩૪૪ - મુક્તરાજ દેવજીભાઈ પર મહારાજની દયા

0:000:00

આ મુક્તરાજ દેવજીભાઈ મહા સમર્થ હોવાથી તેમની સાથે શ્રીજીમહારાજ ઘણી વાર વાતો કરતા, તો પણ બાપાશ્રી પાસે તો એ બહુ જ નિર્માનીપણું જણાવતા. અનાદિ મુક્તરાજ બાપાશ્રી પણ તેમનો મહિમા સંત-હરિભક્તોને ઘણી વાર કહેતા. પોતાની નિરાવરણ દૃષ્ટિ અને મહારાજને વિષે અત્યંત હેત ને મહિમા, તેથી ઘણી વાર તેમને શ્રીજીમહારાજ પ્રત્યક્ષ દર્શન દેતા.

એક દિવસ પોતે કીર્તન બોલતા બોલતા મંદિર વાળતા હતા, ત્યાં મહારાજે પણ સિંહાસનમાંથી હેઠા ઊતરી બીજી સાવરણી હાથમાં લઈ વાળવા માંડ્યું. એ જોઈ પોતે હાથ જોડી પ્રાર્થના કરવા મંડ્યા જે, ‘મારા નાથ! તમે રહેવા દ્યો, હું વાળું છું.’ ત્યારે મહારાજ કહે, ‘તમે ભક્તિ કરો છો, તેમ અમેય કરશું. અમને ભક્તિ બહુ વહાલી છે.’ એમ કહી તેમના પર પ્રસન્નતા જણાવી પાછા સિંહાસનમાં જઈને બેઠા.

એક દિવસ મુક્તરાજ દેવજીભાઈએ મહારાજને ડોલરિયાનો હાર પહેરાવ્યો, તે હાથમાં લઈ મહારાજે સારી પેઠે સૂંઘ્યો ને થોડી વાર પછી તેમને પાછો આપીને બોલ્યા જે, ‘આવો હાર અમને બહુ ગમે છે.’

આ દેવજીભાઈ જ્યારે ભૂજ દર્શને આવતા ત્યારે સંત-હરિભક્તોની સભાને દિવ્ય તેજોમય દેખતા. એકાદશીનું જાગરણ હોય ને સંતો મૂર્તિનાં કીર્તન બોલતા હોય ત્યારે તેમને અલૌકિક દર્શન થવા માંડે, એટલે ઘણી વાર એમ ને એમ સ્થિર થઈ જાય ને દેહની પણ ખબર રહે નહિ.

ક્યારેક એ બેઠા હોય ને જાણે મહારાજ માણકી ઘોડી દોડાવતા આવે ને કોઈ વાર ધર્મપિતા ને ભક્તિમાતા સાથે હોય એવાં દર્શન થાય.

એક વાર પોતે ભૂજથી ઠાકોરજીના દર્શન કરી સુખપુર જતા હતા, ત્યાં આકાશમાંથી એક રથ આવ્યો, તેમાં શ્રીજીમહારાજ તથા સાથે સદ્‍ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી બેઠેલા એવાં દર્શન થયાં.

આ પ્રમાણે તેમને ઘણી વાર મહારાજનાં દર્શન થતાં હોવાથી તેમની દૃષ્ટી નિર્ગુણ થઈ ગઈ, તેથી એ બ્રહ્મચારી, સાધુ તથા હરિભક્ત બાઈ-ભાઈ સર્વેને દિવ્ય દેખતા ને વાતો પણ એવી જ કરતા.

અનાદિ મુક્તરાજ બાપાશ્રીને વિષે પણ તેમને ઘણું હેત હોવાથી જે જે સંત-હરિભક્તો તેમનાં દર્શન કરવા જાય તેને વાતો કરી મહિમા સમજાવતા ને જોગ-સમાગમ કરવાની ભલામણ કરતા, આથી તેમની ઉત્તમ સ્થિતિ સહુ કોઈના જાણવામાં આવી ગઈ હતી.

હવે અનાદિ મુક્તરાજ બાપાશ્રી હિંડોળાના દર્શન કરી ઘેર આવ્યા પછી શરીરમાં થોડી થોડી શરદી ને તાવ જણાવતા હોવાથી ત્રણ-ચાર મહિના સુધી તો સવાર-સાંજ મંદિરમાં જ રહેતા ને પુત્ર-પૌત્રાદિક સેવા કરે તે અંગીકાર કરતા. કોઈ વાર વાડીએ જવાની ઇચ્છા થાય તો ઘોડી પર બેસી જઈ આવે. એકાદશીનો દિવસ આવે ત્યારે ધીરે ધીરે ચાલીને છત્રીએ જાય, પણ વધુ તો મંદિરમાં જ બેઠા હોય. ગામના હરિભક્તો પોતાની પાસે વચનામૃત વાંચતા હોય તેમાંથી ક્યારેક પોતે વાતો કરી સમજાવે. રાત્રે સભામાં ‘ભક્તચિંતામણિ’ની કથા થતી હોય ત્યારે પોતે સાવધાન થઈ બેસે ને મહારાજના ચરિત્રમાં શું શું યાદ રાખ્યું તે હરિભક્તોને પૂછી, તે ચરિત્રોની વિસ્તારીને વાતો કરે. ગામના હરિભક્તો રાત્રે ઘણી વાર સેવા કરે, પાસે બેસી માળા ફેરવે કે કીર્તન ગાય, તેમના પર પોતે પ્રસન્નતા જણાવી માથે હાથ મૂકી મળે ને રાજીપો જણાવે, તેથી હરિભક્તો પણ પોતાનાં અહોભાગ્ય માની આનંદ પામતા હતા.