૧૮૧ - મોરબી જતાં ત્રણ દિવસ સમુદ્રમાં રહ્યા

0:000:00

કાશીરામભાઈને ધામમાં ગયા હજુ થોડા માસ વીત્યા હતા, તે વખતે સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ વૃષપુરમાં છે, એવા ખબર પડતાં મોરબીથી રણછોડલાલભાઈનો કાગળ આવ્યો જે, ‘મને કાશીરામભાઈ ધામમાં ગયા પછી મનમાં થોડી થોડી અશાંતિ રહે છે, તો મારા પર દયા કરી અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા આપ સંતો અહીં સુધી પધારી આઠદસ દિવસ રહી મને દર્શન-સમાગમ નો લાભ આપો તો નિરાંત થાય. મારે આપ જેવા સમર્થને કાગળ લખી તેડાવવા તે કરતાં ત્યાં આવવું વધુ ઠીક ગણાય, પણ અમારું કામ એવું છે કે રજા મેળવતાં વખત લાગે અને તમો ત્યાંથી દેશમાં આવતા રહો, પછી એકલા બાપાશ્રી અહીં ન આવે, માટે દીનસેવકની આ અરજી જરૂર ધ્યાનમાં લેશો’ -એવો વિનયભર્યો પત્ર આવતાં તેમના પર રાજી થઈ બાપાશ્રી તથા સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો ભૂજ થઈ અંજાર ગયા. ત્યાં સાધુ જગજીવનદાસજી હતા, તેમને બાપાશ્રી સાથે નાનપણનું હેત બહુ હોવાથી રોકવા ઘણી તાણ કરી કહ્યું કે, ‘આજે એકાદશી છે, તેથી રોકાવો ને કાલે પારણાં કરી સુખે જજો; પણ તેમને જેમતેમ સમજાવી સંતોએ ચાલવા ઇચ્છા બતાવી, એટલે બાપાશ્રી કાંઈ બોલ્યા નહિ, પણ આગળ જતાં માર્ગમાં સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, ‘તમે રોકાણા નહિ, પણ સાધુ બહુ હેત વાળા હતા ને તેને રોકવાની તાણ સાચી હતી; જો રહ્યા હોત તો એ રાજી થાત. હવે આપણે ખારીરોળમાં રહેવું પડશે, ત્યાં પાણીની પણ અડચણ છે, ત્યારે સ્વામીશ્રી કહે, ‘આપ ભેળા છો તો બધુયે સારું થઈ રેહેશે,’ ત્યારે બાપાશ્રી કહે, ‘બહુ સારું.’ એમ વાત કરતાં ખારીરોળ પહોંચ્યા, ત્યાં તો આગબોટ તૈયાર નહોતી, તેથી સંતોએ જાણ્યું જે, ‘બાપાશ્રીએ માર્ગમાં કહ્યું હતું એ પ્રમાણે થયું.’ પછી બારશના પારણામાં ખીચડી કરીને ઠાકોરજીને જમાડી; પણ કૂવાનું પાણી ખારું તે ફાવે નહિ, તોય ત્યાં શું કરે! એ જ પાણી સૌને પીવું પડ્યું. પછી તેરશના દિવસે આગબોટ ચાલવાની હતી તેથી સહુ ટીમણ કરવાનો વિચાર કરવા લાગ્યા પણ બાપાશ્રી કહે, ‘પાણી ખારું છે તે તરશ છીપશે નહિ ને ટીમણ કરશું તો આગબોટમાં તાણ પડશે’, -આમ કહેવાથી કોઈએ ટીમણ ન કર્યાં ને એમ ને એમ બેઠા. પછી આગબોટ ચાલતી થઈ ને કાંઠો છોડી દીધો, એટલે બાપાશ્રી કહે, ‘આ આગબોટ તો માંદા જેવી છે ને મરે એવી લાગે છે.’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘જો પહેલેથી આવી વાત કરી હોત તો આપણે બેસત તો નહિ! હવે તો જેમ શ્રીજી મહારાજ ની મરજી.’ પછી આગબોટ ચારપાંચ ગાઉ જેટલે ગઈ ત્યાં કોઈ બેકડામાં ભટકાણી કે કેમ થયું પણ પાધરું જ મશીન ચાલતું બંધ પડ્યું તે ચલાવવા ઘણી મહેનત કરી પણ કાંઈ વળ્યું નહિ. પછી ત્યાં જ ઊભી રાખીને બીજા વહાણવાળા સાથે કાંઠે ખબર મોકલ્યા જે, આગબોટની આવી હાલત થઈ છે. હવે માંહી બેઠેલા બીજા માણસો તો અકળાઈને નોખા નોખા ઘાટ કરવા લાગ્યા. પણ સ્વામી આદિ સંતો તો માળા ફેરવે, કીર્તન બોલે, ધ્યાન કરે અને બાપાશ્રી તો ઘડી ઘડી ધ્યાનમાં જ ઊતરી જાય ને જાગે ત્યારે વાતો કરે.

