૬૦ - સંઘ નું અમદાવાદમાં આગમન

0:000:00

ત્યાર પછી ચૈત્ર સુદ આઠમની સવારે સંઘના હરિભક્તો જેતલપુરથી ચાલ્યા તે માર્ગમાં અસલાલીમાં દર્શન કરી વચમાં પ્રસાદી તળાવે નાહિ, ઠાકોરજી જાગ્યા તે વખતે અમદાવાદ મંદિરમાં પહોંચ્યા. ત્યાં નરનારાયણ દેવ, ધર્મભક્તિ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણદેવ તથા ઘનશ્યામ મહારાજ આદિ શ્રીહરિની મૂર્તિઓનાં દર્શન કરી, સહુ ધર્મધુરંધર આચાર્યશ્રી કેશવપ્રસાદજી મહારાજનાં દર્શન કરવા ગયા. ત્યાં સૌએ શ્રીફળ, રૂપામો’ર આદિ ભેટ મૂકી દંડવત્ કર્યા, ત્યારે આચાર્ય મહારાજે પણ સૌના કુશળ સમાચાર પૂછી ઉતારા કરાવવા સંતોને ભલામણ કરી. ત્યાંથી સૌએ સભામાં દર્શન કર્યાં, પછી સદ્‍ગુરુ સ્વામીશ્રી નિર્ગુણદાસજી સ્વામીને આસને આ સંઘ આવ્યો. સ્વામીશ્રી પાસે તો ઘણા સંત-હરિભક્તોની સભા બેઠી હતી, ત્યાં સંઘ સાથે ભાઈશ્રીને જોયા, ને ભાઈશ્રીએ સ્વામીશ્રીને જોયા, કે તુરત પોતે દંડવત્ કરવા મંડી પડ્યા. તે જોઈ સ્વામી ઉતાવળા ઊભા થઈને તાળી વગાડતા ‘હં! હં! આ શું કરો છો?’ એમ કહી ઝાલી લીધા ને બાથમાં ચાંપી ખૂબ મળ્યા. પછી હાથ ઝાલી આસન પાસે ગોદડું નાખી બેસાર્યા ને એક હરિભક્તને પંખો આપી પવન નાખવા કહ્યું. આ વખતે ભાઈશ્રીએ માથે મોટી પાઘડી બાંધેલ હતી તથા શરીર પર જાડી ઘેરાળી આંગડી પહેરેલ ને ખંભે જાડો ખેસ રાખેલ હોવાથી ગરમી ઘણી થતી હતી, તેથી આખું શરીર પરસેવે પલળી રહ્યું હતું. ભાલમાંથી પરસેવો લૂતાં સ્વામીશ્રી સામું જોઈને બોલ્યા, ‘સ્વામી! આ વખતે ઘણા દિવસે દર્શન થયાં!’ ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, ‘વૃષપુરમાં અણદા ભક્તે દેહ મેલ્યો ત્યારે તમે પાસે બેઠા હતા. તે વખતે તમારા ભત્રીજા ગોવિંદ ભક્તને બહુ તેજ દેખાયું, તેથી બીવા લાગ્યા, તેને તમે ધીરજ આપીને કહ્યું કે, ‘બીઓ માં! આ તો મહારાજ ને મુક્ત પધાર્યા છે, તેમનું તેજ છે!’ પછી અણદા ભક્તને મહારાજ તેડી ગયા, તેને હજી બે મહિના માંડ થયા છે, ને ઘણા દિવસે ભેગા થયા એમ કેમ કહો છો?’ આ સાંભળી ભાઈશ્રી જરા હસ્યા, તેથી સંત-હરિભક્તોને એમ થયું જે, આ તો પોતાનું સામર્થ્ય ઢાંકીને વર્તતા લાગે છે! સ્વામીશ્રીએ આ બધી વાત ન કરી હોય તો આપણે આવી વાત કેમ જાણી શકીએ? પછી સ્વામીએ ભાઈશ્રીને ભલામણ કરી કહ્યું કે, ‘જે ઠેકાણે અણદા ભક્તની મહાપથારી હતી, તે ઠેકાણે સંવત ૧૮૬૨ની સાલમાં શ્રીજીમહારાજ થાળ જમ્યા હતા, માટે એ સ્થાને ઓટો કરાવજો. ત્યારે ભાઈશ્રી કહે, ‘બહુ સારું.’ આ રીતે ભાઈશ્રીની સામર્થી કેવી છે તે સૌના જાણવામાં આવ્યું. (સ્વામીશ્રીએ આજ્ઞા કરી તે પ્રમાણે સંઘ કચ્છમાં ગયો ત્યારે એ ઠેકાણે ઓટો કરાવ્યો છે.)

ભાઈશ્રી અખંડ મૂર્તિમાં વૃત્તિ રાખતા હોવાથી સંત-હરિભક્તોની વૃત્તિ સહજ તેમના તરફ તણાતી. તેમાં વળી સ્વામીશ્રીએ અણદા ભક્તના દેહત્યાગ વખતે મહારાજ ને મુક્તના દર્શન સંબંધી વાત કરી. તેથી કોઈને હવે એમ કહેવાની જરૂર રહી નહિ જે, આ મહાસમર્થ મુક્ત છે. સભામાં જે સંત-હરિભક્તો બેઠા હતા, તે તો એટલી વાતથી જ સમજી ગયા; પછી સ્વામીશ્રીએ માર્ગના કુશળ સમાચાર પૂછ્યા. સમાધિની વાત તો સ્વામીશ્રીથી અજાણી નહોતી. પછી મુક્તરાજ કેસરાભાઈ તથા જાદવજીભાઈને પાસે બોલાવીને સંઘના હરિભક્તોને વંડામાં ઉતારા આપવાની ગોઠવણ કરાવી. પાગરણ અપાવ્યાં ને જમવાની ભલામણ કરી. અને ભાઈશ્રીનું આસન સ્વામીશ્રીએ પોતાની પાસે કરાવ્યું. પછી સમય થયે સૌ સભામાં આવવા ઊઠ્યા.