૪૦૩ - મુક્તરાજ ધનબાનાં વિનયવચનો
આ રીતે છેલ્લી ભલામણની વાત દશમને દિવસે થઈ જવાથી સાંજે તો કોઈ જમે તેવું રહ્યું નહિ ને બીજે દિવસ મોટી એકાદશી હતી, તેથી તે દિવસ પણ સૌને ઉપવાસ હોય ને બારસને દિવસે કોણ જાણે કેમે થાય? બાપાશ્રીએ ઘરને વ્યવસ્થા કરી નાખી ને ગામધણીને બોલાવી ભલામણ કરી, એ ખબર તો તુરત ગામોગામ ભૂજ સુધી પહોંચી ગયા, તેથી દહીંસરાના મુક્તરાજ કેસરાભાઈને શરીરે ઠીક નહોતું તોય તે તથા રામપુરવાળાં મુક્તરાજ ધનબા કલ્પાંત કરતાં વૃષપુર આવ્યાં. આ મંદવાડની વાત ધનબાથી અજાણી રહી નહોતી, પણ તેમનેય ઠીક નહોતું, તેથી તે ઉદાસ થતાં હતાં ત્યાં સ્વપ્નમાં બાપાશ્રીએ તેમને એવાં દર્શન આપેલાં કે અમો સાજા છીએ; કાંઈ ચિંતા કરશો મા. આથી તે વહેલાં આવી શક્યા નહોતાં, પણ આ છેલ્લા ખબરથી તો પોતે સાવ નિરાશ થઈ દશમની રાત્રે જ ગાડું જોડાવી આવી પહોંચ્યાં, પણ તે વખતે બાપાશ્રી ખાટલો ઉપડાવી મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરવા ગયા હતા, તેથી પોતે મંદિરને બારણે બેસી વાટ જોઈ રહ્યાં કે હમણાં બાપાશ્રી ઘેર પધારશે. મુક્તરાજ ધનબા રામપુરથી આવ્યાં છે એવા ખબર પડતાં બાઈઓના મંદિરમાં ગુજરાતનાં મોટાં બાઈઓ કંકુબા તથા મોંઘીબા વગેરે હતાં, તે બાઈઓના સમૂહ સાથે ત્યાં આવ્યાં ને ધનબાને મળ્યાં તે વખતે બાઈઓનો સમૂહ એટલો બધો ભેળો થઈ ગયો કે, ચોકમાં કોઈ સમાય નહિ. મંદિરમાં સંતો તથા ગામોગામથી આવેલા હેતવાળા હરિભક્તોથી ભાઈઓના મંદિરમાં પણ એવી જ ભીડ! સૌ દર્શન કરતાં તૃપ્ત જ ન થાય, કેમ કે બાપાશ્રી તુરત ઘેર જતા રહે છે, એમ સંત-હરિભક્તો જાણતા હોવાથી સૌ ઘેરીને ઊભા રહેલા ને બહાર બાઈઓ વાટ જોઈ રહ્યાં હતાં. ઘણી વાર થઈ તોય બાપાશ્રી બહાર ન આવ્યા, તેથી મુક્તરાજ ધનબાએ મંદિરમાંથી હરિભક્તોને બહાર બોલાવી કહ્યું કે, ‘મને બાપાશ્રીનાં દર્શન ઝટ કરાવો તો ઠીક!’ આ ખબર મંદિરમાં પહોંચતાં સંત-હરિભક્તોને તથા મુક્તરાજ કેસરાભાઈ આદિને એમ જે, ‘ધનબા પ્રાર્થના કરશે તો બાપાશ્રી આ લોકમાંથી ઉદાસ થઈ ગયા છે તે સંકલ્પ ફેરવશે.’ એમ જાણી હરિભક્તો બાપાશ્રીનો ખાટલો મંદિરની ડેલીના બારણા પાસે ઉપાડી લાવ્યા, તેથી સૌ બાઈઓએ છેટેથી પગે લાગી ‘જય સ્વામિનારાયણ’ કર્યા.
