૩૯૪ - સંત-હરિ ભક્તોને રસ પાયો
આ રીતે બાપાશ્રી સંત-હરિભક્તોને સુખિયા કરતા હતા. ત્યાં એક દિવસ લાલુભાઈ વગેરે હરિભક્તોએ કેરીની રસોઈ કરાવીને ઘણો રસ કઢાવ્યો, અને સંત-હરિભક્તોની મોટી પંક્તિમાં બાપાશ્રી સૌને રસ પીરસે એવી માંગણી કરી. ત્યારે બાપાશ્રી ક્હે, ‘એમ પંક્તિમાં અમારાથી ન પીરસાય, અને સંતો પીરસે તેમાં અમે ભેગા છીએ,’ આમ કહ્યાથી એ કાંઈ બોલ્યા નહિ, પણ સંતો જમી રહ્યા તોય સૌને એ તાણ મટી નહિ ને રસ પણ ઘણો વધી પડ્યો, તેથી લાલુભાઈએ ફરી વાર બાપાશ્રીને પ્રાર્થના કરવા પુરાણી કેશવપ્રિયદાસજીને કહ્યું, ત્યારે તેમણે હાથ જોડી પ્રાર્થના કરી જે, ‘બાપા! લાલુભાઈને હજી તાણ રહ્યા કરે છે, તેથી વધેલ રસ આપ સંતોને પીરસીને જમાડો તો એ રાજી થાય!’ આવાં વચન સાંભળી કથા થઈ રહ્યા પછી બાપાશ્રીએ દડિયા મગાવી સૌને આપ્યા અને પોતે ઉઘાડે શરીરે ઊભા થઈ મોટા વાટકાથી સૌને રસ પીરસવા લાગ્યા. આથી લાલુભાઈ આદિ હરિભક્તો ઘણા રાજી થયા ને એ પણ સૌની સાથે દડિયામાં રસ લઈ પીવા મંડ્યા. એ ટાણે સૌનાં હૈયામાં હર્ષ સમાય નહિ. બાપાશ્રી પણ બીજી વાર વાટકો ભરી ભરીને સૌને પીરસતા આવે ને કહે જે, ‘રસ લ્યો; ના ન પાડો, આજ લાલુભાઈને ખૂબ રાજી કરો.’આમ કહે; પણ સંત-હરિભક્તો તૃપ્ત થઈ ગયા હોવાથી આડા હાથ ધરે, ત્યારે પોતે હાથમાં રસનો વાટકો લઈ તાણ કરી કહે, ‘નહિ આવે ફેરી, નહિ આવે ફેરી, આ અવસર નહિ આવે ફેરી,’ જેમ લાલુભાઈ તમને કેરીનો રસ જમાડે છે, તેમ અમે તમને અક્ષરધામમાંથી મહારાજના સંકલ્પે કરી મૂર્તિના સુખનો રસ જમાડવા આવ્યા છીએ. તેથી જે વધુ રસ લેશે તેને મૂર્તિનું સુખ વધુ મળશે’ એમ ત્રણ-ચાર વાર રસ પીરસી સૌને તૃપ્ત કરી મૂક્યા. પછી સંતોએ પણ બાપાશ્રીને તાણ કરી સારી પેઠે રસ પાયો, તેથી લાલુભાઈ આદિ હરિભક્તો ઘણા રાજી થયા.
બાપાશ્રીને તો સહજસ્વભાવે જમવામાં રુચિ બહુ ઓછી, તેથી સંતો જમવા બેસે ત્યારે પોતે પંક્તિનાં દર્શન કરી, ઘેર જઈ તેમનાં પુત્રી વાલબા કે રાધાબાએ રોટલા, ખીચડી સાથે ભીંડા, રાતડીઆ કે ગુવારનું શાક કરેલ હોય તે થોડી વારમાં ઠાકોરજીને જમાડી લે. ક્યારેક જમતી વખતે લાલુભાઈ જેવાં હરિભક્તો દર્શન કરવા ગયા હોય ને કાંઈ વધુ લેવાની તાણ કરે તો કહે, ‘મને શરીરે આમ ઠીક રહે છે. જરા વધુઘટુ જમાય કે થાળમાં ફેરફાર થાય એટલે બંધકોષ થઈ જાય છે, કાં તો વાયુ જણાય છે,’ –એમ કહે ને ક્યારેક કોઈ બહુ જ આગ્રહ કરે તો તેમને રાજી કરવા જરા અંગીકાર કરે, પણ ત્યાગની રુચિ ઘણી.
આ રીતે સંત-હરિભક્તોને સુખિયા કરતાં બાપાશ્રીએ સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી પર બે કાગળો લખ્યા હતા કે, તમે હવે તુરત આવો; તમારું જરૂરનું કામ છે. થોડા દિવસ વીતતાં સંતો ન આવ્યા ત્યારે બાપાશ્રીએ જાણ્યું જે, ‘તેમને કાગળ તો પહોંચ્યા હશે, પણ મંદિરના કોઈ વ્યાવહારિક કામને લીધે આવી શક્યા નહિ હોય અથવા તો ગામડામાં ક્યાંક ગયા હશે.’ –એમ જાણી ત્રીજો કાગળ લખ્યો જે, ‘આ કાગળ તાર જેવો જાણી જેમ બને તેમ અહીં વહેલા આવજો.’