૧૮૮ - બાપુભાઈને દિવ્ય દર્શન તથા વરદાન

0:000:00

સંતો દેશમાં ગયા પછી બાપુભાઈ વૃષપુરમાં રોકાણા હતા, તે રોજ બાપાશ્રીના દર્શન તથા સેવા-સમાગમ કરતા. પોતાને હેત બહુ હોવાથી ગામડેથી હરિભક્તો દર્શન કરવા આવે તેને મહારાજ તથા મોટાના મહિમાની વાતો પૂછે કાં પોતે કરે. બાપાશ્રી ઘેર જાય કે વાડીએ જાય ત્યારે પોતે ભેળા ને ભેળા રહે, તેથી ઘણી વાર બાપાશ્રી તેમને મહારાજના પ્રતાપની વાતો કરતા ત્યારે એ આનંદ પામતા, કોઈ વાર પોતે પણ પૂછતા; વળી ક્યારેક નારાયણપુર અથવા બીજે ઠેકાણે તેમને મોકલે, ત્યારે હેતે સહિત જાય ને રાજી થાય –એમ ઘણા દિવસ થઈ ગયા, પણ ઘેર જવાની તો વાત જ સંભારે નહિ. એવામાં તેમના પિતા બોઘા પટેલનો કાગળ આવ્યો જે, ‘તમને કચ્છમાં ગયા ઘણા દિવસ થયા. હવે તમે જેમ બને તેમ તરતમાં આવો તો સારું.’ આ કાગળની વાત તેમણે બાપાશ્રીને જણાવી ત્યારે બાપાશ્રી કહે, ‘તમારો પિતાનો કાગળ આવ્યો, એટલે હવે તમારે જવું જોઈએ. આ ફેરે અહીં તમો ઘણું રહ્યા. આપણે ક્યા છેટું હતું? જ્યારે મહારાજ તથા મોટાને સંભારીએ ત્યારે દર્શન થાય, વાર ન લાગે.’ પછી બીજે દિવસે સવારમાં ચાલવાનું કહ્યું, પણ બાપુભાઈનું મન માને નહિ. આજ્ઞા થઈ એટલે રોકાવાનું તો કહેવાય નહિ. એમ કરતા આખો દિવસ વીતી ગયો, પછી રાત્રે પોતે પ્રાર્થના કરી આશીર્વાદ માગ્યા ને સૂઈ રહ્યા. સવારે વહેલા નાહી પૂજા કરી ઠાકોરજી જમાડી તૈયાર તો થયા, પણ મનમાં એમ જે, ‘કોઈ સંગાથ હોત તો ઠીક થાત.’ બાપાશ્રી તેમનો આવો સંકલ્પ જાણી ગયા ને કહ્યું જે, ‘બાપુભાઈ! ચાલો, અમારે વાડીએ જવું છે, ત્યાંથી તમને સીધો માર્ગ દેખાડી દઈશ, તે કોઈ બીજા સંગાથની જરૂર જ નહિ પડે. ‘પછી તો એ રાજી થતાં સાથે વાડીએ ગયા, ત્યાં નાહ્યા માનસી પૂજા કરી ફેર દંડવત્ કરી મળ્યા; પણ મનમાં એ જ સંકલ્પ, તેથી પ્રાર્થના કરી કહ્યું જે, ‘બાપા! મને આપે રજા આપી છે, તેથી હું કાંઈ કહી શકતો નથી, પણ એકલા જવાનું કેમ ફાવશે? –એ વિચાર મટતો નથી.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમને ઠેઠ ઘર સુધીનો સંગાથ કરી દેશું, તે જરાય મૂંઝવણ નહિ આવે,’ –ત્યારે તે રાજી થયા ને કહે, ‘બાપા! મારી ઉપર આવડી દયા!’ આમ કહેતા બાપાશ્રી તેમને સાથે લઈ વાડીની ઉપર ડુંગરા તરફ ચાલ્યા. બાપુભાઈને પાછા સંકલ્પ થતાં આવે જે, ‘અહી ક્યાંય માર્ગ જણાતો નથી ને બાપા આમ ક્યાં લઈ જાય છે?’ ત્યાં તો બાપાશ્રી ઊભા રહ્યા ને બોલ્યા જે, ‘બાપુભાઈ! આ સામા ડુંગરામાં જુઓ, કાંઈ દેખાય છે?’ ત્યાં તો ચક્રાકાર તેજના મંડળમાં શ્રીજીમહારાજનાં દર્શન થયાં! તે જોઈ બાપુભાઈ તો હર્ષભર્યા દંડવત્ કરવા લાગ્યા ને પગે લાગી બાપાશ્રી ને પ્રાર્થના કરવા મંડ્યા જે, ‘આમ ને આમ સદાય મહારાજ દેખાય એવી કૃપા કરો. મારે બીજું કાઈ જોતું નથી, ‘ત્યારે બાપાશ્રી કહે, ‘બહુ સારું.’ પછી તે ઘેર આવ્યા ત્યાં સુધી મહારાજ તેજોમય એમ ને એમ આગળ દેખાયા કરે. આમ તેમના પર અત્યંત રાજીપો થયો. પછી તો જ્યારે જ્યારે એ ઘેર બેઠા સંભારે ત્યારે પણ બાપાશ્રી તેમને દર્શન આપતા.

