૧૧૨ - કેરા નદીના પથ્થર પર સભા
એક દિવસ ભાઈશ્રી હરિભક્તોએ સહિત ગામ કેરે પધાર્યા હતાં, ત્યાં જઈને નદીના ધરામાં નાહીને પ્રસાદીનો મોટો પથ્થર છે, ત્યાં માનસીપૂજા કરવા બેઠા. ઘણી વાર થઈ પણ જાગ્યા નહિ, ત્યારે હરિભક્તોએ જાણ્યું જે, ‘ભાઈ હવે ક્યારે ઊઠશે?’ માર્ગે જતા માણસોને ખબર પડવાથી તેમણે ગામમાં વાત કરી, તેથી કેટલાક હરિભક્તો ત્યાં આવ્યા. નાહીને પડખે બેસી સૌ દર્શન કરતા જાગવાની વાટ જોતા હતા. લગભગ ત્રણ કલાક પછી જાગ્યા, ત્યારે સૌને હાથ જોડીને ‘જય સ્વામિનારાયણ’ કર્યા, ને સામું જુએ પણ કાંઈ બોલે નહિ, પછી થોડી વાર નેત્ર મીંચતા ને વળી જાગ્રત થઈ સામું જોતા, જાણે બહુ વિચાર કરી બોલવું હોય તેમ ધીરે ધીરે બોલવા લાગ્યા જે, ‘આજ તો અક્ષરધામમાંથી શ્રીજીમહારાજ ને તેમના અનાદિ મુક્ત કૃપા કરીને પધાર્યા છે,’ આવા મુક્ત મળ્યા હોય તોય દુ:ખિયું રહેવાય, એ તો બહુ ખોટ ગણાય! જીવનો ઝાઝો વાંક તો એ છે કે, મહારાજે બાંધેલી આજ્ઞામાં ગોટા વાળે છે, પણ તેમ ન કરવું. શ્રીજીમહારાજ તથા મોટાની આજ્ઞા પ્રમાણે બરાબર વર્તીને પોતાની ખોટ હોય તે ટાળી નાખવી. આજ ખરેખરું ટાણું આવ્યું છે, આવું ટાણું વારે વારે ન મળે. આવો અવસર ભૂલ્યા પછી ઓરતો થાય એ શું કામનું? હજાર જન્મે કે લાખ જન્મે પણ વચનમાં વર્તીને ચોખવટ કર્યે છૂટકો છે. મહારાજ તથા મોટાં મુક્તોનો ખરેખરો મહિમા જાણ્યો હોય તો એમાં શું કઠણ પડે? અનેક જન્મ ધરે તોય આવો જોગ ક્યાંથી મળે? માટે આવા જોગમાં મૂર્તિ સિદ્ધ કરી લેવી. મોટાં અનાદિની કૃપાએ જેને દિવ્યદૃષ્ટિ થાય તેને એમ જણાય જે, ‘શ્રીજીમહારાજ સદાય પ્રત્યક્ષ બિરાજે છે. ફરતી મુક્તની ઠઠ્ઠ છે. મૂર્તિમાંથી નકરું અમૃત વરસે છે, તે અમૃતનું પાન કરવું. ‘અમૃતરસ મેલી રે, વિખ હું નહિ ચાખું.’ –એમ કરી નાખવું. જીવને બહિર્વૃત્તિ બહુ છે, તેથી આવી અલૌકિક વસ્તુની ખબર પડતી નથી’ –એમ કહી સૌને ઊભા થઈ મળ્યા. પછી ધીરે ધીરે સાંજે વૃષપુર પહોંચ્યા.
એક દિવસ મંદિરમાં કથા થઈ રહ્યા પછી આસને થોડા હરિભક્તો બેઠા હતા, ત્યાં ભાઈશ્રીએ વાત કરી જે, ‘સૂર્યના પ્રત્યક્ષ દર્શન વાલખિલ ઋષિને થાય છે, પણ બીજાને તો એમનો પ્રકાશ દેખાય છે. તેમાં જન્મઆંધળાને તો સૂર્ય કે તેજ એ બેમાંથી એકેયનું દર્શન નથી, પણ અનુમાને જાણે કે સૂર્ય ઊગ્યો છે; તેમ આ સત્સંગમાં જે દેહાભિમાને રહિત ભક્ત છે, તે તો મુક્ત દ્વારે શ્રીજીમહારાજને દેખે છે, અને હજૂરના રહેનારા જે મુક્ત તેને તો સાક્ષાત્ દર્શન થાય છે, ને દેહાભિમાનવાળા તો (આંધળાની પેઠે) અનુમાને જાણે જે, ‘ભગવાન સર્વત્ર રહ્યા છે,’ પણ તે તો એ બેય સ્વરૂપમાંથી એકેયને દેખે નહિ, તેથી મોક્ષ પણ ન થાય, તે માટે શ્રીજીમહારાજે દયા કરી જીવોને સુખિયા કરવા પોતાના મુક્તોએ સહિત પૃથ્વી પર મનુષ્યરૂપે દર્શન આપ્યાં છે. એમ જાણી સાવધાન થઈને દેહાભિમાન, રસાસ્વાદ તથા કામ, ક્રોધ, લોભ, માન આદિ સર્વે દોષ ટાળી મહારાજ તથા મોટા સાથે જોડાઈ જવું, તો તત્કાળ મોક્ષ થઈ જાય.