૨૧૯ - શ્રીજીમહારાજનાં દિવ્ય દર્શન

0:000:00

આ પ્રસંગે શીરાના હોજ તૈયાર કરેલા તે ઉપર મહંત સ્વામી મુકુંદજીવનદાસજીના કહેવાથી મૂળીવાળા સ્વામી ભક્તિપ્રિયદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી રહ્યા હતા; એ ઠેકાણે સંતોએ સહિત બાપાશ્રી જ્યારે જોવા પધાર્યા ત્યારે તેમણે પ્રાર્થના કરી કે, ‘બાપા! તમે દયા કરી આ સમૈયામાં પધાર્યા છો, તેથી સૌ રાજી રાજી થઈ રહ્યા છે;’ ત્યારે બાપાશ્રી કહે, ‘આવાં યજ્ઞમાં તો જરૂર આવવું જ જોઈએ. શ્રીજીમહારાજ દિવ્યરૂપે સભામાં દર્શન દે છે ને અહીં થાળ જમાડતી વખતે હેતે સહિત શીરો જમી બહુ જ પ્રસન્નતા જણાવી છે.’

આવી જ રીતે જનોઈનો વિધિ થઈ રહ્યા પછી સૌને જમાડવાની પંક્તિઓ થઈ ત્યારે પણ સોનેરી વસ્ત્ર ધારણ કરેલાં ને સોનેરી પાઘે સહિત શ્રીજીમહારાજ પંક્તિમાં ફરે છે, એવાં દર્શન સદ્‍ગુરુ સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી ભગવતચરણદાસજીને થયાં, તેથી સંત-હરિભક્તો આનંદમાં ગરકાવ બની રહ્યા હતા. બાપાશ્રી પણ ઘણી વાર એમ કહેતા જે, ‘આ યજ્ઞમાં શ્રીજીમહારાજ પ્રત્યક્ષ દર્શન દે છે, સૌનાં પર અમૃતનજર કરે છે, પંક્તિમાં ફરે છે, તેથી આ સમૈયામાં જે કોઈ આવ્યા છે તેનાં બહુ મોટાં ભાગ્ય છે.’

આ વખતે બાપાશ્રી ચોકમાં છત્રી પાસે ઊભા હતા, ત્યારે ઘણા હરિભક્તો આવી આવીને દર્શન કરતા તેને પોતે માથે હાથ મૂકી આશીર્વાદ દેતા. કોઈ હાર પહેરાવે તે અંગીકાર કરતા. પછી તો ઘણી વાર ત્યાં જ બેઠા. પંક્તિ વખતે પણ સૌને દર્શન આપતા ને સંતોની પંક્તિમાં સંઘે સહિત પોતે દંડવત્ કરતા, સંતો ના પાડે તો કહે, ‘મહારાજ આ પંક્તિઓમાં દર્શન દેવા ફરે છે તેને અમે દંડવત્ કરીએ છીએ,’ એમ કહી સૌને રાજી કરતા હતા.