૧૫૦ - કુંવરજીભાઈ પર અત્યંત કૃપા
આ વખતે વૃષપુરમાં અનાદિ મુક્તરાજ ભાઈશ્રી સાથે અતિશય હેત રાખનારા પટેલ કુંવરજીભાઈને પણ મંદવાડ જણાતો હતો; તેની પાસે પોતે નિત્ય જતા ને મહારાજના મહિમાની વાતો કરતા. તેમણે આ મુક્તરાજની સેવા બહુ કરેલી, તથા જે જે વખતે પોતે તીર્થમાં કે મોટા સંતના જોગ-સમાગમમાં જવાનું કરતાં, ત્યારે આ કુંવરજીભાઈ તથા નારાયણપુરવાળા જાદવજીભાઈ વગેરે ભેગા જ હોય. વળી આ મુક્તરાજની સાથે રહી તેમની બહુ જ સેવા કરી હતી, તેથી એક વખત સદ્ગુરુ સ્વામી નિર્ગુણદાસજીએ પ્રસન્ન થઈ તેમને કહેલું કે, ‘આ સેવા બદલ તમારી અમે અક્ષરધામ સુધી સેવા કરીશુ.’ એ વચન પ્રમાણે કુંવરજીભાઈના આ છેલ્લા મંદવાડમાં ભાઈશ્રી અતિ હેત જણાવી મહારાજ તથા મોટા મુક્તના મહિમાની વાતો કરી સુખિયા કરતા. એક દિવસ સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળને ઘેર તેડાવી કુંકુમ તથા ફૂલના હારથી પૂજા કરી ધોતિયાં ઓઢાડી રાજી કર્યા હતા. ભૂજમાં પણ ઠાકોરજી તથા સંતોની સેવા બહુ કરતા. તેથી એ સૌની તેમના પર ઘણી પ્રસન્નતા હતી. ભાઈશ્રી પણ જ્યારે સમય મળે ત્યારે સવાર-સાંજ તેમની પાસે જાય, પાસે બેસી વાતો કરે, તેથી એ બહુ રાજી થતા. એક વખત રાત્રે ઘરના સૌ પાસે બેઠા હતા ને આ મુક્તરાજે ભલામણ કરવા માંડી કે, ‘કુંવરજીભાઈ! મૂર્તિમાં વૃત્તિ જોડી મેલજો. વળી આપણે સંઘ લઈ તીર્થમાં ગયા હતા તે અને ત્યાર પછી મૂળીએ સદ્ગુરુ સ્વામી નિર્ગુણદાસજીએ ચોમાસામાં તેડાવ્યા હતા અથવા સ્વામીશ્રીના છેલ્લા મંદવાડ વખતે ગયા હતા એ વખતે જે જે દર્શન કર્યા છે ને વાતો સાંભળી છે ને સ્વામીશ્રીએ રાજી થઈને આશીર્વાદ આપ્યા છે તે બધું સંભારવું; એમ કરતાં કરતાં મહારાજ ને મોટા મુક્તની કૃપાથી સુખ ઓચિંતાનું આવી જાય; વાર ન લાગે. સુખ તે શું? તો શ્રીજીમહારાજનું દિવ્ય અલૌકિક દર્શન થાય તે. જેમ વીજળીના ઝબકારા ઓચિંતા થઈ જાય છે, તેમ આપણા ઉપર મોટા રાજી થયા છે, તે ઓચિંતા મહારાજ આવીને ઊભા રહેશે, સાધારણ જેવા જીવ હોય તે પણ મોટાના આશીર્વાદે સુખિયા થઈ જાય છે, તો આપણે તો મોટા મોટાને સેવાએ કરીને રાજી કર્યા છે, એમ જાણી અંતરમાં બહુ જ આનંદ રાખવો ને મૂર્તિમાં વૃત્તિ પરોવી મેલવી. આ ટાણે એવું કરી નાખવું કે લોક, ભોગ, દેહ, સગા, સંબંધી આદિ કોઈ છે જ નહિ. એક મહારાજ અને તેમના લાડીલા મુક્ત એ બે જ વસ્તુ છે; બીજું કાંઈ નથી. મોટા મુક્ત તો શ્રીજીમહારાજના અવતાર છે, તેથી એ તો સાથે ને સાથે જ હોય એમ જાણવું. તમે મારી સેવા ઘણી કરી છે, એ બધુંય જાણું છું; પણ તેનો બદલો શ્રીજીમહારાજ તમને આપશે,’ એમ રાજીપો જણાવી શરીર પર તથા માથા પર હાથ ફેરવી બહુ હેત જણાવ્યું. કુંવરજીભાઈએ તે વખતે હાથ જોડી પ્રાર્થના કરી કે, ‘ભાઈ! મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તોય માફ કરી આવા ને આવા રાજી રહેજો, તમે અક્ષરધામમાંથી જીવોને મહારાજ પાસે લઈ જવા આવ્યા છો એમ સ્વામીશ્રી ઘણી વાર કહેતા, પણ આપણે ભેળીસારો બહુ, તેથી મારો કાંઈ વાંકગુનો થયો હોય તોય તમારી મોટપ સામું જોઈને રાજી રહેજો.’ એ વખતે વળી ભાઈશ્રીએ અત્યંત રાજીપો બતાવી કહ્યું કે, ‘ભાઈ! તમે તો કાંઈ વાંકગુનો કર્યો નથી, પણ મારી ખરેખરી સેવા કરી છે. આ સેવાનું ફળ તમને બહુ મોટું મળશે.’ એમ કહી ઘેર ગયા. કુંવરજીભાઈ આ વચન થી ગદગદ થઈ ગયા ને મહારાજને સંભારતાં પોતાનાં અહોભાગ્ય માનવા લાગ્યા. આમ નિત્ય પ્રત્યે નવા નવા હેતે મહારાજ તથા ભાઈશ્રીને સંભારતાં જ્યારે દેહ મૂકવાનો સમય થયો ત્યારે તેમને દિવ્ય મૂર્તિ શ્રીજીમહારાજ તથા ભાઈશ્રી અને અનેક મુક્તમંડળનાં દર્શન થયાં; એ વખતે પોતે સૂતા સૂતા સૌને હાથ જોડ્યા ને બોલ્યા જે, ‘હે મહારાજ! તમે મારા પર બહુ દયા કરી.’ એમ કહેતાં દેહનો ત્યાગ કરી અક્ષરધામમાં ચાલ્યા ગયા. આ રીતે તેમને અનાદિ મુક્તરાજ ભાઈશ્રીની સેવાનું તથા મોટા મોટાના જોગનું ફળ મળ્યું.