૧૩૬ - તેજોમય દર્શન અને દિવ્યભાવ

0:000:00

એક દિવસ અજવાળી રાત હતી ને એક વાગ્યે ભાઈશ્રી લઘુ કરવા ઊઠયા, ત્યારે પોતે પણ જાગ્યા ને ભાઈશ્રી લઘુ કરી આવી ઉઘાડે શરીરે ચાલ્યા આવતા હતા તે જોઈ દર્શન કરતા ઊભા રહ્યા. (એ વખતે મંદિરના ફળિયામાં ખજૂરી હતી.) જ્યારે ખજૂરીના થડ પાસે ભાઈશ્રી પહોંચ્યા ત્યારે રામજીભાઈએ ભાઈશ્રીનું શરીર બધુંય તેજોમય દીઠું. તેથી ‘અહો! અહો!’ કરતાં દંડવત્ કરવા લાગ્યા ને બોલ્યા જે, ‘મારા બાપલિયા! તમે આવા તેજોમય છો? તમને હું આવા જાણતો નહોતો,’ એમ કહી ચરણમાં માથું મૂકી પ્રેમનાં આંસુથી ચરણ ભીના કરી મૂક્યા. ભાઈશ્રી કહે, ‘રામજીભાઈ! રાખો! રાખો!’ પણ આ તો ઊભા થઈ ઉઘાડે શરીરે ભેટી પડ્યા તે મુકાવ્યા મૂકે નહિ, ને તેને માંડ માંડ સમજાવ્યા. પછી ત્યાં જ બેસી ભલામણ કરી જે, ‘પ્રેમ બહુ બહાર ન જણાવવો; માંહી હેત રાખવું. મહારાજ ને મુક્ત તો સદાય દિવ્ય તેજોમય છે, પણ કેટલાક આવી વાત ન સમજે, તેથી મહિમા જાણે નહિ ને ઊલટા અવગુણ લે.’ એમ કહી તેમનો હાથ ઝાલી આસને લાવ્યા ને સૂઈ જવાનું કહ્યું, પણ આમને તો સળંગ દિવ્યભાવ થઈ ગયો ને હેત ઝાલ્યું રહે નહિ, તેથી આસનમાં સૂતા સૂતા હર્ષ પામતાં સવારમાં વહેલા જાગ્યા ને નાહી પૂજા કરી, ઠાકોરજી તથા ભાઈશ્રીનાં દર્શન કર્યા, પણ એવો ને એવો જ આનંદ! પછી તો એ ગામમાં જતાં-આવતાં સૌને હાથ જોડે ને બોલે જે, ‘અહો! તમારાં મોટાં ભાગ્ય છે, તે આ ગામમાં તમારો જન્મ આવ્યો છે! વળી ઝાડને બથમાં લઈને મળે ને વખાણે, ચરણરજ માથે ચડાવે, કણબીનાં નાનાં દીકરા-દીકરીઓને પગે લાગે. સવાર-સાંજ સભામાં બેસે, વાતો સાંભળે, પણ સૌનો દિવ્યભાવ થઈ ગયો. ભાઈશ્રી થોડું બોલાવે, પણ એ તો તેમના સામું જ જોઈ રહે. ક્યારેક તેમની સાથે વાતો કરે ત્યારે તેમનાં થોડાં વચન પણ લાખો વચન જેવાં માની રાજી રાજી થઈ જાય. થોડા વખત પછી જ્યારે ભાઈશ્રીએ તેમને દેશમાં જવાની રજા આપી ત્યારે માંડ માંડ જવાનું કર્યું. પણ માર્ગમાં એવો વિચાર કરવા લાગ્યા જે, ‘મને ભાઈશ્રીએ આપેલા વરદાન પ્રમાણે મારા પર પ્રસન્નતા હશે કે કેમ?’ ત્યાં તો તેજનો સમૂહ હમહમાટ કરતો સામેથી આવતો જોયો, તેથી પોતે ઝબક્યા ને ત્યાં જ બેસી ગયા ને જાણ્યું જે, આ શું? ત્યાં તો એ તેજ પોતાના શરીર સોંસરું થઈને વૃષપુર તરફ ચાલ્યું ગયું, તેથી જાણ્યું જે, આ ભાઈશ્રીનો પ્રતાપ ને ચમત્કાર લાગે છે. પછી તો એ વારે વારે દર્શને આવતા ને જોગ-સમાગમ, સેવા કરતા. વળી કોઈ સાધુને કચ્છમાં જવાનું સાંભળે તો મહિમા કહે, ભાડું આપે અથવા સાથે તેડી જાય. એમ તેમણે ઘણાને આ મુક્તરાજની ઓળખાણ પડાવી. આ રીતે બે વર્ષ સુધી આવતાજતા ને સેવા-સમાગમ કરતા.