એક વાર તેમણે નવાં ઘર કરેલાં તેને પડખે વાડો હતો, તેમાં ભૂત-પ્રેતનો વહેમ પડતાં ઘરમાંથી જતાં-આવતાં સહુ બીવા લાગ્યા. પછી બાપુભાઈએ બાપાશ્રીને સંભાર્યા, ત્યાં તો ઓચિંતાના દર્શન આપ્યાં, ત્યારે પોતે આશ્ચર્ય પામતા કહેવા લાગ્યા જે, ‘બાપા! બહુ દયા કરી અત્યારે ક્યાંથી?’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમારા વાડામાં બીક જેવું છે, તે કાઢવા આવ્યા છીએ,’ –એમ કહી એમને સાથે તેડીને પોતે વાડામાં પધાર્યા. ત્યાં તો એક કાળા લૂગડાવળી સ્ત્રી નીકળી, તે એમના ઘર સોંસરી થઈ દક્ષિણ દિશામાં ચાલી ગઈ, તેને બાપુભાઈ જોઈ રહ્યા. પછી બાપાશ્રી કહે, ‘હવે તો તમારી બીક ગઈને!’ એમ કહી અદૃશ્ય થઈ ગયા.

વળી બીજી વાર પોતે વૃષપુર દર્શન કરવા ગયેલા, ત્યારે પણ પ્રથમ જેમ મહારાજનાં દર્શન ઘર સુધી થયાં હતાં તેમ એ વખતે પણ બાપાશ્રીએ દર્શન આપ્યાં હતાં.

એક વખત રાત્રે એ ઘરમાં સૂતા હતા, ત્યાં બાપાશ્રીએ તેમને જગાડીને દર્શન આપ્યા ને કહ્યું જે, ‘બાપુભાઈ! કેમ સૂઈ રહ્યા છો?’ ત્યારે તુરત પોતે બેઠા થઈ દંડ્વત કરવા લાગ્યા ને બોલ્યા જે, ‘બાપા! આ ટાણે તમે અહીં ક્યાંથી?’ –એમ કહેતા બાથમાં ચાંપી મળ્યા ને ખાટલા પર બેસારી સમાચાર પૂછવા લાગ્યા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘તમારી સ્ત્રીની તથા મોટા દીકરાની આયુષ્ય હવે થઈ રહેવા આવી છે, તેથી થોડા દિવસમાં મહારાજ પાસે અમે તેડી જઈશું, આ ટાણે તમને એટલું કહેવા આવ્યા છીએ, પણ એનો તમે બહુ શોક કરશો મા, કેમ કે તમારે ત્યાં થોડા દિવસમાં એક પુત્રનો જન્મ થવાનો છે.’ ત્યારે બાપુભાઈ કહે, ‘બાપા! આપની મરજી હોય તેમ કરો, મારી કાઈ ના નથી, પણ એટલું કે મારે હાથે રસોઈ કરવી પડશે અને મોટા દીકરા પર મારા બાપને હેત બહુ છે, તેથી તેને પણ ઘણું વસમું લાગશે; એ કરતાં આપ કહો છો જે નાના દીકરાનો જન્મ થવાનો છે, તો જો તેની ઊમર મોટા દીકરા જેટલી હોય તો એને બદલે નાનાને તેડી જાઓ તો સારું!’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે તમે કહેતા હો તો એમ કરશું ને તમારા ઘરના માણસને પણ બાર મહિના સુધી રાખશું,‘ –એમ કહી તરત અદૃશ્ય થઈ ગયા. તે જોઈ બાપુભાઈ તો દિગ્મૂઢ બની ગયા. પછી સવારે ઘરમાં આ વાત કરીને કહ્યું જે, ‘હવે ભગવાન ભજવાનો ખટકો રાખજો.’ પછી તેમના બાપને કહ્યું, ત્યારે એ પણ મોટા પુત્રને વિષે પોતાને હેત હોવાથી રાજી થયા. પછી થોડા દિવસે નાના પુત્રનો જન્મ થયો કે તરત જ તે દેહ મૂકી ગયો એ જોઈ એની માને ખાતરી થઈ ગઈ કે બાર મહિના પછી ‘મને પણ કહ્યા પ્રમાણે તેડી જશે ખરા!’ પછી તો એ અહોરાત્રિ મહારાજને સંભારવા મંડ્યા એમ કરતા દર્શન આપ્યાં હતાં, તે દિવસથી બરાબર એક વર્ષમાં ત્રણ દિવસ બાકી રહ્યા ત્યારે એમને તાવ આવવો શરૂ થયો, એટલે ઘરમાં સૌએ જાણ્યું જે, ‘હવે આનો દેહ રહેશે નહિ,’ –તેથી બાપુભાઈ રોજ પાસે બેસી મહારાજની સ્મૃતિ રખાવતાં ધીરજનાં વચનો કહેવા લાગ્યા; પછી આપેલ વચન પ્રમાણે એ બાઈને દેહ મૂકવા સમે શ્રીજીમહારાજ તથા બાપાશ્રી અને ઘણા સંતોનાં દર્શન થયાં. એ જોઈ ઘરમાં તથા ગામમાં સૌને આશ્ચર્ય થયું; અને બાપુભાઈએ જાણ્યું જે, ‘આ બધો બાપાશ્રીના રાજીપાનો પ્રતાપ છે.’