૬૪ - સભાની મર્યાદા રાખવી જોઈએ
પછી સ્વામીના આસને મોટી સભા થઈ તેમાં આગળ ભાઈશ્રી બેઠેલા તેથી હરિભક્તો દર્શને આવે તે ‘જય સ્વામિનારાયણ’ કરી કરી પાછળ બેસે. સ્વામીશ્રી વાતો કરતા હતા તે સૌ એકચિત્તે સાંભળતા હતા. તે વખતે શેઠ ચીમનલાલભાઈ તથા વકીલ સોમેશ્વરભાઈ આવ્યા ને સ્વામીશ્રીને ‘જય સ્વામિનારાયણ’ કરી આગળ બેઠા, એટલે ભાઈશ્રી પાછળ ખસી ગયા. એ જોઈ સ્વામીશ્રીએ તેમને કહ્યું જે, ‘તમે પાસે બેસી જાઓ છો ને આ મોટા મુક્ત સમાધિવાળા પાછા ખસતા જાય છે, તેનો તમને કાંઈ વિચાર થાય છે? સભાની મર્યાદા તો રાખો! આ કેવા સમર્થ છે! હજુ કાલ સવારની વાત, જેતલપુરમાં ધ્રુવાનંદ સ્વામીને મહાપથારીમાંથી મહારાજને કહીને રખાવ્યા. ચંદનની વૃષ્ટિ કરાવી, -એવા છે. શ્રીજીમહારાજ આ મુક્તનું માને છે ને તમે તો એમને ગણતા નથી, તે તમે શું સમજ્યા? શ્રીજીમહારાજે અનંત જીવોનો મોક્ષ કરવા તેમને મોકલ્યા છે.’ એવાં સ્વામીશ્રીનાં વચન સાંભળી આ બન્નેએ ઊઠીને ભાઈશ્રીને દંડવત્ કર્યા ને પ્રાર્થના કરી જે, ‘અમે તમારાથી આગળ બેસી ગયા ને તમને પાછા ખસવું પડ્યું, એ અમારો અપરાધ માફ કરો.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘એમાં કાંઈ નહિ.’ પછી સ્વામીશ્રીએ થોડી વાર વાતો કરી ને સમય થયો ત્યારે સમાપ્તિ કરી સૌ ઊઠ્યા. તે વખતે ચીમનલાલ શેઠે સ્વામીશ્રીને પ્રાર્થના કરી જે, ‘આ મુક્તરાજ પાસે મને અક્ષરધામમાં લઈ જાય તેવું વચન અપાવો.’ ત્યારે સ્વામીશ્રી રાજી થયા ને કહ્યું જે, ‘ભાઈ, આ જીવ તમારો છે, તેને અંત વખતે તમે સાંભળી લેજો.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘બહુ સારું, સ્વામી! આપનું વચન માથે ચડાવ્યું.’ આ વચન સાંભળીને એ શેઠને ભાઈશ્રીને વિષે ઘણું હેત થઈ ગયું. પછી ઊઠ્યા ત્યારે હાથ જોડી પ્રાર્થના કરી પોતાને ઘેર તેડી ગયા ને પોતાને દીકરાનો સંકલ્પ રહેતો હતો તે પણ કહ્યું. તેમના વિનયવચનથી રાજી થઈ ભાઈશ્રી કહે, ‘જાઓ! શ્રીજીમહારાજ તમારી ઇચ્છા પૂરી કરશે. મહારાજને સંભારજો, ઘડીયે વિસારસો મા.’ (એ વચન પ્રમાણે તેમને દીકરો થયો, તે પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ નામે પ્રસિદ્ધ હતા.)