૮૮ - મૂર્તિનું ધ્યાન અને મૂર્તિનું જ વર્ણન
આવી રીતે ભાઈશ્રી ઘરનું તથા વાડીનું પોતાથી બનતું કામકાજ કરતા અને કોઈ મહિમાવાળા સંત, હરિભક્તો આવે તેને મૂર્તિના સુખની કે મોટા મુક્તના મહિમાની વાતો કરતા હોવાથી નાનામોટા સંત, હરિભક્તો તેમનું વધારે ને વધારે માહાત્મ્ય જાણવા લાગ્યા. એકાદશી, અમાસ કે સમૈયાના દિવસ હોય ત્યારે ભૂજ જાય. સ્વામીશ્રી આગ્રહ કરે તો બેપાંચ દિવસ રોકાઈ રહે. ઘરમાં સહુને એમની ખબર કે કાલ આવવાનું કહી ગયા હોય ને પાંચ દિવસે આવે. જ્યાં બેઠા હોય ત્યાં મૂર્તિનું ધ્યાન. વાત કરે તેમાંય મૂર્તિનું જ વર્ણન. મુક્તરાજ લક્ષ્મીરામભાઈ જેવા કે સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી જેવા જેનો મહિમા જાણે તેમાં બીજું શું કહેવાનું હોય? મુક્તરાજ કેસરાભાઈ, દેવજીભાઈ, જાદવજીભાઈ, દેવરાજભાઈ, કુંવરજીભાઈ, વિશરામભાઈ આદિ અથવા સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી તથા સદ્ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામીના જોગ-સમાગમે ઉત્તમ સ્થિતિમાં વર્તનારા સંત-હરિભક્તો તથા બાઈઓમાં રામપુરવાળાં મોટાં મુક્ત ધનબા જેવાં આ મુક્તરાજની મોટપ જાણી ગયાં હતાં. સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી તો જે કોઈ પોતાની પાસે આવે તેને ભાઈશ્રી સાથે ગાઢ સ્નેહ કરી જોગ-સમાગમ કરવાનું કહેતા. ‘ઉપરાંત એ અખંડ મૂર્તિના સુખમાં કિલ્લોલ કરે છે, શ્રીજીમહારાજ એમનું માને છે, અનાદિ મુક્તને પોતા તુલ્ય ઉપમા આપી છે, એવા આ મુક્ત મોટા છે. એમના સામર્થ્યની આગળ ખબર પડશે. એ તો અહીં બેઠા થકા કેટલાયને મહારાજના સુખમાં લઈ જાય છે. આ તો ચીંથરે વીંટ્યાં રત્ન છે; ઝાઝું શું કહીએ?’ એમ કહીને ઘણાને ઓળખાણ પડાવતા હોવાથી બહારગામથી પણ સંતો કે દેશીપરદેશી હરિભક્તો પંચતીર્થી કરવાને મિષે તથા દર્શન-સમાગમ કરવા આવ્યા જ કરતા. તેઓ ભૂજ તથા ગામડાંમાં જઈ આવી વૃષપુરમાં થોડું રહેવા છતાં તેઓને ભાઈશ્રીમાં કાંઈ ને કાંઈ નવીનતા જણાયા કરતી. કોઈ કહે, અમે પાસે બેઠા હતા ત્યારે અંગમાંથી સુખડ જેવો સુગંધ આવતો હતો, ત્યારે કોઈ કહે, અમને સર્વે અંગ જાણે પોંચા રૂ જેવાં લાગ્યાં. કોઈ એમ બોલે કે, સભામાં રાત્રે એવી તો ચમત્કારિક વાતો કરી હતી કે એ વખતે મહારાજની મૂર્તિ જાણે તદાકાર થઈ ગઈ. એમ કોઈ કીર્તન બોલ્યાનાં વખાણ કરે તો કોઈ પ્રસાદી આપ્યાનાં. કોઈને નાહતા અને કોઈને જમતા, એમ જ્યાં જ્યાં સુખ મળ્યું હોય તેમ વાતો કરે. આ મુક્તરાજ તો વાડીએ સૂતા હોય તો ઘણી વાર બબ્બે કલાક સૂતા જ રહે. કોઈ તે વખતે દર્શને આવે તો પાસે બેસી રહે. જ્યારે જાગે ત્યારે ‘જય સ્વામિનારાયણ’ કરે. કોઈ વખત એમ કહે કે, ‘અમે તો આજ કામમાં પડી ગયા હતા, તમે ક્યારે આવ્યા છો?’ પછી થોડી વાર વાતો કરી રાજી કરે. વાડીમાંથી ગાજર લાવી સુધારીને પ્રસાદી આપે, કોઈને રોટલા જમાડવા ઘેર લઈ જાય, કોઈને માથે હાથ મૂકે, કોઈ દુઃખીયા હોય ને પ્રાર્થના કરે, તો તેને ‘મહારાજ સારું કરશે’ એવા આશીર્વાદ આપે, કોઈને હેતે સહિત મળે. સંત-હરિભક્તો જ્યારે બીજે ગામ જાય ત્યારે પોતે વળાવવા જાય; મૂર્તિની વાતો કરે, ત્યારે જાણે ધ્યાનમાં જ હોય તેમ દેખાય. વાતોમાં તો મૂર્તિનું જ મુખ્યપણું લાવે, તે કેવી રીતે? તો, ‘આજ આપણને અવિનાશી મહાપ્રભુ મળ્યા છે, એ મૂર્તિ દિવ્ય તેજોમય છે, શ્રીજીમહારાજે દયા કરીને આપણો હાથ ઝાલ્યો છે, તેથી એ કારણમૂર્તિને આપણે પળ માત્ર મૂકવી નહિ. અનાદિ મુક્ત એ મૂર્તિના સુખમાં ગુંજારવ કરે છે. એમણે આપણને ન્યાલ કર્યા છે, નહિ તો મહાપ્રભુની ઓળખાણ કોણ કરાવે? જીવ તો ધૂળનો વેપાર કરે એવા છે, તેને ગોળખોળની ખબર નથી. એવા જીવને મહાપ્રભુના લાડીલા અનાદિ મુક્ત મૂર્તિના સુખમાં પહોંચાડે છે, કેમ કે એ અનુભવી છે. તમારે તો આ ટાણું ભારે આવી ગયું. આવી દિવ્ય સભાનો વિશ્વાસ રાખશો તો ઠેઠ મૂર્તિમાં પહોંચશો, બ્રહ્મવિદ્યાના ભોમિયા આવા મુક્ત છે તે દૃષ્ટિમાત્રે ઠેઠ પહોંચાડે એવી એમના પાસે કળા છે. અનાદિ મુક્તરાજ સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી જેવા આપણને અહીં દેખાતા હોય, પણ એ તો સદાય મૂર્તિ ભેળા જ છે, તેને જે જાણતા હોય તે જાણે. એવા મોટા સંતના જોગમાં આ દિવ્ય સભાનું સુખ આવે. આ તો અખૂટ ખજાનો ને અમૃતનો સમુદ્ર છે, ચિંતામણી, પારસમણિ, કલ્પતરુની ઉપમા શ્રીજીમહારાજ તથા તેમના લાડીલાને ઘટે નહિ. પણ બીજું કયું દૃષ્ટાંત આપવું? એ વસ્તુ માયાથી પરની નથી ને આ તો પોતેય દિવ્યમૂર્તિ અને જે તેમની દૃષ્ટિમાં આવે તે પણ દિવ્ય થાય. અનાદિ મુક્તરાજ પર્વતભાઈ જેવા મહાસમર્થ મુક્તોએ અનેકને દૃષ્ટિમાત્રે મૂર્તિના સુખમાં પહોંચાડ્યા. એવા તો અનંત મુક્ત છે, તે શ્રીજીમહારાજ સંકલ્પથી દર્શન દે છે. માટે આવી સભાને દિવ્ય જાણી દિવ્ય થઈ જવું. આવી રીતે વાતો કરતાં ભાઈશ્રીએ પણ અનેકને સુખ આપવાનું સદાવ્રત ચાલતું કર્યું હોવાથી જે જે સંત-હરિભક્તો જોગમાં આવે તે સુખિયા થતા. ઘરનો વ્યવહાર કેમ ચાલે છે? એ વાતની ચિંતા તો પોતાને હતી જ નહિ. તેમ ઘરમાં ક્યારેક એ વાત કોઈક કાઢે તો કહે જે, ‘મહારાજનું કામ મહારાજ પોતે જ કરશે. એની અનંતકોટિ બ્રહ્માંડમાં નજર પહોંચે છે, આપણે એમના છીએ ને એ આપણા છે, પછી શું કરવા ઉચાટ કરીએ?’ આમ કહે, તેથી સૌ સંતોષ પામે. પોતાને તો અખંડ મૂર્તિનું જ તાન, તેથી પોતે તો આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતા જ હોય.