મુક્તરાજ ધનબાને, બાપાશ્રીએ સાજા છીએ એવાં સ્વપ્નમાં દર્શન આપેલાં ને આંહીં વધુ મંદવાડ જણાવી ખાટલામાં સૂતા હતા. આવું જોઈ તેમનું હૃદય ભરાઈ આવ્યું ને આંખોમાં આંસુ પડવા લાગ્યાં. પછી ગદગદ કંઠે બોલ્યાં જે, ‘ભાઈ! જય સ્વામિનારાયણ.’ પણ બાપાશ્રી તો કાંઈ બોલ્યા જ નહિ. આથી જેટલાં બાઈઓ દર્શન કરતાં હતાં તે પણ સહુ ગળગળાં થઈ ગયાં. બાપાશ્રીએ તો વૃત્તિ મૂર્તિમાં જોડી દીધેલી, એટલે તેમને આ કાંઈ જોવાનું નહોતું, પણ અહીં તો સૌ એકનજરે તેમના સામું જોઈ રહ્યા હતા. પછી હળવેથી ધનબાએ કહેવા માંડ્યું જે, ‘બાપ! આમ શું કરી બેઠા છો? આ બધાય તમારો મંદવાડ જોઈને અર્ધા માંદા થઈ ગયા છે. સાધુ કે હરિભક્ત કોઈ પૂરું ખાતાયે નહિ હોય! ઘરમાં વાલબાઈ, રાધાબાઈની આંખોમાં તો આંસુ સુકાતાં નથી! આ ટાણે તમને આવું કરવું ન ખપે.’ આવાં વચન સાંભળી બાપાશ્રીએ નેત્ર ઉઘાડી સામું જોયું ને બોલ્યા જે, ‘બાઈ! મહારાજની મરજી હોય તેમ આપણે રાજી રહેવું જોઈએ.’ એ વખતે ધનબા કહે, ‘ભાઈ! મહારાજ તમને સૌ વર્ષના કરે. તમારા સાટે મહારાજ ભલે મને તેડી જાય. તમારાથી સાજો સત્સંગ સુખિયો છે. મહારાજને સૌ પ્રાર્થના કરશે એટલે તમને રાખશે. પણ તમે આ લોકમાંથી ઉદાસ ન થાઓ. વરસાદ વિના મોલ સુકાય તેમ તમારો મંદવાડ જોઈ બધાય દુઃખિયા થઈ ગયા છે, તેથી કાંઈક દયા કરો.’ આવાં વિનયવચનો સાંભળી બાપાશ્રી કહે, ‘હવે મારા શરીરમાં કાંઈ પહોંચ નથી ને મહારાજ વિના બીજું કાંઈ ગમતું નથી.’ ત્યારે ધનબાએ બહુ હેત જણાવી કહ્યું કે, ‘મહારાજ તમને ખમા કરે. સાવ હિંમત હારી જાઓ મા. મંદવાડ તો ઘોડા વેગે આવે ને કીડી વેગે જાય. હવે સૌ પર રાજી થઈ દયા કરો.’ આમ હજી એ બોલતાં જ હતાં, ત્યાં તો બાપાશ્રીએ હરિભક્તોને મંદિરમાં ખાટલો લઈ લેવાનું કહી, સૌને ‘જય સ્વામિનારાયણ’ કર્યા. એકાદશીનો દિવસ હોવાથી સંતો વચનામૃતની કથા વાંચતા હતા. પણ બાપાશ્રી આવ્યા એટલે પાછી પ્રાર્થના કરવા માંડી. મુક્તરાજ કેસરાભાઈએ પણ બહુ કહ્યું. સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી સૌની વતી પ્રાર્થના કરે એમાં શું ખામી હોય! બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી જેવાને પણ એમ જે, કેમે કરતાં બાપાશ્રી રાજી થઈ દયા કરે. વળી સ્વામીશ્રી આદિ સંતોને હરિભક્તોએ કહ્યું હતું જે, ‘મુક્તરાજ ધનબાએ ઘણી પ્રાર્થના કરી, પણ બાપાશ્રી ‘રહેશું’ એવું એકે વચન બોલ્યા નહોતા તેથી વારંવાર સૌ પ્રાર્થના કરતા જ હતા, પણ કોઈને એ સંબંધી ખુલાસો ન મળતાં સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી બાપાશ્રી ખાટલો ઉપડાવી પાછા ઘેર ગયા, ત્યાં પણ પુત્ર, પુત્રીઓ કે સગાંસંબંધી તથા હેતવાળાં બાઈઓ વગરેને એ જ રીતે પ્રાર્થના કરતાં જોઈ પોતે બોલ્યા જે, ‘તમે સહુ ઘડી ઘડી એનું એ કહો છો, પણ મહારાજની મરજી જેમ હોય તેમ સૌને રાજી રહેવું જોઈએ.’ આ વચનથી પાછી સૌને એવી ને એવી ઉદાસી રહી. રાત્રે વળી મુક્તરાજ ધનબાએ ઘેર આવી ઘણી પ્રાર્થના કરી તોપણ કાંઈ ન બોલતાં એ બહુ જ દિલગીર થયાં.