એક દિવસ બપોરે બેઠા થઈને બાપાશ્રી ઘણી વાર પાણી સામું જોઈ રહ્યા, પછી બોલ્યા જે, ‘સ્વામી! આ ટાણે ‘મેરે તો તુમ એક આધારા’ એવું થયું છે, જુઓને! સમુદ્રમાં સર્વત્ર જળ દેખાય છે. બીજું કાંઈ નજરમાં આવતું નથી. તેમ મૂર્તિઆકારે દૃષ્ટિ થાય તેને બીજું કાંઈ ન જણાય; એક મૂર્તિ જ દેખાય.’ વળી રાત્રે ગોડી, આરતી ધૂન્ય કર્યા પછી થોડી વાર સંતો કથા, ચેષ્ટા કરી પોઢણિયું બોલી રહ્યા, ત્યારે વાત કરી જે, ‘સ્વામી! અક્ષર પર આનંદઘન જે પોતાનું તેજ તેમાં શ્રીજીમહારાજ અનંત મુક્તોએ સહિત અખંડ દર્શન દે છે; ત્યાં તેજના બંબ છૂટે છે ને એ મૂર્તિમાંથી તરેહ તરેહની ખુશબો આવે છે. એથી એ દિવ્યમુક્તો આનંદમાં ગરકાવ અને પૂર્ણકામ રહે છે. ત્યાં આપણે રહેવું, મહારાજ જરાય છેટા નથી, દિવ્યદૃષ્ટિ થાય તો અહીં જ દેખાય, પણ મૂર્તિઆકારે વરતાય નહીં. પછી શાસ્ત્રમાં ખોળે, કાં જપ, તપ, વ્રત આદિ સાધન કરે, પણ એ બધુંય બહિદૃષ્ટિએ, તેથી આ વસ્તુ હાથ ન આવે. મોટાનો તો એક જ સિદ્ધાંત છે કે એક મટકું ભરીએ એટલી વાર પણ મૂર્તિથી જુદા ન પડવું. મૂર્તિ વિના બીજી ઇચ્છા રહે તે દુષ્ટ વાસના કહેવાય. એવી વાસનાવાળાને સુખ ન આવે. માટે કરી કરીને કરવાનું એ જ છે કે શ્રીજીમહારાજ વિના બીજું કાંઈ વહાલું રાખવું નહિ.’ આમ રહસ્યની વાતો કરતા ને નિત્ય નિયમ કરતાં ત્રણ દિવસે બીજી આગબોટ આવી, તેમાં બેસી વવાણીએ થઈ મોરબી આવ્યા. એ વખતે ગોવિંદભાઈના દીકરા લધુભાઈ ત્રણે દિવસ લાગઠ દહીંસરેથી પાણી લાવતા, તેથી તેમના ઉપર બાપાશ્રી બહુ રાજી થયા ને બોલ્યા જે, ‘લધુભાઈએ આપણી ખરે વખતે સેવા કરી છે, તેથી આપણે તેમને મહારાજના સુખે સુખિયા કરશું.’ પછી મોરબી આઠ દિવસ રહ્યા, ત્યાં પણ બાપાશ્રી બહુ ચમત્કારિક વાતો કરતા ને દર્શન-સેવા વગેરેનું સુખ આપતા હોવાથી રણછોડલાલભાઈ ને શાંતિ શાંતિ થઈ ગઈ ને તેમણે પણ બાપાશ્રી તથા સંતોને સેવાએ રાજી કરી દીધા. પછી ત્યાંથી બાપાશ્રી સંતોની સાથે જૂનાગઢ, ગઢડા તથા મૂળી આદિ ધામોનાં દર્શન કરી કચ્છમાં પધાર્યા.